વિશ્વ સ્તનપાન સપ્તાહ અને નારી વંદન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વડોદરા જિલ્લા પંચાયત ભવન ખાતે એક નવતર પહેલના ભાગરૂપે મહિલા કર્મયોગીઓની ભાગીદારીથી તૈયાર કરાયેલ ઘોડિયા ઘર, પ્લે હાઉસ અને મહિલા રૂમનું સાંસદ હેમાંગ જોષીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સાંસદ હેમાંગ જોશીએ મહિલાઓને વિશેષ અભિનંદન પાઠવતા જણાવ્યું કે વિશ્વ સ્તનપાન સપ્તાહ અને ગુજરાત નારી વંદન સપ્તાહના સુખદ સંયોગ વચ્ચે આ ઘોડિયા ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે,સરાહનીય છે.મહિલા કર્મયોગીઓને કાર્યાલયના સમય દરમ્યાન બાળકોની સતત ચિંતા રહેતી હોય છે. મહિલા રૂમ, રમતગમત રૂમ અને ઘોડિયા ઘરની સુવિધામાં થતા મહિલાઓને કાર્યના સમય દરમ્યાન એક અલગ સુખદ અનુભવ થશે.અધ્યતન સુવિધાઓથી સજ્જ આ મહિલા રૂમમાં બેડ, વોશરૂમ અને બ્રેસ્ટ ફીડિંગ રૂમની સુવિધા છે.
આ સાથે નાના બાળકો માટે આનંદ દાયક કાર્ટૂનના ભીંત ચિત્રો અને રમકડાંઓથી સજાવેલ પ્લેરૂમ બનાવવામાં આવ્યા છે.જિલ્લા પંચાયતની મહિલા કર્મયોગીઓની ભાગીદારીથી ઉભી કરાયેલ આ સુવિધાથી મહિલાઓ અને તેમના બાળકોના ચહેરા પર એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.આ પ્રસંગે મેયર પિન્કીબેન સોની, જિલ્લા કલેકટર બી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા, કારોબારી સમિતિના ચેરમેન નીલેશભાઈ પુરાણી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રામાભાઈ રાઠોડ, વિવિધ સમિતિના ચેરમેન અને જિલ્લા પંચાયતના મહિલા કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: admin