કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખાનુ જમીન કપાત કૌંભાડ,નગર રચના અધિકારી દ્વારા વારંવાર પત્રો લખાયા, ઓછી કપાત વાળા કિસ્સામાં અભિપ્રાય/ રજા ચિઠ્ઠી રદ્દ કરવા પ્રવર્ત નગર નિયોજક અને નગર રચના અધિકારી વડોદરાનાઓએ હુકમ કરવા છતાં કોઇ કાર્યવાહી કરી નહી !!
40 ટકા કરતાં ઓછી કપાત કરવાનાં કરોડોનાં કૌભાંડની તપાસ SIT એ કરવી જોઈએ
પૂર્વ ટીડીઓ જીતેશ ત્રિવેદીએ નિવૃત્ત થયા બાદ પોતાની વગથી, મુખ્યમંત્રીની પૂર્વ મંજૂરી વગર, હંગામી નિમણૂક મેળવી, પૂર્વ કમિશનરના મેળાપીપણામાં કરોડોનું કૌભાંડ આચર્યું
વોર્ડ 15 ના કાઉન્સિલર આશિષ જોશીએ કરેલી ફરિયાદના આધારે એસીબી, શહેરી વિકાસ (તપાસ) તથા તકેદારી પંચે તપાસ શરૂ કરી..
વડોદરા કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખાનું મસમોટુ કૌભાંડ બહાર આવ્યું છે. ટાઉન પ્લાનિંગ શાખાના પૂર્વ ટીડીઓ જીતેશ ત્રિવેદી અને તેના અધિકારીઓએ સાથે મળીને ટીપીઓમાં જમીન કપાતનું કૌભાંડ આચરીને કરોડોનો ચુનો ચોપડ્યો છે. નવાઇની વાત એ છે કે પ્રવર નગર નિયોજન અધિકારીએ આ મામલે વારંવાર કોર્પોરેશન અને ટીડીઓને પત્ર લખેલા હોવા છતાં કમિશનર કે ટીડીઓએ આ પત્રોને ગણકાર્યા પણ નથી અને કોઇ જ પગલા લીધા નથી કે જવાબદારો સામે કાર્યવાહી પણ કરાઇ નથી. આજે પણ રેકોર્ડ સુધાર્યો નથી. બાંધકામ પરવાનગી શાખા દ્વારા ક્યાંક 10 ટકા, 20 ટકા જ જમીનની કપાત કરાઇ છે જ્યારે સરકારના નિયમો મુજબ 40 ટકા કપાત કરવી જરુરી છે પણ અધિકારીઓ સરકારના નિર્ણયને પણ ઘોળીને પી ગયા છે અને કેટલાક મળતીયા બિલ્ડરોને, નેતાઓના કહેવાથી ફાયદો કરાવ્યો છે. કપુરાઇમાં જે સર્વે નંબરો જાહેર કરાયા છે તેમાં કપાતનું ધારાધોરણ સચવાયું જ નથી અને નવી ટીપીમાં કોન્ટ્રાક્ટર અને બિલ્ડરો તથા અધિકારીઓ ભેગા થઇને આડેધડ કપાત કરીને તિજોરીને નુકશાન પહોંચાડી રહ્યા છે. જેમાં નગર આયોજન કચેરીના પણ કેટલાક પૂર્વ અધિકારી પણ સામેલ છે. મહિલા અધિકારી માનસીબેને આ ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો હતો પણ બિલ્ડરો અને નેતાઓએ તેમની બદલી કરાવી દીધી હતી. તેમણે આ મામલે વારંવાર કમિશનરને પત્ર લખીને ટીડીઓની ભૂંડી ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા. આ મનરેગા કૌભાંડ કરતા પણ મોટુ કૌભાંડ છે અને સરકાર તથા એસીબીએ આ મામલે ઉંડી તપાસ કરવી જરુરી છે. વારંવાર પત્ર લખાયા હતા પણ જમીનની પૂરી કપાત કરી નથી. અમુક જગ્યા પર 20 ટકા કપાતનું કર્યું અને રજાચિટ્ઠી પુરેપુરી આપી દીધી છે. નગર આયોજન અધિકારીએ ધ્યાન દોર્યું છતાં રેકર્ડ પર સુધારો થયો નથી. કોર્પોરેશનના ટીડીઓ જીતેશ ત્રિવેદી સરકારના નિયમો ઘોળી પી ગયા છે અને નેતાઓ બિલ્ડરો પાલિકાના અધિકારી અને નગર આયોજન અધિકારીની ભૂમિકાની તપાસ કરવી જોઇએ.
જોઇલો આ એક નમુનો...
