મુખ્યમંત્રીની ટકોરને પણ કોર્પોરેશનના અધિકારીઓએ ઘોળીને પી લીધી...
પૂર્વ વિસ્તારમાં બે સ્થળોએ રસ્તા ખોદીને પાણીની પાઇપલાઇન નાખવાનું કામ શરૂ.
કોર્પોરેશનના અધિકારીઓ મુખ્યમંત્રીની સૂચનાને અવગણીને પોતાના હિસાબે કામો કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ અગાઉ ટકોર કરી હતી કે નવા રસ્તાના કામો શરૂ કરતા પહેલાં ડ્રેનેજ અને પાણીની લાઇનના કામો પૂરાં કરી દેવાં જોઈએ. પરંતુ શેઠની શિખામણ ઝાંપા સુધી હોય તેમ અહી પણ કોર્પોરેશનના અધિકારીઓએ મુખ્યમંત્રીની સૂચનાનો અનાદર કર્યો છે.શહેરના પૂર્વ વિસ્તારના વોર્ડ નં. 6 અને 4માં — જ્યાં ખુદ સ્થાયી સમિતિના ચેરમેન અને મેયર રહે છે — હાલ પીવાનાં પાણીની પાઇપલાઇન નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. કહેવાય છે કે લોકોની પીવાના પાણીની તકલીફ દૂર કરવા માટે આ કામ હાથ ધરાયું છે, પરંતુ હકીકતમાં કોન્ટ્રાક્ટર બિજલ જે ગાંધીને લાભ થાય તેવી રીતે આ કામો કરવામાં આવી રહ્યા છે.
વડોદરાવાસીઓ સારી રીતે જાણે છે. પાણીની પાઇપલાઇન માટે રસ્તાઓ ખોદી કાઢવામાં આવ્યા છે અને હવે ફરી કરોડો રૂપિયાનો ખર્ચ કરીને નવા રસ્તા બનાવવા પડશે. આ પહેલાં રસ્તા બનતા સમયે જ જો પાણીની લાઇન નાખવાનું આયોજન કરાયું હોત તો આવો બગાડ ન સર્જાત. કોન્ટ્રાક્ટર બિજલ જે ગાંધીને ફાયદો થાય તે માટે બુસ્ટર તૈયાર કર્યા વગર જ પાઇપલાઇન નાખવાનું કામ શરૂ કરાયું છે.પ્રજાના પૈસે પગાર મેળવનારા અધિકારીઓ માત્ર કોન્ટ્રાક્ટરોને ખુશ કરવા માટે કામ કરી રહ્યા છે તેવું સ્પષ્ટ થયું છે. શહેરમાં વિકાસના નામે આડેધડ કામો શરૂ કરાયા છે અને લોકોને કહેવામાં આવે છે કે આ બધું તેમના લાભાર્થે છે, પરંતુ હકીકતમાં સ્થિતિ સંપૂર્ણપણે અલગ છે. રસ્તા ખોદી દેવાતા સ્થાનિક રહીશોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.
Reporter: admin







