વિશ્વામિત્રી નદીમાં ગંદા પાણી અને C&D વેસ્ટ પર કડક કાર્યવાહી; પાલિકા કમિશનરના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક
વિશ્વામિત્રી નદીમાં પ્રવેશતા સુએઝ આઉટફ્લો પોઈન્ટ સદંતર બંધ કરવા, C&D વેસ્ટના ગેરકાયદે નિકાલ સામે કડક મોનીટરીંગ, હવા પ્રદૂષણ નિયંત્રણ અને શહેરના તળાવો તથા વોટર બોડીના પુનર્જીવન અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા.
વિશ્વામિત્રી નદી, C&D વેસ્ટ અને હવા પ્રદૂષણ મુદ્દે પાલિકા ખાતે મહત્વપૂર્ણ બેઠક
વડોદરા મહાનગરપાલિકા ખાતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ એમ.એસ. (IAS) ના અધ્યક્ષસ્થાને ગુજરાત માનવ અધિકાર આયોગ દ્વારા ગઠિત વિશ્વામિત્રી સમિતિ, CREDAI, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) તેમજ વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ, વિશ્વામિત્રી શાખા અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.બેઠકમાં વિશ્વામિત્રી નદી સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા રચાયેલ નવલવાલા સમિતિના સૂચનો અનુસાર વિશ્વામિત્રી નદીની રિસેક્શનિંગ તથા ડીસિલ્ટિંગની કામગીરી યોગ્ય રીતે પૂર્ણ કરવામાં આવી હોવાનું બેઠકમાં જણાવાયું હતું.નામદાર NGTના આદેશ મુજબ વિશ્વામિત્રી નદી, કોતરો, તળાવો તેમજ વરસાદી કાંસોમાં Construction & Demolition (C&D) વેસ્ટનો નિકાલ ન થાય તે માટે સઘન મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
GPCBના રિપોર્ટ મુજબ જ્યાં C&D વેસ્ટનો નિકાલ થયેલ હતો તેવા સ્થળોએથી પાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વેસ્ટ ઉઠાવી અટલાદરા સ્થિત C&D વેસ્ટ પ્રોસેસિંગ ફેસિલિટી ખાતે મોકલવામાં આવી રહ્યો છે.CREDAI દ્વારા તેના તમામ સભ્યોને તેમજ તેમના પ્લેટફોર્મ મારફતે શહેરના તમામ રિડેવલપમેન્ટ તથા નવા બાંધકામ સ્થળોએથી નીકળતા C&D વેસ્ટનું યોગ્ય વ્યવસ્થાપન કરવા અને પાલિકાના નિયત સ્થળોએ જ તેનો નિકાલ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ત્યારબાદ આ વેસ્ટને અટલાદરા સ્થિત પ્રોસેસિંગ ફેસિલિટી ખાતે મોકલી યોગ્ય પ્રોસેસિંગ કરવામાં આવશે.વિશ્વામિત્રી નદીમાં પ્રવેશતા સુએઝ આઉટફ્લો પોઈન્ટ GPCB સાથે સંકલનમાં ઓળખી લેવામાં આવ્યા હોવાનું બેઠકમાં જણાવાયું હતું. આ પોઈન્ટને સદંતર બંધ કરવા માટે વિવિધ કામગીરી પ્રગતિ હેઠળ છે. પાલિકા દ્વારા અત્યાર સુધીમાં 64 MLD જેટલું સુએઝ પાણી ડાયવર્ટ કરીને ટ્રીટમેન્ટ ફેસિલિટી સુધી પહોંચાડવામાં આવ્યું છે, જ્યારે બાકી રહેલા 16 MLD સુએઝ પાણીના ડાયવર્ઝન અને પ્રોસેસિંગ માટે પણ કામગીરી હાથ ધરવામાં આવી છે.બેઠકમાં SECON સલાહકાર તથા વિશ્વામિત્રી સમિતિ દ્વારા નિર્ધારિત 5 વર્ષ અને 10 વર્ષના ફ્લડ લાઈનને ધ્યાનમાં રાખીને બાંધકામ સંબંધી કાર્યવાહી કરવામાં આવી હોવાનું પણ જણાવાયું હતું. સાથે સાથે હવા પ્રદૂષણ અંગે ચર્ચા કરી AQIનું રિયલ-ટાઈમ મોનીટરીંગ અને ડેટા જાહેર ડોમેનમાં મુકવાની વાત કરવામાં આવી હતી.CREDAI હેઠળની તેમજ અન્ય બાંધકામ સાઇટ્સ પર ધૂળ પ્રદૂષણ નિયંત્રણ માટે જરૂરી કામગીરી કરવા અને ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા સઘન ચેકિંગ કરી નિયમ ભંગ સામે દંડાત્મક કાર્યવાહી કરાશે તેવી માહિતી અપાઈ હતી. આ ઉપરાંત ઔદ્યોગિક વિસ્તારો અને GIDCમાં પણ GPCB દ્વારા સમયાંતરે તપાસ હાથ ધરવામાં આવશે.વડોદરા મહાનગરપાલિકા દ્વારા AQI નિયંત્રણ માટે 6 સ્મોગગન વાહનો વસાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેનો ઉપયોગ શહેરના હોટસ્પોટ વિસ્તારોમાં કરવામાં આવશે.શહેરના વિવિધ મુખ્ય રોડ, રીંગ રોડ તથા આઉટગ્રોથ વિસ્તારોમાં એવન્યુ પ્લાન્ટેશન કરવા સૂચના આપવામાં આવી હતી, જેમાં CREDAI દ્વારા પણ વિવિધ સ્થળોએ સહકાર આપવામાં આવશે. શહેરના તમામ તળાવો તથા અન્ય વોટર બોડીઝની યોગ્ય જાળવણી અને પુનર્જીવન માટે પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.વિશ્વામિત્રી નદીમાં પ્રવેશતા સુએઝ આઉટફ્લોને સદંતર બંધ કરવા તેમજ ગેરકાયદે ડ્રેનેજ કનેક્શન સામે દંડનીય કાર્યવાહી કરવાની સ્પષ્ટ સૂચના પણ બેઠકમાં આપવામાં આવી હતી.
Reporter: admin