નિયમો મુજબ ટીપીમાં જમીન કપાતમાં કેવા ગપલાં કરાયા છે તેનો એક નમુનો બહાર આવ્યો છે. નગર રચના યોજના નંબર 40 કપુરાઇ મુજબ માલિક રબારી ઝવેરભાઇ લક્ષ્મણભાઇ અને નવઘણભાઇ રબારી વગેરેની રે.સનંબર 282, કપુરાઇ ગ્રામ પંચાયતની રે.સનંબર 276, માલિક પ્રજાપતિ લક્ષ્મણભાઇ રતનસિંહ ભાઇ અને પ્રજાપતિ રાઘવભાઇ વગેરેની રે.સ.નંબર 275 થોરીયા લતિશભાઇ અને પ્રજાપતિ મોહનભાઇ વગેરેની રે.સ. નંબર 255 તથા પ્રજાપતિ લક્ષ્મણભાઇ અને પટેલ જગદીશભાઇની રે.સનંબર 271 ઉપરાંત સુરજીતસિંગ સચદેવ વગેરેની રે.સ નંબર 274 ની જમીનોમાં સરકારના નિયમો મુજબ 40 ટકા કપાત કરવામાં આવી જ નથી. ઉપરાંત પટેલ કરશનભાઇ પ્રેમજીભાઇ તથા પટેલ ગોવિંદભાઇ વાલજીભાઇ વગેરે માલિકની રે.સ.નંબર 262-2 વાળી જમીનમાં પણ કપાતમાં ગોટાળા થયા છે.
નગર રચના અધિકારીએ લખેલા પત્રમાં છે સ્ફોટક માહિતી...
પ્રવર નગર રચના અધિકારીએ કમિશનર અને ટીડીઓને જે પત્ર લખેલા છે તેમાં બાંધકામ પરવાનગી શાખા દ્વારા આચરાયેલા જમીન કપાતના કૌભાંડનો સનસનીખેજ પર્દાફાશ કરાયો છે. સરકારના પરિપત્રના નિયમો મુજબ જમીનની કપાત થઇ નથી છતાં કેટલાક કિસ્સામાં પુરેપુરી રજાચિઠ્ઠી આપી દેવાઇ છે. એક પત્રમાં લખાયું છે કે રજાચીઠ્ઠી બાબતે તમારી કક્ષાએથી કેસને લગત આધાર પુરાવાની શરતો જોગવાઇને આધીન અમલીયતા વગેરે જરુરીચકાસણી કર્યા વીના કે અભિપ્રાય મેળવ્યા વગર મુળ રજાચિટ્ઠીથી વધુ યુનિટ મંજુર કરી નવેસરથી રજા ચિટ્ઠી પ્લીન્થ ચેક સર્ટી અને કંપ્લીશન સર્ટી બારોબાર આપેલું જણાય છે. એક પત્રમાં લખાયલું છે કે અત્રેથી 40 ટકા કપાત કરી પુન રચના કરેલ હોય તેવી કેટલીક જમીનોમાં જોગવાઇઓને આધીન કચેરીનો અભિપ્રાય મેળવ્યા વગર ઓછી કપાતમાં કે કપાત વિના મુળ રજા ચિટ્ઠી મંજુર થયાના પાંચ વર્ષ કે તેથી વધુ વર્ષ પછી બારોબાર વિકાસ પરવાનગી ડે.ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર કક્ષાએથી રિન્યુ રિવાઇઝ્ડ કરવામાં આવી હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે. એક પત્રમાં તો એમ પણ લખાયું છે કે સ્થાનિક સત્તામંડળને ખુબ મોટુ આર્થિક અને નીતિગત નુકશાન થાય તેમ છે જેથી પ્રજાકિય હિત અને યોજનાના આયોજનની ગુણવત્તા પર વિપરીત અસર થઇ શકે તેમ છે.
સમા - દુમાડની જમીનમાં પણ કપાત કૌંભાડ...રેવન્યુ સર્વે નંબર ૫૫૯/૨
આમાં ત્રિવેદી દ્વારા પૂરેપૂરી ૯૨૯૧ ચો મીટર જગ્યા પર બાંધકામ પરવાનગી આપવામાં આવી છે
પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના TDO જીતેશ ત્રિવેદી ના હાથમાં કપાતની અસલી કરામત છે અને તેના દ્વારા કપાત કૌંભાડ આચરીને કોર્પોરેશનની તિજોરીને મોટુ નુકશાન પહોંચાડાયું છે. ૨૦૨૩ના સપ્ટેમ્બરની ૧૨મી તારીખે નગર પ્રવર નિયોજકે પાલિકાને પાઠવેલા પત્રમાં સમા, દુમાડની ટીપી - ૨ના અંતિમ ખંડ ૧૭૨ની ગેરરીતિ જણાવી છે જ્યાં માત્ર 20 ટકા જમીનની કપાત થઇ છે. આવા અનેક કૌભાંડો અંગે નગર પ્રવર નિયોજકે સત્તાવાર રીતે પાલિકાનું ધ્યાન દોર્યું છે..તા.12/09/2023માં ટીડીઓ અને કમિશનરને પત્ર લખાયા છતાં કોઇ પગલાં લેવાયા નથી. SIT બનાવીને સમગ્ર મામલાની તપાસ કરાવવી જોઈએ. તમામ ટીપી લગતના અભિપ્રાયો,ઓછી કપાતની વિગતો, રજા ચિઠ્ઠી, અગાઉની વિકાસ પરવાનગી શરતભંગ કપાતનું ધોરણ, શરતી અભિપ્રાય , ટીડીઓ, ડેપ્યુટી ટીડીઓ, નગર નિયોજકની કચેરી વિ. ભૂંડી ભૂમિકાની વિજીલન્સ તપાસ થવી જોઈએ.
Reporter: admin







