ચૂંટણી સભાઓ-રેલીમાં છાસ, સરબત-પાણી અને ફૂલોની ખૂબ માગ આકરી ગરમીમાં ઠંડા પીણાં અને બરફનો પણ રાજકિય પક્ષો દ્વારા ઉપાડ વધ્યો.મે મહિનાના ધમધોખતા તાપમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થશે. જોકે એ પૂર્વે 26 બેઠકો પર ઉમેદવારોનું પ્રચારકાર્ય પુરજોશમાં ચાલે છે. સભા, સરઘસ, રેલી, ડોર ટુ ડોર સંપર્કો થઇ રહ્યા છે. ગરમ વાતાવરણમાં પ્રચારકાર્ય વિક્ષેપમાં ન પડે અને કાર્યકરોનો ઉત્સાહ જળવાય એ માટે છાસના પાઉચ, પાણીની બોટલ, ઠંડા પીણાંની માગમાં મોટો વધારો થયો છે. ફૂલોની પાંખડીઓ પણ હવે ઓન ડિમાન્ડ છે.ઉમેદવારોના જનસંપર્કનું કાર્ય હજુ પંદરેક દિવસ ચાલવાનું છે. આમ તો ખરો પ્રચાર હવે ઉમેદવારો ફાઇનલ થયા પછી જ દેખાશે ત્યારે ઠંડક આપતી ચીજોનું વેચાણ વધવાનું નક્કી છે. અમદાવાદમાં અમિત શાહની ઉમેદવારીના ફોર્મ ભરતી વખતે માગમાં ખૂબ વધારો થયો હતો કારણ કે સભા બાદમાં રેલીમાં ફેરવાઇ હતી. એ જ રીતે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી વખતે પણ પાણી અને છાસ સહિતની ચીજો પક્ષને રાખવા પડયા હતા. હવે અન્ય બેઠકો પર ગામેગામ આ રીતે માગ ખૂલવાની ધારણા છે.રોડ શો કરતા નેતા લોકો ઉપર ફૂલ ઉડાડે છે અને લોકો પણ નેતાને ફૂલમાલા પહેરાવે છે. આના કારણે ફૂલ અને તેની પાંખડીની માગ વધી ગઇ છે.
ડેરી કારોબાર સાથે સાંકળયેલા વડોદરા ના અશોક પટેલ જણાવે છે કે ‘એકલા અમદાવાદમાં જ અલગ અલગ પાર્ટી દ્વારા એક લાખથી પાંચ લાખ પાણીની નાની બોટલ મગાવવામાં આવે છે. છાસના પાઉચ પચાસ હજારથી એક લાખ જેટલા ઉપડી જાય છે. બપોરના સમયે પાણીની નાની બોટલ એક વ્યક્તિ સરેરાશ પાંચનો વપરાશ કરે જ છે એટલા માટે મોટા પ્રમાણમાં ઉપાડ થાય છે.વડોદરા માં પણ પાણીની નાની બોટલ તથા છાસનો વપરાશ વધ્યો છે. હવે સરબત પણ ખૂબ ચાલે છે.હનીફભાઇ ફૂલવાળા જણાવે છે કે ગુલાબની પાંખડીની ખુબ જ ડિમાન્ડ છે. વડોદરા અને અમદાવાદમાંથી આશરે 5 હજાર કિલો વિવિધ ફૂલોની પાંખડી મગાવવામાં આવે છે. ગુલાબ, મોગરો અને ગલગોટો માગમા છે. અલગ અલગ જગ્યાએ લોકો માટે પાણી અને છાસની વ્યવસ્થા પણ કરવામાં આવી હોય છે.લોકો કલાકો સુધી ગરમીમાં ઉભા રહે તે પણ પડકારજનક હોય છે. લોકોને ખેંચી રાખવા માટે પણ આવી ઠંડક જરૂરી છે. હજુ વીસેક દિવસ સુધી છાસ, પાણી, સરબત અને ફૂલોની માગ રહેશે.પાણી અને છાસ ઠંડા રહે તે માટે મોટા બેરલમાં બરફ પણ મૂકવા પડે છે એટલે બરફની માગ પણ વધી છે. બરફના કારખાના અત્યારે બધે પૂર્ણ ક્ષમતાએ પાણી જમાવે છે.
Reporter: News Plus