News Portal...

Breaking News :

વડોદરામાં બધું રમણ ભમણ અને એક માજી મેયર પહોંચી ગયા દમણ

2024-08-27 18:33:21
વડોદરામાં બધું રમણ ભમણ અને એક માજી મેયર પહોંચી ગયા દમણ


માજી મેયર એટલે જેનો વટ રહ્યો ના હોય એવી સાસુ.વહુ માન રાખે પણ શાનમાં સમજાવી દે કે તમે હવે છે શોભાનું ગાંઠિયું.


જાહેર કાર્યક્રમોમાં તમને મંચ પર ખુરશી આપીશું એમાં સંતોષ માણજો..એટલે એક માજી મેયર વડોદરા ડૂબશે કે તરશેની ચિંતા મૂકીને દમણ પહોંચી ગયા હતા એવું જાણવા મળ્યું છે.એમાં એવું કે મેયર પદ એક સપનું હતું એ પૂરું થઈ ગયું.ઊંઘ ઊડી ગયા પછી સપનું પાછું આવે નહિ.એક જમાનામાં મેયર પાંચ કે દશ વર્ષ એક ના એક રહેતા.હવે લાઈનમાં દાવ લેનાર ઘણાં છે અને મેયરની ખુરશી એક છે.એટલે જે બાપા ને પ્રસન્ન કરી શકે એ દાવ લે. વારા પછી વારો..તારા પછી મારો..નસીબ યારી આપે તો જેને ક્યારે સપનું ય ના આવ્યું હોય એ મેયર બની જાય.એટલે હવે એકવાર મેયર બન્યા પછી ઘણાં નબળા ખેલાડીઓ લગભગ બધી મોહમાયા ત્યાગી દે છે.માજી બન્યા પછી એમના મનમાં વડોદરાની યાદ તાજી રહેતી નથી.


વડોદરામાં રહો અને નાહક લોકો માટે દોડવું પડે. પાઈની પેદાશ નહિ અને ઘડીની નવરાશ નહી એવો ધંધો શીદ કરવો? એટલે તેઓ મિત્ર મંડળી સાથે દમણ ઉપડી ગયા.જોવું નહિ અને દાઝવું નહિ.એમના પોતાના વોર્ડમાં જ સ્થિતિ ખરાબ હતી.હવે વોર્ડની એવી સ્થિતિ જુવે ત્યારે એમને વસવસો થાય કે યાર! હું મારા મતદારો માટે કશું જ ન કરી શક્યો? આજે એમની આ હાલત.? એટલે પસ્તાવા થી બચવા માટે આ એકજ ઉત્તમ ઉપાય હતો.અને વળી દમણમાં વરસાદી આફત પણ ન હતી.સાતમ આઠમની લહેર થઈ શકે એવી અનુકૂળતા હતી.એટલે ઉપડી ગયા દમણ.આમે ય અહીં રહીને લોકો માટે દોડાદોડી કરી હોત તો પક્ષ કોઈ મોટું ઈનામ આપી દેવાનો ન હતો.આગામી મ્યુનિસિપલ ચુંટણીઓમાં નગર સેવકમાં થી પણ પત્તું કપાઈ જાય.એટલે અત્યાર થી જ મોહમાયા ઓછી કરવા તેઓ દમણ જતાં રહ્યાં. એમાં ખોટું શું કર્યું? તમે જ કહો...

Reporter: admin

Related Post