શહેરની સુરક્ષા અને સલામતી, બિન અનુભવી ચીફ ફાયર ઓફિસરના હવાલે..
જન્મ મરણનો દાખલો લેનાર ગરીબ માણસને,વચેટીઓને કે ડીટીપી ઓપરેટરને ક્રાઈમ વિભાગ ધ્વારા જેલ ભેગા કરી દેવાય છે. જ્યારે નકલી ફાયર એનઓસીની તપાસ માટે ફાયર ઓફિસર કે પોલીસ અધિકારીઓને તપાસ માટે ટાઈમ નથી !

વડોદરાની પ્રજાની કમનસીબી તો જુઓ કે તેમની સલામતીની જવાબદારી જેમના માથે છે તેવા વડોદરા ફાયર બ્રિગેડના બિનઅનુભવી ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ હજુ સુધી એ પણ શોધી શક્યા નથી કે વડોદરામાં નકલી ફાયર એનઓસી કોણ બનાવે છે ? પોતાને બધુ જ આવડતું હોવાના ઘમંડમાં રાચનાર મનોજ પાટીલ જો અનુભવી હોત તો ત્રણ મહિના પહેલાં જ જ્યારે પહેલી નકલી ફાયર એનઓસી પકડાઇ ત્યારે જ ગંભીરતાથી તેની તપાસ કરીને તેના મુળ સુધી પહોંચી શક્યા હોત. રાણાજીના આશીર્વાદથી અને ગોઠવણથી અનુભવ વગરના અને ગુજરાતની કોઇ પણ કોર્પોરેશન કે પાલિકામાં 24 કલાકની ફરજ નહી બજાવનારા મનોજ પાટીલ નકલી ફાયર એનઓસી કોણ બનાવે છે તે શોધી શક્યા નથી. મનોજ પાટીલ પાસે હવે અપેક્ષા રાખવી ખોટી છે. વડોદરાને પહેલા એવા સીએફઓ મળ્યા છે જે રાત્રે આંઠ વાગ્યા પછી ઘેર ગયા પછી તેમને ફોન નહી કરવાનું કહે છે ! તે અધિકારીને પોતાના હોદ્દાનું ભાન ના હોય, પોતાની જવાબદારીનું ભાન ના હોય તે માણસ નકલી ફાયર એનઓસીનું મુળ કેવી રીતે શોધી શકશે? અમદાવાદ પ્લેન ક્રેશમાં જઇને બચાવ અને રાહત કામ કરવાનો નિરર્થક શ્રેય લેવાનો પ્રયાસ કરનારા મનોજ પાટીલને ખબર નથી કે ત્યાં બચાવ અને રાહત કાર્ય ખરેખર તો અમદાવાદ ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકોએ જ કર્યું હતું. તમે તો 2 કલાક લેટ પહોંચ્યા હતા અને તે પહેલા મોટાભાગનું કામ તો અમદાવાદ પોલીસ, સ્થાનિક લોકો તથા અમદાવાદ ફાયર બ્રિગેડે કરી નાખેલું હતું પણ વડોદરામાં આવીને સ્થાનિક મીડિયામાં તેમણે વાહવાહી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. આ એક માત્ર સર્ટિફીકેટ હતું કે જુઓ હું બિનઅનુભવી નથી પણ હવે જ્યારે બીજી વાર પણ નકલી એનઓસી પકડાઇ ત્યારે તે બિનઅનુભવી હોવાનું પુરવાર થઇ ગયું છે. મહાલક્ષ્મી કોમ્પલેક્સના ઓનરને નોટીસ પણ આપવામાં ઉણાં ઉતર્યા છે. ખરેખર તો ફાયર એનઓસી ના હોય તો તેમણે મહાલક્ષ્મી કોમ્પલેક્સને સીલ કરવું જોઇએ પણ હજુ સુધી આટલો બધો અનુભવ હોવા છતાં તેમણે કોમ્પલેક્સ સીલ કર્યું નથી. ખરેખર તો સીએફઓએ નકલી ફાયર એનઓસીનું મુળ શોધવાનો પ્રયાસ કરવો જોઇએ. તેમાં તેમના જ કોઇ અધિકારીની મિલીભગત હોય તો તે કરી શકતા નથી. સ્થળ પર પોલીસને સાથે રાખીને તપાસ કરો અને પંચનામુ કરીને નકલી એનઓસી કાયદેસર કબજે કરો. કાયદેસરની કાર્યવાહી કરો પણ એવું કંઇ જ કર્યું નથી. સીએફઓની સીધી મદદગારી હોવાની વડોદારાના લોકોને શંકા છે.
