વડોદરા : વર્ષ 2014 દરમિયાન શહેરના એલ એન્ડ ટી સર્કલ પાસે દબાણની કામગીરી દરમિયાન પાલિકાના કર્મચારીને લાફો ઝીંકી કાયદેસરની ફરજમાં રૂકાવટનો કેસ અદાલતમાં ચાલી જતા પૂર્વ ડેપ્યુટી મેયર યોગેશ મુક્તિને કસૂરવાર ઠેરવી 6 માસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
વર્ષ 2014 જાન્યુઆરી માસ દરમિયાન એલ એન્ડ ટી સર્કલ પાસે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટાફ તથા પોલીસ કર્મચારીઓ ફૂટપાથ ઉપરના દબાણ દૂર કરવાની કામગીરીમાં હતા. તે સમયે ભાજપના કોર્પોરેટર આરોપી યોગેશ ડાહ્યાભાઈ પટેલ (મુક્તિ) (રહે- શિવા શિવ ટેનામેન્ટ, સમા સાવલી રોડ, કારેલીબાગ, વડોદરા) સ્થળ પર પહોંચ્યા હતા. અને લારી તથા ગલ્લા વિગેરે વાહનોમાંથી ઉતરાવી હોબાળો મચાવી ફરિયાદી સાથે ઝપાઝપી કરી તેઓ રાજ્ય સેવક હોવા છતાં લાફો ઝીંકી પાલિકાની દબાણની કાયદેસરની ફરજમાં રુકાવટ કરી હતી. આ મામલે કારેલીબાગ પોલીસ મથકે આઈપીસી 332, 186 મુજબ ગુનો નોંધાયો હતો. જે અંગેના કેસની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ.એસ.શેખની અદાલતમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ દરમિયાન ફરિયાદ પક્ષ તરફે ધારાશાસ્ત્રી એ.પી.પી. ડી.એમ.પરમાર અને આરોપી પક્ષ તરફે ધારાશાસ્ત્રી એન.એ.સતપતીએ દલીલો કરી હતી. જેમાં ફરિયાદી પક્ષ તરફે 16 સાક્ષી અને 22 લેખીત/મૌખિક પુરાવા રજૂ કરાયા હતા.બચાવ પક્ષે દલીલો કરી હતી કે, ફરીયાદીને જાણવા મળેલ એટલે કે ફરીયાદીએ બનાવ નજરે જોયેલ નથી. લાયસન્સ કે દબાણ બાબતે કોઈ પુરાવો ન હતો.
દબાણ બાબતની કોઈ નોંધ કરેલ નથી. દબાણ બાબતનો કોઈ હુકમ નથી. અઠવાડીયા પછી એરેસ્ટ કરેલ છે. લારી ગલ્લાવાળાઓના નામ સરનામા રજુ કરેલ નથી. કોની લારી ખસેડતા હતા તેવી કોઈ હકીકત ફરીયાદમાં જણાવેલ નથી. કોર્પોરેશનની માલિકીમાં આવતી હોય તે બાબતમાં કોઈ પુરાવો રજુ થયેલ નથી. મારામારીનો બનાવ કોઈએ નજરે જોયેલ નથી. આરોપી કોર્પોરેટર છે જેથી તેની ઓળખ થાય છે. જગમલભાઈ પોતાની ફરજ પર હાજર હતા કે કેમ તે પ્રસ્થાપીત થતુ નથી. સૌપ્રથમ આ સરકારી કર્મચારી છે કે કેમ તે ફરીયાદપક્ષે પ્રસ્થાપીત કરવુ પડે. મેડીકલ સર્ટીફીકેટ જોવામાં આવે તો, અજાણ્યા વ્યક્તિએ ઈજા કરેલ હોવાની હકીકત જણાવે છે. જેથી, આરોપી સામે કોઈ ગુનો બનતો નથી. આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા અરજ છે. જ્યારે ફરિયાદ પક્ષ તરફે દલીલો થઈ હતી કે, આરોપી વિરુદ્ધનો ગુનો ગંભીર છે. જેથી ગુનાની ગંભીરતા જોતા એક કોર્પોરેટર છે અને જાહેર સેવક હોય જેથી સમાજમાં દાખલો બેસે તેવી પૂરેપૂરી સજા થવી જોઈએ.બંને પક્ષોની દલીલો અને પુરાવાની ચકાસણી બાદ અદાલતે નોંધ્યું હતું કે, આરોપી કોર્પોરેટર હોય તેઓ જ જો સરકારી કર્મચારી સાથે આ પ્રકારનો ગુનાહિત કૃત્ય કરશે તો શહેરમાં અને સમાજમાં આવા કૃત્યની ઘણી ગંભીર અસરો થાય છે. આરોપીના આવા કૃત્યને માફ કરવામાં આવે તો ભવિષ્યમાં પણ અન્ય લોકો દ્વારા આ પ્રકારના ગુનાહિત કૃત્યને ઉત્તેજન મળશે. અને સરકારી કર્મચારી પોતાની ફરજ નિર્ભયતાથી નિભાવી શકશે નહીં. બનાવ સમયે આરોપીની હાજરી બનાવવાળા સ્થળે છે. તથા સાહેદ જગમાલભાઈ સરમણભાઈ નંદાણીયાને લાફો મારેલ હોવાનું રેકર્ડ ઉપરથી ફલીત થાય છે. આમ, આરોપીએ સાહેદને આવી ઈજા પહોંચાડવાના ઈરાદાથી અથવા તેને વ્યથા થાય તેવો સંભવ હોવાનું જાણવા છતાં એટલે કે સ્વેચ્છાપુર્વક પહોંચાડી હોવાનું પુરવાર થાય છે. આમ, આરોપીને ઈ.પી.કો. કલમ-323 અન્વયે તકસીરવાન ઠેરવી છ માસની સાદી કેદની સજા ફટકારતો હુકમ કરાયો છે.
Reporter: admin