વડોદરા જિલ્લાના સાવલી નજીક ભમ્મરઘોડા ખાતે આવેલા સ્વાધ્યાય પરિવારના આશ્રમમાં ફર્નિચરનું મોટું કામ કરવાના ઝાંસામાં લઈને મિસ્ત્રીને ડોલરના બદલે કાગળનું બંડલ પકડાવી રૂપિયા 50 હજાર પડાવનાર ભેજાબાજ પિતા-પુત્ર સામે સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સાવલી પોલીસે ઠગ પિતા-પુત્ર સામે છેતરપિંડી, વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
સાવલી પોલીસ મથકમાં હસમુખ શાંતિભાઇ મિસ્ત્રી (રહે. ચંદ્રમૌલેશ્વર, ગોત્રી)એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ 45 વર્ષથી મિસ્ત્રીકામ કરે છે. મિસ્ત્રી કામ કરતા માણસોનું એક ગ્રુપ છે, જેમાં ભેગા મળી શ્રમદાન તરીકે ફર્નિચર રિપેરિંગ અને વૃક્ષારોપણ કરે છે. 24 માર્ચના રોજ તેઓ બરોડા ઓલ સિટી ટુ ગ્રુપના માણસો સાથે હોળી નિમિત્તે સુરસાગર ખાતે ભેગા થયા હતા.
દરમિયાન ગ્રુપના સભ્યએ વાત કરી કે, સ્વાધ્યાય પરિવાર આશ્રમ, ગરબાડામાં ફર્નિચરનું કામ છે. પરંતુ ત્યાં ડોલર કન્વર્ટ કરીને કામ કરવાનું છે. યોગ્ય લાગે તો કરજો. જે બાદ તેઓએ ધવલભાઈનો નંબર આપ્યો હતો. બીજા દિવસે તેઓએ ધવલભાઈના નંબર પર વાત કરી હતી. ફોન પર તેમણે કહ્યું કે, તમારે ગોધરા કંઈક ફર્નિચરનું કામ કરવાનું હતું અને ડોલર અંગે કંઈ વાત થઈ હતી. જેથી ધવલે જણાવ્યું કે, અમારી સ્વાધ્યાય પરિવારની સંસ્થા ચાલે છે. સંસ્થા ગોધરાની બાજુમાં આવેલા ગરબાડા ગામે આવેલી છે. ત્યાં ફર્નિચરનું કામ કરવાનું છે. ત્યારબાદ બંને વચ્ચે અવારનવાર ફોન પર વાત થતી રહેતી હતી.
ધવલ મિસ્ત્રીને જણાવ્યું હતું કે, કામ પુરૂ કરવાના તમને 100 ડોલરની 100 નોટો આપીશ. તમારે વધારે જરૂર પડે તો વધારે આપીશ. એપ્રિલમાં ધવલે ફોન કરીને જણાવ્યું કે, 100 ડોલરની 100 નોટ લઈ જાવ અને અમારા સ્વાધ્યાય પરિવારમાં રૂ. 50 હજાર એડવાન્સ જમા કરાવો. બાકીના રૂપિયા મટિરિયલ માટે તમારી પાસે રહેવા દો. તેમાંથી રૂ. 50 હજાર લઈ લેજો. જે બાદ મિસ્ત્રીએ જણાવ્યું કે, અમે ભમ્મરઘોડા દર્શન કરવા આવવાના છીએ, તમને રૂ.50 હજાર આપી દઈશું. તેની સામે 100 ડોલરની 100 નોટો આપી દેજો. તેમણે કહ્યું કે, મારો દીકરો ત્યાં હશે, તેને રૂ. 50 હજાર આપીને ડોલર લઈ લેજો.
એપ્રિલ માસના અંતમાં સાંજે મિસ્ત્રી મંદિરે દર્શ કર્યા હતા. જે બાદ ધવલનો ફોન આવ્યો હતો અને તેમણે બગીચા પાસે ઉભા રહેવાનું જણાવ્યું હતું. ત્યાં ધવલનો દીકરો આવીને કાળા કલરની પ્લાસ્ટિકની થેલીમાં 100 ડોલરની 100 નોટો કાળી નોટો આપી, સામે રૂ.50 હજાર મેળવ્યા હતા. મિસ્ત્રીએ થેલી ખોલીને જોતા તેમાંથી એક ડોલરની નોટો મળી આવી હતી. વચ્ચેના ભાગે સફેદ કલરની કટિંગ કરેલી નોટો જોવા મળી હતી. તેવામાં ધવલનો દીકરો ત્યાંથી ભાગી ગયો હતો. જેની પાછળ મિસ્ત્રી દોડતા તે હાથમાં આવ્યો ન હતો.
દરમિયાન હસમુખભાઈ મિસ્ત્રીએ સાવલી પોલીસ મથકમાં ભેજાબાજ પિતા અને પુત્ર ધવલ અને તેમના દીકરા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી પિતા-પુત્રની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ઠગ પિતા અને પુત્રની ધરપકડ બાદ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. આ બનાવની વધુ તપાસ સાવલી પોલીસ મથકના પીએસઆઇ એ.એમ. કાનમિયા કરી રહ્યા છે.
Reporter: News Plus