તમામ ઉચ્ચ અધિકારી તથા નેતાઓ આ મુદ્દે ચુપ. કોઈનો વિરોધ નહી. કામ નિયમ મુજબ ચાલી રહ્યું છે, નાં ચેરમેનનાં ગાણાં...

સ્થાયી સમિતીની ઉલટી ગંગા: પહેલા કામો મંજૂર કરે અને વર્ક ઓર્ડર આપે, પછી નકશાની ડિઝાઇન માંગે — આવું તમે ક્યાંય જોયું છે ખરું ?...
શહેરની સ્થાયી સમિતિ ભ્રષ્ટાચારની ગંગોત્રી છે — તે વાત દરેક શહેરીજનો જાણે છે. અહીં મોટાભાગના કામો સડસડાટ મંજૂર થઈ જાય છે. પછી મંજૂર થયેલા કામોની પ્રોસેસ આગળ વધે છે. વાસ્તવમાં જ્યારે કામની દરખાસ્ત મુકાય ત્યારે જ જે પણ નકશા સહિતની ક્વેરી હોય તે ઉભી કરીને કોન્ટ્રાક્ટર પાસેથી તેનો જવાબ લેવો એ યોગ્ય પ્રક્રિયા ગણાય. પરંતુ સ્થાયી સમિતિ લોકોને ગોળગોળ ફેરવી પહેલા કામો મંજૂર કરી વર્ક ઓર્ડર આપી દે છે અને પછી કોન્ટ્રાક્ટરો પાસેથી નકશા સહિતની માહિતી માગે છે. સામાન્ય વડોદરાવાસી પણ જાણે છે કે મકાન બનાવવું હોય તો પહેલા નકશો તૈયાર કરવો પડે અને એના આધારે કોન્ટ્રાક્ટર કામ શરૂ કરે. પરંતુ અહી ઉલટું થાય છે — ગેબિયન વોલ બનાવવાના વર્ક ઓર્ડર આપ્યા પછી કોન્ટ્રાક્ટર પાસેથી નકશા માંગવામાં આવે છે અને પછી એ નકશા કન્સલ્ટન્ટને મોકલવામાં આવે છે. કન્સલ્ટન્ટ પોતાની ફીને ધ્યાનમાં રાખીને નકશામાં નાની-મોટી ક્વેરી કાઢે, પછી કોન્ટ્રાક્ટર એમાં સુધારા કરે, ત્યારબાદ કામ શરૂ થાય. આવી ઉલટી ગંગા તો વડોદરાની સ્થાયી સમિતિમાં જ જોવા મળે છે. ગત 27-06-2025ના રોજ યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ગેબિયન વોલ બનાવવા માટે કોન્ટ્રાક્ટર દિનેશચંદ્ર આર. અગ્રવાલને 36,42,64,771 રૂપિયાનું કામ અપાયું હતું, જ્યારે શહેરના અલગ-અલગ પુલો નજીક ગેબિયન વોલ બનાવવા માટે બેકબોન કન્સ્ટ્રક્શન પ્રા. લિ.ને 36,70,57,053 રૂપિયાનું કામ સોંપાયું હતું. કુલ 72 કરોડના ખર્ચે આ બે કોન્ટ્રાક્ટરોને વર્ક ઓર્ડર અપાયા, પરંતુ હવે ખબર પડી રહી છે કે વર્ક ઓર્ડર આપ્યા પછી જ ગેબિયન વોલની ડિઝાઇન તૈયાર થઈ રહી છે.આ સમગ્ર પ્રકરણમાં સૌથી નવાઈની વાત એ છે કે ગેબિયન વોલની ડિઝાઇન તૈયાર કર્યા વગર જ કોર્પોરેશનના ઇજનેરો અને અધિકારીઓએ 72 કરોડનો અંદાજ કેવી રીતે કાઢ્યો? વધુમાં, સ્થાયી સમિતિના ચતુર સભ્યો અને ચેરમેને ડિઝાઇન જોયા વગર જ કામ મંજૂર કરી દીધું. ચર્ચા એવી ચાલી રહી છે કે વર્ક ઓર્ડર કોન્ટ્રાક્ટરના લાભાર્થે આપવામાં આવ્યો અને પછી તેની સુવિધા મુજબ ડિઝાઇન તૈયાર થઈ રહી છે. આ ડિઝાઇનની વિવિધ વિભાગોમાંથી મંજૂરી હજી બાકી છે. જો વિશ્વામિત્રી રિ-વાઇલ પર્યાવરણ કમિટી આ ડિઝાઇનને મંજૂરી ન આપે તો પછી કોર્પોરેશન શું કરશે તે મોટો સવાલ છે. કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેર હરિતિમા શર્માએ મીડિયાને જણાવ્યું હતું કે, “ડિઝાઇન તે સમયે સંપૂર્ણ નહોતી. હવે તેમાં લોકેશનનો ઉમેરો કર્યો છે અને વિભાગોની મંજૂરી મેળવવાની પ્રક્રિયા ચાલુ છે.”
સ્થાયી સમિતીની સ્પષ્ટતા: કામ નિયમ મુજબ"
નવેસરથી ડિઝાઇન બનતી નથી અને નિયમો મુજબ પારદર્શિતાથી કામ કરાય છે. કોન્ટ્રાક્ટર નકશા સબમીટ કરે પછી અમે તે કન્સલ્ટન્ટને મોકલીએ છીએ. બંને એજન્સીના નકશા મળ્યા છે અને કન્સલ્ટન્ટે કેટલાક નાના-મોટા સુધારા સૂચવ્યા છે. નકશા બરાબર છે, ફક્ત કેટલીક ક્વેરી રહી છે. આ નોર્મલ પ્રોસેસ છે.”
— ડો. શીતલ મિસ્ત્રી, ચેરમેન
Reporter:







