વડોદરા : શહેરમાં જાહેર રોડ રસ્તા પર અને અંતરિયાળ ગલી-કૂચિ સહિતના રોડ પર રખડતા ઢોરને પકડવા માટે પાલિકા તંત્રમાં હાલ આઠ ઢોર પાર્ટી કાર્યરત છે
જેમાં વધુ નવી 10 પાર્ટીનો ઉમેરો પાલિકા તંત્ર દ્વારા કરાશે. આ અંગે પ્રત્યેક ટીમ સાથે પાંચ પોલીસ જવાનો સહિત હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈનો પોલીસ સ્ટાફ તૈનાત રહેશે. પાલિકાના વહીવટી તંત્રને મોડે મોડે પણ બ્રહ્મજ્ઞાન લાધ્યું છે. અગાઉ હાઇકોર્ટે રાજ્ય સરકારનો રખડતા ઢોર માટે ઉધડો લીધો હતો. ત્યારબાદ રાતોરાત જાણે કે, તંત્રને કામ કરવાની ચાનક ચડી હોય એવી રીતે રોજે રોજ ઢોર પકડવા માટે અવનવા કાર્યક્રમો કરવામાં આવતા હતા. પરંતુ ગણતરીના દિવસો બાદ 'જૈસે થે' ની જેમ હાઇકોર્ટના આદેશને પણ તંત્ર ઘોડીને પી ગયું હતું. અને રખડતા ઢોરની સ્થિતિ ફરી એકવાર યથાવત થઈ હતી.
જાહેર રોડ-રસ્તા, ગલી કુચી કે પછી અંતરિયાળ રસ્તા પર ઠેર-ઠેર નંખાતા એઠવાડ ખાવા રખડતી ગાયો ભટકતી રહે છે અને જ્યાં પણ એઠવાડ કે અન્ય કોઈ ખાવાની વસ્તુ દેખાય તો સમૂહમાં નીકળેલી ગાયોએ બાજુ દોડે છે. પરિણામે વચ્ચે આવનાર વ્યક્તિઓને પણ ગાય શીગડે ચડાવતી જાય છે. રખડતી ગાયો પકડવા માટે બાલિકા તંત્ર દ્વારા અવારનવાર જુદી-જુદી સ્કીમો પણ બનાવવામાં આવે છે. આ ઉપરાંત શહેરના છેવાડે પાંજરાપોળ પણ બનાવી છે. જ્યાં ગાયને રાખવા અને ઘાસચારો ખાવા બાબતેની સંપૂર્ણ વ્યવસ્થા પણ પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી છે. પરંતુ ગાય પકડવા માટેની કોઈ ચોક્કસ નીતિ રીતે નહીં હોવાના કારણે શહેરમાં ચારે બાજુએ ગાયો રખડતી રહે છે. જોકે ગૌ પાલકો પોતાની ગાયોને વહેલી સવારે અને સાંજે દોહી લીધા બાદ રખડતી મૂકી દેતા હોય છે અને ત્યારબાદ ગાયો ગમે તેવો એઠવાડ ખાઈને પોતાનું પેટ ભરે છે. જોકે પાલિકા તંત્ર પાસે પણ પકડવાની કામગીરી માટે હાલમાં આઠ ટીમ કાર્યરત છે.
Reporter: admin