લખનઉ: ભારે વરસાદને કારણે નેપાળ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં ભારે જનજીવન પર અસર થઈ છે. દેશમાં ચોમેર વ્યાપક વરસાદને કારણે ઉત્તરાખંડનાં ડેમમાંથી પાણી છોડાતા ઉત્તર પ્રદેશના મેદાનોમાં કેટલાક જિલ્લાઓમાં ભારે પૂર આવ્યું હોવાના સમાચાર જાણવા મળ્યાં હતાં.
સોમવારે એક સત્તાવાર અહેવાલમાં જણાવાયું હતું કે ભારે વરસાદ અને ડેમના પાણી છોડવાના કારણે પીલીભીત, લખીમપુર, કુશીનગર, બલરામપુર, વસ્તી અને ગોંડ જિલ્લાના ઘણા ગામોમાં નદી કિનારાનાં વિસ્તારો પૂરથી પ્રભાવિત થયા છે.રાહત કમિશનરની કચેરીના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઉત્તરાખંડના બનબાસા ડેમમાંથી લગભગ ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવાને કારણે પીલીભીત જિલ્લામાં શારદા નદીનાં પાણીમાં વધારો થયો છે અને નદીના પૂરના પાણી વીસ ગામોમાં પ્રવેશ્યા છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે લઈ જવા માટે ૩૨ બોટની મદદથી કામ કરી રહી છે.
ઉત્તરાખંડમાં શારદા પરના બનબાસા બેરેજ પણ નદીમાં પાણી છોડે છે, જેની અસર લખીમપુર ખેરીમાં જોવા મળી રહી છે. જિલ્લામાં નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. જિલ્લાના બે ગામોના ૫૦૦૦ થી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.રાપ્તી બલરામપુરમાં ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે, જ્યાં ૨૬ ગામો પ્રભાવિત છે, અને શ્રાવસ્તીમાં, ૧૮ ગામોના ૩૫૦૦૦ લોકોને અસર થઈ છે. કુશીનગરમાં ગંડક નદીનું સ્તર જોખમના નિશાનની નજીક છે. અહેવાલમાં જણાવાયું છે કે જિલ્લાના પાંચ ગામોના અસરગ્રસ્ત સ્થાનિકો માટે ૪૮ આશ્રયસ્થાનો બનાવવામાં આવ્યા છે.
Reporter: News Plus