કરોડો રૂપિયાની દરખાસ્તો સમજ્યા વગર આડેધડ મંજૂર થઈ રહી છે
પાલિકામાં કરોડોનો ભ્રષ્ટાચાર- શોર્ટ ટર્મ,મીડીયમ ટર્મ અને લોંગ ટર્મ પ્રોજેક્ટ પ્રમાણે થાય છે
શોર્ટ ટર્મમાં, મોટા ખેલા કરવાની છૂટ પ્રમુખે જ આપી લાગે છે....
વડોદરામાં પૂર્વ વિસ્તારમાં છેલ્લા 30 વર્ષથી પાણીની શોર્ટેજ છે ત્યાં આવા પ્રોજેક્ટ લાવતા શું તકલીફ થાય છે? બે વર્ષ પછીનાં લોંગ ટર્મ પ્લાનિંગ વાળા કામો , અન્ય વોર્ડમાં અને ઓજી વિસ્તારમાં પણ જરૂરિયાત છે
હરીશ પટેલનાં ખભે બંદૂક રાખી ડોક્ટરે ગળામાં સ્ટેથોસ્કોપ લટકાવી 10 નંબરની સર્જરી કરી નાખી.16 કરોડની ઉથલપાથલ
શહેરના વહિવટી વોર્ડ નંબર 1 છાણી ગામ, સોખડા રોડ પાસે બુસ્ટર બનાવાના કામે આવેલા આર.સી પટેલના નેટ અંદાજીત 148341410 તી 7.40 ટકા વધુ મુજબના 159318674.34 વત્તા જીએસટીના પરસેન્ટેજ રેટ ભાવપત્રને મંજૂર કરવી એવી સ્થાયીની બેઠકના એજન્ડામાં 10 નંબરી દરખાસ્ત લાવીને સંકલનમાં વિરોધ હોવા છતાં ચેરમેને સરસ રીતે એવું ઓપરેશન કર્યું છે કે તેમના ગળા પર પણ ના આવે અને ડોક્ટર અને તેમના દર્દી લાભાર્થીઓને ફાયદો પણ થઇ જાય. નવાઇની વાત એ છે કે કોંગ્રેસના કોર્પોરેટર હરિશ પટેલે આ મામલે કામ મંજુર કરવા પત્ર લખેલો હતો પણ ચર્ચા એ વાતની છે કે ભાજપનાં કોર્પોરેટરનાં કામો ટલ્લે ચડાવતા ચેરમેન વળી ક્યારથી કોંગ્રેસના કોર્પોરેટરના પત્રને સ્વીકારી તેમનું કામ મંજૂર કરાવતા થયા છે. અમારી જાણ મુજબ હરીશ પટેલે તાજો જ આ પત્ર લખ્યો છે અને ઇનવર્ડ જૂની તારીખમાં કરાયો છે. કારણ કે તેમાં જે શબ્દોનો પ્રયોગ થયો છે તે છેલ્લા બે ત્રણ દિવસથી જ ચગ્યા છે. જેથી ચેરમેન, કોંગ્રેસ કોર્પોરેટરના ખભે બંદૂક મુકીને કોન્ટ્રાક્ટર અને સ્થાનિક બિલ્ડરોને ફાયદો કરાવવા માટે આ કામ મંજૂર કરી સર્જરી કરી નાખી છે તે પુરવાર થાય છે. કોઇ વિરોધ ના કરે એટલે કોંગ્રેસ કોર્પોરેટર હરિશ પટેલ પાસે પત્ર લખાવડાવ્યો છે. મળતીયાઓને ફાયદો કરાવવા 16 કરોડની સર્જરી કરનારા ડોક્ટરે કોંગ્રેસના કોર્પોરેટરની કેમ વાત માની લીધી તે અમારો અંદાજ હવે સાચો પડી રહ્યો છે. 16 કરોડનો ધુમાડો થશે અને કોર્પોરેશનને કરોડોનું નુકશાન થશે તે ચેરમેન નહી જાણતા હોય તેવો સવાલ ઉભો થઇ રહ્યો છે. જ્યાં જરુર છે ત્યાં કામો કરાવતા નથી પણ ગ્રાન્ટ જતી ના રહે તેવા બહાના હેઠળ જ્યાં કોઇ રહેતું નથી તેવા વિસ્તારમાં 16 કરોડનો ધુમાડો કરીને સર્જરી કરવાની મહેચ્છા ડોક્ટરે રાખી હોય તેવું લાગી રહ્યું છે અને તેમાં પણ કોંગ્રેસના કોર્પોરેટરના ખભે બંદૂક મુકી દીધી છે એટલે તેમના ગળા પર કંઇ ના આવે અને લોકોને માત્ર સ્ટેથોસ્કોપ જ દેખાય પણ દુરબીનથી જુઓ તો ડોક્ટરની સર્જરીની કળા, વડોદરાવાસીને જોવા મળી જાય છે. હરીશ પટેલને હાથો બનાવાયો છે
કામ મંજુર કરીને હરીશ પટેલ, ચેરમેન અને આર.સી પટેલને ચોક્કસ લાભ થવાનો છે
ગ્રાન્ટ જાય તો ભલે જાય પણ કૌભાંડ ના થવું જોઇએ. આ ગ્રાન્ટ ઓજી વિસ્તારમાં વાપરવાના બદલે જ્યાં જરુર છે તેવા ઓજી વિસ્તારમાં વાપરો તો લોકો ખુશ થશે પણ આ કામ મંજુર કરીને હરીશ પટેલ તથા ચેરમેન અને આર.સી પટેલને જ લાભ થવાનો છે. આ ગ્રાન્ટ કોઇ પણ ઓજી વિસ્તારમાં કોઈ પણ કામ માટે વાપરી શકો છો અને છાણીમાં તેનો લાભ થતો હોય તો પણ વાંધો નથી પણ આ કામ તો છાણી-સોખડા રોડ ઉપર થવાનું છે તો પછી છાણીના લોકોને શું ફાયદો તેવો સવાલ પુછાઇ રહ્યો છે. આ કામથી પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે. ચેરમેનના ગળે ના આવે એટલે પત્ર લખાવ્યો તે સ્પષ્ટ વાત છે.
હરખપદુડા થઇને ડોક્ટરે 16 કરોડની 10 નંબરી સર્જરી કરી નાખી
ભાજપના કોર્પોરેટરોનું કામ તો ચેરમેન કરતા નથી પણ કોંગ્રેસના કોર્પોરેટરનો જેવો પત્ર આવ્યો કે તુરત જ હરખપદુડા થઇને ડોક્ટરે 16 કરોડની 10 નંબરી સર્જરી કરી નાખી તે વાતથી ભાજપના કાર્યકરો અને કોર્પોરેટરોમાં પણ ચર્ચા છે. ચેરમેનને એવો તો શું પ્રેમ ઉભરાયો કે કોંગ્રેસના કોર્પોરેટરની વાત ફટ દઇને માની લીધી તે આજકાલ કોર્પોરેશનમાં ચર્ચાનો વિષય છે.
ડોક્ટરે કરેલી સર્જરીના ટાંકા ખુલી રહ્યા છે
વાસ્તવમાં 10 નંબરી દરખાસ્તને ભાજપના સભ્યોનો વિરોધ હોવા છતાં ડોક્ટરે મંજૂર કરાવીને બિલ્ડર અને કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા સમજૌતા એક્સપ્રેસ દોડાવી છે. અને તેમાં પોતાના ગળા પર ના આવે એટલે હરીશ પટેલના ખભે બંદૂક મુકી દીધી છે જેથી લોકોને શંકા ના પડે પણ હવે ધીમે ધીમે ડોક્ટરે કરેલી 10 નંબરી સર્જરી બહાર આવી રહી છે અને સર્જરીના ટાંકા ખુલી રહ્યા છે.
આ પ્રજાલક્ષી કામ છે જે થવું જ જોઈએ
બંને જગ્યાએ કામ ચાલુ છે. પાણી ટાંકીઓનું પણ બે ત્રણ કામ ચાલુ છે. છાણીમાં જે કામ આવ્યું છે તે ઓજી ગ્રાન્ટ આવતી હોય છે. સરકાર ડીપીઆર થ્રુ મંજુર કરતી હોય છે . અત્યારે શરૂ કરાશે તે બે વર્ષે પુરું થશે. વિસ્તાર ડેવલપ થવાનો છે તેના માટે સરકાર વ્યવસ્થા કરતી હોય છે. ઓજી ગ્રાન્ટ થકી વિસ્તાર ગ્રાન્ટ પાસ થતી હોય છે.ઓજી ગ્રાન્ટ જો ન વાપરો તો આ સરકારમાં પરત થઈ જતી હોય છે એટલે સરકાર બે વર્ષ સુધી ડેવલપ થનારી વસ્તીને ધ્યાનમાં રાખી આ ગ્રાન્ટ પાસ કરવામાં આવી છે કામ કોર્પોરેશન તરફથી થતું હોય છે એટલે કોર્પોરેશનના માધ્યમથી કરવામાં આવી રહ્યું છે. વોર્ડ એકમાં ચારે ચાર કોર્પોરેટર કોંગ્રેસના છે. પરંતુ ભાજપનો સિદ્ધાંત છે કે આપણો પ્રતિનિધિ ના ચૂંટાયેલા હોય છતાં પણ પ્રજાલક્ષી કામને લઈને તમામ કામ કરવામાં આવતા હોય છે. બે વર્ષ પછી વસ્તી વધશે તો પાણી ક્યાંથી લાવશે અને પાણી આવશે તો વિતરણ કેવી રીતે કરીશું એટલે કે આ નિરાશ થવાનો કોંગ્રેસના કાઉન્સીલરોનો વિષય છે.પરંતુ આ પ્રજાલક્ષી કામ છે જે થવું જ જોઈએ. 550 કરોડ સરકારે પાણીની સમસ્યા દૂર થાય તે માટે મંજૂર કર્યા છે. ભવિષ્યમાં તમામ કામોથી સમસ્યા દૂર થશે. આખી પ્રોસેસ છે. સર્વે થાય. કન્સલ્ટન્ટ દ્વારા ડીપીઆર બને ડીપીઆર પર ડિસ્કશન થાય અને ડીપીઆર જોઈને જરૂરિયાત જોઈને,તેમજ વસ્તી જોઈને મંજુર કરવામાં આવતી હોય છે અને જેમ જેમ આ ગ્રાન્ટોની માંગ હોય તે ગ્રાન્ટો દ્વારા મંજુર કરવામાં આવતી હોય છે આમાં આટલો મોટો પ્રોસેસ હોય છે. કોઈ વ્યક્તિ કે એક વ્યક્તિના કારણે હા કે ના કરી શકે નહીં.આ પબ્લિક માટેનું કામ છે પાણી મળશે તો પબ્લિક ને જ મળશે. જે જે ગ્રાન્ટ વિસ્તારની માંગ રજૂ કરી હોય તે વિસ્તારની એક બાદ એક ગ્રાન્ટ મંજૂર થઈ રહી છે આ ગ્રાન્ટ મંજુર થયા વર્ષ પૂરું થઈ ગયું છે જો આ ગ્રાન્ટ ન વાપરે તો આ ગ્રાન્ટ પરત થઈ જતી હોય છે મ્યુનિસિપલ કોર્પોરેશન નિર્ણય લીધો હશે અને પ્રજાલક્ષી કામ છે. નાગરિકોના પાણીના પ્રશ્નની વાત છે બે વર્ષ વિસ્તારની ડેવલોપમેન્ટની વાત છે અને ડેવલપ બનાવ્યા બાદ આપ પ્લાન્ટની કામગીરી શરૂ થતી હોય છે જેથી કરીને પ્રજાલક્ષી કામના કારણે પાસ કરવામાં આવ્યું છે. વસ્તી દિવસ ને દિવસે વધી રહી છે.140 કરોડ છે તો આગામી દિવસોમાં 160 કરોડ થવાની જ છે જે વસ્તીને ધ્યાનમાં રાખી તેમાં વ્યવસ્થા ગોઠવી આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોંગ ટર્મ મીડીયમ ટર્મ અને શોર્ટ ટર્મના નિર્ણય લેવાતા હોય છે.
