શહેરના છેવાડે આવેલ ગોલ્ડન ચોકડી ખાતે આરોપી આવ્યો હોવાની વિગતો મળતાં પોલીસે ત્વરિત કામગીરી કરી ઘરફોડિયા ચોરને ઝડપી પાડ્યો
ગોત્રી પોલીસ મથકની હદમાં રાત્રિના સમયે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનાર ચડ્ડી બનીયાનધારી ગેંગના સભ્ય વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ ચોપડે ગુનો નોંધાયા બાદ ઘરફોડ ચોરીનો આરોપી ગોલ્ડન ચોકડી પાસે આવ્યો હોવાને બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળતા ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી લીધો હતો અને ગોત્રી પોલીસ મથકે સોપ્યો હતો.ગોત્રી પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ બંસલ મોલની પાછળના ભાગે આવેલ ગંગોત્રી ગ્રીન સોસાયટીના બે મકાનોમાં ડિસેમ્બર 2022 માં 4.77 લાખની ઘરફોડ ચોરીનો ગુનો ગોત્રી પોલીસ મથકે નોંધાયો હતો.
આ ચોરીમાં સામેલ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામનો રહીશ ઈશ્વર જોરાવર મંડોળ ગોલ્ડન ચોકડી ખાતે આવવાનો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરતાં આરોપી ઈશ્વર પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. ઝડપાયેલા ઈશ્વર મંડોળની પૂછપરછ કરતા તેને ગોત્રીમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ગોત્રી પોલીસને સોંપ્યો હતો.
Reporter: News Plus