તા. ૨૬ જૂન ૨૦૨૪ થી વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં શરૂ થયેલો ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ સંપન્ન થયો છે. વડોદરા જિલ્લામાં પ્રવેશોત્સવના અંતિમ દિવસે વિવિધ શાળાઓમાં મહાનુભાવોએ ઉપસ્થિત રહીને બાળકોનું શાળા નામાંકન કરાવ્યું હતું.
જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહીડાએ ડેસર તાલુકાની બાલા પટેલના મુવાડા, હરસિદ્ધિ નગર અને જૂના શિહોરા પ્રાથમિક શાળાઓની મુલાકાત લઇ બાલવાટિકા, આંગણવાડી, પ્રાથમિક તેમજ માધ્યમિક કક્ષાએ વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવ્યો હતો. તેમજ વિદ્યાર્થીઓને ઉપયોગ સામગ્રીયુક્ત શૈક્ષણિક કીટ આપીને તેમનું પ્રોત્સાહન વધાર્યું હતું. કાર્યક્રમના અંતે ગ્રામજનો, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સથે બેઠક કરી સરકારશ્રી દ્વારા ‘નિપુણ ભારત-નિપુણ ગુજરાત’ અને સમજ સાથે વાંચન અને સંખ્યાજ્ઞાનમાં નિપુણતા માટેની રાષ્ટ્રીય પહેલ અંગે ગુજરાત સરકારના આ કાર્યક્રમની જાણકારી આપી હતી. તો, ધારાસભ્યઓ પોતાના મતવિસ્તારની શાળામાં ઉપસ્થિત રહીને શાળા પ્રવેશોત્સવની વિદ્યાર્થીઓ સાથે ઉલ્લાસભેર ઉજવણી કરી હતી. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલની અધ્યક્ષતામાં વડોદરા તાલુકાની કજાપુર, ઉંટીયા અને પોર તેમજ શિનોર તાલુકાની મોટા ફોફળીયા, બીથળી અને દરિયાપુરા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તો, ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ડભોઈ તાલુકાની સેજપુરા, સુલતાનપુરા અને લીંગસ્થળી શાળા ખાતે ઉપસ્થિત રહીને બાળકોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ નીલેશ પુરાણીએ વાઘોડિયા તાલુકાની ભાવપુરા અને માછલીપુરા પ્રાથમિક શાળામાં, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન જીજ્ઞેશ વસાવાએ ડભોઈ તાલુકાની મેનપુરા, કાયાવરોહણ કન્યા અને હડીયાખંડી સંસ્કૃત મહાવિદ્યાલય શાળામાં ઉપસ્થિત રહીને બાળકોને શાળામાં હર્ષભેર આવકાર્યા હતા.જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ પાદરા તાલુકાની ઘાયજ, ગોરીયાદ અને પાટોદ પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓનું શાળા નામાંકન કરાવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદ દ્વારા વડોદરા તાલુકાની કોયલી કુમાર, કોયલી કન્યા અને કોયલી વિદ્યામંદિર શાળાઓની મુલાકાત કરી બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો હતો.પ્રવેશોત્સવના અંતિમ દિવસે જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશભાઈ પાંડે દ્વારા વડોદરા તાલુકાની દશરથ પ્રાથમિક શાળા ખાતે હાજર રહી આંગણવાડી, બાલવાટિકા અને ધો.૧ ના ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. શાળા પ્રવેશોત્સવના અંતિમ દિવસે પણ મહાનુભાવોએ કાર્યક્રમ બાદ શાળા પરિસરની મુલાકાત લીધી હતી. શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ થકી પ્રકૃતિના જતન અને સંવર્ધનનો સંદેશ આપ્યો હતો. મહાનુભાવોએ ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહનમાં વધારો કર્યો હતો. આ ઉપરાંત વર્ગખંડની મુલાકાત લઈ વાલીઓ તેમજ શિક્ષકો સાથે સહજ સંવાદ સાધ્યો હતો.
Reporter: News Plus