શહેરમાં નકલી દસ્તાવેજોનો કાળો કારોબાર
અગાઉ જ્યારે ઓકટ્રોય હતી ત્યારે તે જમાનામાં ઓકટ્રોયની નકલી પાવતી મળતી અને ત્યારબાદ અનેક નકલી નું કૌભાંડ બહાર આવ્યું. નકલી સરકારી કચેરી, નકલી પોલીસ, નકલી અધિકારીઓ અને નકલી જન્મનો દાખલો, નકલી ફાયર એનઓસી, સીસી, ઓસી, પીસી, રજા ચિઠ્ઠી, રિવાઇઝ રજા ચિઠ્ઠી , ઇમ્પેક્ટ ના ઓર્ડર, લાગત ફી, બધે જ કાળો કારોબાર ચાલી રહ્યો છે. ત્રણ મહિનામાં બે વખત નકલી ફાયર એનઓસી પકડાઇ પણ તપાસ કરવામાં સીએફઓ ફેઇલ ગયા છે. મહારાષ્ટ્રમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીમાં ભણેલા( !! ) સીએફઓ સાહેબને ખબર નહી હોય કે ફાયર બ્રિગેડની ફરજ 24 કલાકની છે અને તેમાં રાત દિવસ ઘર બહાર જોયા વગર કામ કરવું પડે છે. તમને ગુજરાતી બોલતા પણ પુરુ આવડતું નથી. તમે ગુજરાતના ક્યા કોર્પોરેશન કે નગરપાલિકામાં 24 કલાકની ફરજ બજાવી છે તો તમને તમારામાં આટલો બધો ઘમંડ છે.

સીએફઓ..તમે આટલો બધો અનુભવ ધરાવો છો તો અહીં તપાસ કરી ખરી...
વડોદરા શહેરમાં અનેક હાઈ રાઇઝ બિલ્ડીંગ, મોલ, હોટલ, રેસ્ટોરન્ટ, કોચિંગ ક્લાસ, પાર્ટી પ્લોટ, બેંકો, ઇન્સ્યોરન્સ કંપનીઓ, હોસ્ટલ,જીમ,થિયેટર,બેંકો, યુનિવર્સીટી, સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ, ધર્મશાળાઓ, શાળાઓ, સ્કૂલો, કોલેજો, હોસ્પિટલ, પેટ્રોલ પંપ, શો રૂમ, ગેમ ઝોન, સ્પા સેન્ટરો, ઓટોમોબાઈલ વર્કશોપ- શો રૂમ, ફેક્ટરી, એપાર્ટમેન્ટ્સ સહિત તમામ કોમર્શિયલ અને રેસીડેન્સીઅલ સ્કીમો પર જઇને સીએફઓએ તપાસ કરવી જોઇએ કે તેમને અપાયેલી ફાયર એનઓસી અસલી છે કે નકલી..જરુર પડ્યે વોર્ડ ઓફિસર સાથે સંકલન કરીને પણ તમામ નાની મોટી ઇમારતોની ચકાસણી કરવી જોઇએ અને ફાયર એનઓસી ક્યારે ઇસ્યુ થયેલી છે, કેટલા સમય માટે ઇસ્યુ થયેલી છે, કેટલી વખત રીન્યુ થઈ છે? તેની તપાસ થવી જોઇએ પણ સીએફઓ પોતાની સત્તાનો દુરપયોગ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં કેટલી ફાયર એનઓસી આપેલી છે, તેનું ઓડિટ કરવું જોઇએ. દરેક ઝોન વાઇસ તપાસ થવી જોઈએ. સ્થળ પર જાતે જઇને સીએફઓએ તપાસ કરવી જોઇએ અને જરુર હોય તો દબાણ અને સિક્યોરિટી શાખાને સાથે રાખીને અને પોલીસ બંદોબસ્ત સાથે રાખીને તપાસ કરવી જોઇએ. વડોદરા શહેર રામ ભરોસે ચાલે છે. બિનઅનુભવી સીએફઓએ છેલ્લા ત્રણ મહિનામાં નકલી ફાયર એનઓસી મામલે કંઇ જ તપાસ કરી નથી. હવે તો મ્યુનિ.કમિશનરે આ બાબતે સીએફઓનો ખુલાસો પુછવો જોઇએ કે તમારા વિભાગમાં આ શું ચાલે છે અને તમે કેમ નકલી એનઓસીના સુત્રધારને શોધી શકતા નથી. કોન્ટ્રાક્ટરો, આર્કિટેક્ટ, બાંધકામ પરવાનગી શાખાનાં કર્મચારીઓ- અધિકારીઓ, બિલ્ડર,ફાયર કન્સલ્ટન્ટ, ફાયર વિભાગનાં ઓફિસરો, પાલિકાના પૂર્વ કર્મચારીઓનાં પણ નામ ખુલ્લા પડે તો નવાઈ નહીં.
Reporter: admin







