News Portal...

Breaking News :

એન્જિનિયરની માત્ર બદલી અને કોન્ટ્રાક્ટરને ટોકન રકમનો દંડ કરી બન્ને કમાઉ દિકરાને બચાવાયા

2025-11-16 11:52:33
એન્જિનિયરની માત્ર બદલી અને કોન્ટ્રાક્ટરને ટોકન રકમનો દંડ કરી બન્ને કમાઉ દિકરાને બચાવાયા


ખરેખર તો આવા કિસ્સામાં પોલીસ ફરિયાદ પણ કરવી જોઈએ
અટલાદરામાં હલકી કક્ષાના રોડ બનાવવાના પ્રકરણમાં નાયબ ઇજનેર રામજી રબારીની બદલી કરાઈ...



તંત્રએ માત્ર અધિકારીની માત્ર બદલી કરી અને કોન્ટ્રાક્ટરને પેનલ્ટી કરીને સંતોષ માન્યો ... 
શહેરના અટલાદરા વિસ્તારમાં બનાવાયેલા રોડમાં હલકી ગુણવત્તાનું કામ કરાતા તેની ગાજ ડેપ્યુટી ઇજનેર રામજી રબારી પર પડી છે. કોર્પોરેશને તેમની બદલી કરીને સંતોષ માન્યો છે. તથા હલકી ગુણવત્તાના કામ કરનારા કોન્ટ્રાક્ટરને ટોકન પેનલ્ટી કરીને સંતોષ માન્યો છે. અટલાદરામાં કોન્ટ્રાક્ટરે એવાં નબળી ગુણવત્તાવાળું કામ કર્યું છે કે ડામરનાં રોડના પોપડાં કોઇ પણ વ્યક્તિ હાથથી ઉખેડી શકે છે. સામાન્ય રીતે રોડ બનાવવા પહેલા યોગ્ય બેઝ તૈયાર કરવો પડે છે અને ત્યારબાદ જ તેના પર ડામર પાથરવામાં આવે છે, પરંતુ અટલાદરામાં બેઝ તૈયાર કર્યા વગર સીધો ડામર પાથરી દેવામાં આવ્યો હતો. જેના કારણે ડામર ઉખડી રહ્યો છે. આ રોડ કેટલો સમય ટકશે તેની કોઈ ખાતરી નથી. પરંતુ શાસકો અને અધિકારીઓની બેદરકારીના કારણે રસ્તો તો બની જ ગયો છે. નવાઈની વાત એ છે કે કોર્પોરેશનનાં કોઈ ઇજનેર કે જવાબદાર અધિકારીએ રસ્તો બનતો હતો ત્યારે સાઇટ વિઝીટ પણ કરી ન હતી. જો વિઝીટ કરી હોત તો કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી નબળી ગુણવત્તાની કામગીરી સ્પષ્ટ દેખાઈ આવત. અને જો વિઝીટ કરવામાં આવી હતી તો સ્પષ્ટ છે કે જવાબદાર અધિકારીઓએ કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચાર સામે આંખ આડા કાન કર્યા છે. કારણકે શાસકો અને અધિકારીઓના આશીર્વાદ વિના કોન્ટ્રાક્ટર આ પ્રકારનું થર્ડ ગ્રેડનું હલકું કામ કરી જ ન શકે. કોર્પોરેશને આ મામલે ડેપ્યુટી ઇજનેર રામજી રબારીની બદલી કરી છે.પરંતુ હકીકતમાં તેમને સસ્પેન્ડ કરવાના હતા, કારણકે તેમની ઘોર બેદરકારી બહાર આવી છે. બીજી તરફ કોન્ટ્રાક્ટર સામે કોઈ આકરા પગલાં લેવાયા નથી. હવે જો કોર્પોરેશનના શાસકોમાં હિંમત હોય, તો આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી તેના જ ખર્ચે નવો રોડ બનાવડાવવો જોઈએ.



અટલાદરા રોડ મુદ્દે ડે. ઇજનેર રબારીની બદલી...
અટલાદરાના રોડના મુદ્દે અમે ડે. ઇજનેર રામજી રબારીની બદલી કરી છે અને કોન્ટ્રાક્ટરને પેનલ્ટી ફટકારી છે તથા દરેક વોર્ડમાં રસ્તા સહિતના તમામ કામોનું કડક અને યોગ્ય સુપરવિઝન કરવાની તાકિદ કરવામાં આવી છે.
— ડો. શીતલ મિસ્ત્રી, ચેરમેન

ઈજારદારને નોટિસ આપીને કુલ રૂપિયા ૪,૧૪,૯૫૦ની પેનલ્ટી
વડોદરા મહાનગરપાલિકા પશ્ર્ચિમ ઝોન, વોર્ડ ૧૨માં આવેલ અટલાદરા વિસ્તારમાં હયાત રોડના રિસર્ફેસિંગ માટે મે. રાજ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને 11/11/2025ના રોજ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. ચોમાસાના કારણે હયાત રોડ પર ભારે ખાડા અને નુકસાન થવાથી પેચવર્ક કરીને કાર્પેટિંગ કરવાની સૂચના અપાઇ હતી.પરંતુ ઇજારદાર દ્વારા રોડની સાઇડના કાચા ભાગમાં બેઝ તૈયાર કર્યા વગર ડામર નાખવામાં આવ્યું, જેના કારણે ડામરના પોપડા ઉખડી ગયા. આથી પાલિકાની છબી પર અસર થઈ અને જનતાને અગવડતા સર્જાઈ.આ બાબતે ઈજારદારને નોટિસ આપીને કુલ રૂપિયા ૪,૧૪,૯૫૦ની પેનલ્ટી ફટકારવામાં આવી છે. તેમજ ભવિષ્યમાં આવી ભૂલ પુનરાવર્તિત ન થાય તેની કડક ચેતવણી આપવામાં આવી છે.

Reporter: admin

Related Post