News Portal...

Breaking News :

ભારત સાંસ્કૃતિક ધરોહર ધરાવતો દેશ છે: રાજ્યપાલ કલરાજ મિશ્ર

2024-06-12 16:50:08
ભારત સાંસ્કૃતિક ધરોહર ધરાવતો દેશ છે: રાજ્યપાલ કલરાજ મિશ્ર


રાજસ્થાનના રાજ્યપાલના અધ્યક્ષપદે ચાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ ધરાવતા સાંસ્કૃતિક કેન્દ્રના પશ્ચિમી ઝોનની બેઠક વડોદરામાં યોજાઈ.આ વર્ષે ૨૦૦ કાર્યક્રમો થકી ૧૦ હજાર કલાકારોને મંચ આપવામાં આવશે.ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા સ્થાપિત સાંસ્કૃતિક કેન્દ્રના પશ્ચિમ ઝોનની ગવર્નિંગ બોડીના સભ્યોની એક્ઝિક્યુટિવ બોર્ડની વાર્ષિક બેઠક આજે  રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રના અધ્યક્ષપદે વડોદરામાં યોજાઇ હતી. 


રાજ્યપાલ આ પશ્ચિમ ઝોન સંસ્કૃતિક કેન્દ્રના હોદ્દાની રુએ ચેરમેન છે. સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા સંચાલિત કેન્દ્રમાં ભારતીય સંસ્કૃતિને લગતા વૈવિધ્યપૂર્ણ અને રચનાત્મક આયોજનો કરી આપણા કલાવારસાને જીવંત રાખવા માટે અલગ અલગ પ્રવૃતિઓ કરવામાં આવે છે.વેસ્ટ ઝોનમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત સહિત દીવ, દમણ, દાદરા નગર હવેલી અને સેલવાસનો સમાવેશ થાય છે.રાજસ્થાનના રાજ્યપાલએ વડોદરા ખાતેની વાર્ષિક બેઠકમાં જણાવ્યું હતું કે  ભારત સાંસ્કૃતિક ધરોહર ધરાવતો દેશ છે. આપણા દેશની સમૃદ્ધ વિરાસત, કલા, શિલ્પ અને વારસાને સંરક્ષણ, સંવર્ધન અને પ્રોત્સાહનનો પ્રયાસ સંસ્કૃતિક કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે. 


ગ્રામ્ય વિસ્તારોમાં વસતા કસબીઓ, પશ્ચિમી ભારતની આદિવાસી કળાઓ, સંગીત, નૃત્ય, વાદ્ય, ચિત્રો, લોકકલાઓને સતત અને સવાર્ધિક પ્રોત્સાહન મળે તેવી દિશામાં કાર્ય કરવામાં આવે છે.તેમણે ઉમેર્યું હતું કે ભારતના ભવ્ય કલા વારસાને સત્યમ, શિવમ અને સુંદરમની ભાવના સાથે ઉજાગર કરવાનો છે. આ બેઠકમાં ભારત સરકારના સંસ્કૃતિક મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી ઓનલાઈન તેમજ લલિતકલા એકેડેમી, ગુજરાત સાહિત્ય એકેડેમી, સંગીત નાટક એકાદમીના પ્રતિનિધિઓ, કલ્ચરલ સેન્ટરના ડાયરેક્ટર અને સભ્ય સચિવ ડો.ફારુક ખાન, મહારાષ્ટ્ર, ગોવા, રાજસ્થાનની સંબંધિત સંસ્થાઓના પ્રતિનિધિઓ જોડાયા હતા. બેઠકમાં બે વર્ષમાં થયેલ પ્રવૃત્તિઓની એક ડોક્યુમેન્ટ્રી પ્રદર્શિત કરવામાં આવી હતી.આ બેઠકમાં ચાલુ વર્ષમાં ૨૦૦ સંસ્કૃતિક પ્રોગ્રામ અને ૧૦ હજાર કલાકારોને પ્લેટફોર્મ આપવામાં આવનાર છે.

Reporter: News Plus

Related Post