હરીશ પટેલને સર્જરી પહેલા જ જાણ થઇ કે ટાંકા ખુલી જવાના છે એટલે પત્રમાં પહેલાં જ સ્પષ્ટતાઓ કરી નાખી
અમને શંકા એટલા માટે જાય છે કે હરીશ પટેલે ચેરમેનને પત્ર લખ્યો છે તેમાં તે સ્પષ્ટતા કરે છે કે આ કોઇ જંગલમાં મંગલ કરવા માટેનું આયોજન નથી. અને એની સાથે આ કોઇ બિલ્ડરના ફાયદા માટેનું કામ નથી. મારા વિસ્તારમાં જે રહીશો રહેવા આવ્યા છે તેમનું કામ છે. હરીશ પટેલ ભુલી ગયા કે આ 10 નંબરી દરખાસ્ત મંજૂર થઇ ત્યાર બાદ જંગલમાં મંગલ શબ્દ વાયરલ થયો છે અને તમે પત્ર 26-09-2025ના રોજ લખેલો છે તો શું તમને અગાઉથી જ શંકા હતી કે ડોક્ટરની સર્જરીનો વિવાદ થશે અને સર્જરીના ટાંકા ખુલશે અને બિલ્ડરને ફાયદો કરાવાની વાતો આવશે તો તમે મંજૂરીની માંગ કરતા પત્રમાં જ બધી સ્પષ્ટતા કરી દીધી હતી તે સવાલ છે એટલે વાસ્તવમાં આ પત્ર વિવાદ-વિરોધ થાય તે પછી લખાયો છે પણ ઇન્વર્ડ જુની તારીખમાં થયો છે. તે દીવા જેવી વાત છે.
ભાજપના કોર્પોરેટર ના સાંભળે તો કોંગ્રેસના કોર્પોરેટરને મળો, કામ થઇ જશે.
આ 10 નંબરી સર્જરી કાંડથી વડોદરાવાસીઓને એક લાભ એવો થયો છે કે જો તમારા વિસ્તારના ભાજપના કોર્પોરેટરો તમારી વાત માનતા નથી કે તમારી સમસ્યા હલ કરતા નથી તો નાગરીકોએ બિન્ધાસ્ત કોંગ્રેસના કોર્પોરેટરોનો સંપર્ક કરવો જોઇએ કારણ કે ડોક્ટર ચેરમેન એવા વિશાળ દિલવાળા અને ચબરાક છે કે તે માત્ર કોંગ્રેસના કોર્પોરેટરની જ વાત માને છે અને જો કોંગ્રેસના કોર્પોરેટર તમારી રજૂઆત કરશે તો ફટ દઇને ડોક્ટર કામ મંજૂર કરી દેશે કારણ કે જો એક કોંગ્રેસના કોર્પોરેટરે લખેલા પત્રથી ડોક્ટર 10 નંબરી સર્જરી કરી નાખતા હોય તો પછી નાગરીકોએ ચિંતા કરવાની જરુર નથી. તમારે કોંગ્રેસના જ કોર્પોરેટરનો સંપર્ક કરવો હિતાવહ છે
હરીશ પટેલે સાથી કોર્પોરેટરોને પણ વિશ્વાસમાં લીધા હતા કે કેમ તે પણ સવાલ
નવાઇની વાત એ છે કે જ્યારે ચાર કોર્પોરેટર હોય તો ચારેય કોર્પોરેટરોએ એકબીજાને વિશ્વાસમાં લઇને ક્યુ કામ સ્થાયીમાં મુકવું છે તેની ચર્ચા કરાતી હોય છે પણ 10 નંબરી સર્જરી કાંડમાં કોંગ્રેસના કોર્પોરેટર હરીશ પટેલે તેમના ત્રણ સાથી કોર્પોરેટરોને આ બુસ્ટર પ્લાન્ટ મામલે કોઇ ચર્ચા કરી હોય કે તેમને વિશ્વાસમાં ના લીધા હોય તેવું અમારી જાણમાં આવ્યું નથી. તેમને લાડવો એકલા ખાવો હતો તેથી તેમણે કદાચ કોઇને વિશ્વાસમાં લીધા વગર જ ડોક્ટરને વિનંતી પત્ર લખ્યો અને વિશાળ દિલવાળા ડોક્ટરે તેમના પત્રની ગંભીર નોંધ લઇ સર્જરી કરી નાખી.
Reporter: admin







