દિલ્હી : લોકસભામાં સોમવારે રજૂ કરવામાં આવેલું ઇન્કમટેક્સ એમેન્ડમેન્ટ બિલ ૨૦૨૫ કોઈપણ ચર્ચા કર્યા વિના માત્ર ત્રણ મિનિટમાં પસાર કરી દેવામાં આવ્યું છે.
નવા સુધારેલા કાયદાને પરિણામે નિર્ધારિત સમય મર્યાદા કરતાં આવકવેરાનું રિટર્ન વિલંબથી ફાઈલ કરનારાઓને રિફંડ આપવામાં આવશે. તેના પર કોઈ જ પેનલ્ટી લેવામાં આવશે નહિ. આ બિલ ટીડીએસ, એક્ઝમ્પ્શન અને અન્ય અનુપાલનની જોગવાઈઓને સરળ બનાવે છે. સંસદમાં અત્યારે બિહારમાં મતદાર યાદીમાં સુધારણા અને વોટ ચોરી મુદ્દે વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો છે તેવા સમયે આ બિલ કોઈ ચર્ચા વિના પસાર કરી દેવાયું છે. હવે રાજ્યસભામાંથી આ ખરડો પસાર કરીને રાષ્ટ્રપતિની સહી માટે મોકલી આપવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારામને સોમવારે સંસદીય સમિતિની ભલામણોને સામેલ કરીને નવું બિલ લોકસભામાં રજૂ કર્યું હતું.
નવા સુધારેલા આવકવેરા ધારા ૨૦૨૫માં ટીડીએસ-કરકપાતમાં માફી આપવાની અને તેને લગતા નિયમોનું પાલન કરવાની લગતી જરિયાતને સરળ બનાવી લીધી હોવાથી વ્યક્તિગત કરદાતા માટ હવે દંડ વિના રિફંડ મેળવવાની કામગીરી વધુ સરળ બની જશે. વેરા વર્ષ દરમિયાન કરહદાતાને સીધો કે આડકતરો નફા કે લાભ થાય તો તેવા સંજોગોમાં તેની જૂની ખોટ કેરી ફોરવર્ડ કરવાની તક આપવામાં આવી છે. નવા આવકવેરા ધારામાં કરવામાં આવેલી જોગવાઈને પરિણામે આવકનેરા ધારાની કલમમાં ૫૦ ટકાનો ઘટાડો થઈ જશે. આવકવેરા ધારાની કલમોમાં મળીને ૨૮૫ સુધારાઓ ખરડા મારફતે સમાવી લેવામાં આવ્યા છે. સિલેક્ટ કમિટીની તમામ ૨૮૫ ભલામણોનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. કાયદાના અર્થઘટનમાં ગૂચવાડો ન થાય તેટલો સરળ બનાવી દેવામાં આવ્યો છે. સંસદમાં ૧૩મી ફેબુ્રઆરીએ રજૂ કરેલા બિલના માધ્યમથી વિલંબથી રિટર્ન ફાઈલ બદલ રિફંડ ન આપવાનું અને પેનલ્ટી લેવાનું નક્કી કરાયું હતું. પરંતુ, આજે સંસદમાં રજૂ કરવામાં આવેલા બિલના માધ્યમથી રિફંડ ન આપવાની જોગવાઈને પાછી ખેંચી લેવામાં આવી છે. વિલંબથી રિટર્ન ફાઈલ કરનારાઓને પણ રીફંડ મળશે.
Reporter:







