કેનેડાના સૌથી નાના પ્રાંત પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડમાં કેટલાક દિવસ પહેલા તેની ઇમિગ્રેશન પરમિટમાં 25 ટકા ઘટાડો કર્યો. તેના પગલે ત્યાં ભારતીય વિદ્યાર્થીઓને પરત મોકલવામાં આવે તેવો ડર ઉભો થયો છે
આ બાબતને લઈને ભારતીય વિદ્યાર્થીઓ પાંચ દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા છે. ભારતીય વિદ્યાર્થીઓનું કહેવું છે કે કેનેડિયન પ્રાંતે તેમની ઇમિગ્રેશન નીતિમાં અચાનક ફેરફાર કરતાં તેમને અનિશ્ચિત સ્થિતિમાં મૂકી દીધા છે. બે ભારતીય વિદ્યાર્થીઓએ ત્યાંની સંસદમાં પણ આ અંગે વાત કરી છે. તેમણે સંસદમાં જણાવ્યું હતું કે તમારી ઇમિગ્રેશન નીતિ કેમ અન્યાયપૂર્ણ છે.સંસદમાં રુપિન્દરપાલસિંહે જણાવ્યું હતું કે તેમણે કેનેડામાં પોતાના શિક્ષણ પર કેનેડિયન વિદ્યાર્થીઓની તુલનાએ ત્રણ ગણો વધારે ખર્ચ કર્યો છે. આમ છતાં પણ તેમણે બિનનિવાસી તરીકેની તકલીફો ઉઠાવવી પડી રહી છે. તેમણે ઓન્ટોરિયામાં પોતાનું શિક્ષણ અને કેનેડામાં ટેક્સેશન બંને પર વધારાનો ખર્ચ કર્યો હતો.
કેનેડિયન સમાચાર પોર્ટલ ટ્રુ નોર્થ મુજબ તેમણે જણાવ્યું હતું કે તેમને એક કેનેડિયન નાગરિક તરીકે અધિકારની ખાતરી મળવી જોઇતી હતી.રુપિન્દરપાલસિંહે જણાવ્યું હતું કે મારા મિત્રો અહીં કામ કરે છે તેમણે આ જ કોર્સ માટે 2500 ડોલરની ચૂકવણી ફક્ત બે સેમેસ્ટર માટે કરી. બધુ મળીને મેં મારા ટયુશન પાછળ 30 હજાર ડોલરનો ખર્ચ કર્યો છે. તેની તુલનાએ કેનેડામાં જન્મેલા અને મોટા થયેલા વિદ્યાર્થીએ લગભગ દસ હજાર ડોલર ચૂકવ્યા છે. આમ મેં વીસ હજાર ડોલર વધારે ખર્ચ્યા હોવા છતાં પણ હું ખરાબ સ્થિતિમાં છું.
Reporter: News Plus