વડોદરા શહેરમાં પડેલા સતત વરસાદ અને વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં થયેલા વધારાને પગલે કોઇ જાનહાની ના થાય એ માટે ઝીરો કેઝ્યુલિટી એપ્રોચ સાથે સમગ્ર તંત્ર કામગીરી કરી રહ્યું છે.
ખાસ કરીને વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી આસપાસ વસતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં ૮૩૬૧ વ્યક્તિને આશ્રય આપવામાં આવ્યો છે. જેમના માટે ભોજન, નાસ્તો સહિતની વ્યવસ્થા સંબંધિત તંત્ર દ્વારા કરવામાં આવી છે. કલેક્ટર કચેરીના નિયંત્રણ કક્ષમાંથી ઉપલબ્ધ આંકડાઓ પ્રમાણે સાવલીમાં ૧૦૧૫, ડભોઇમાં ૫૦૩, વાઘોડિયામાં ૧૯૨, પાદરામાં ૨૮૯ અને વડોદરા તાલુકામાં ૨૪૯૩ લોકોને સલામત સ્થળે રાખવામાં આવ્યા છે.
જ્યારે વડોદરા શહેરમાં ૩૮૬૯ લોકોને વિવિધ સરકારી શાળાઓ, કોમ્યુનિટી હોલમાં આશરો આપવામાં આવ્યો છે. વડોદરા શહેર અને જિલ્લામાં કુલ મળી ૧૯૮૭ પરિવારોના ૮૩૬૧ વ્યક્તિને આશ્રય સ્થાનોમાં રાખવામાં આવ્યા છે. આ તમામ પરિવારો માટે સવારે નાસ્તો અને બપોર-સાંજના ભોજનની વ્યવસ્થા વડોદરા મહાપાલિકા તથા જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. ઉપરાંત પીવાના શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. બીજી તરફ જિલ્લામાં આશ્રય સ્થાનોમાં રહેલા લોકોનું આરોગ્ય તંત્ર દ્વારા હેલ્થ સ્ક્રિનિંગ પણ કરવામાં આવ્યું છે. જો કે, જિલ્લામાં કેટલાક ગામોમાં પાણી ઓરસતા કેટલાક પરિવારો પોતાના ઘરે પરત ચાલ્યા ગયા છે.
Reporter: admin