નીટની પરીક્ષાનુ પેપર લીક થયાના આરોપો બાદ દેશમાં વિરોધ વધી રહ્યો છે. વિપક્ષ કોંગ્રેસ સહિતના પક્ષો દ્વારા પરીક્ષાને રદ કરવાની માગણી સાથે વિદ્યાર્થીઓને સમર્થન સાથે જ ધરણા પ્રદર્શન કર્યા હતા.
આ દરમિયાન દેશમાં પેપર લીક વિરોધી કાયદો એટલે કે પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ, 2024 અમલમાં આવ્યો છે. કેન્દ્રએ શુક્રવારે (21 જૂન) મધ્યરાત્રિએ તેનું જાહેરનામું બહાર પાડ્યું હતું. આ કાયદો ભરતી પરીક્ષાઓમાં છેતરપિંડી અને અન્ય ગેરરીતિઓને રોકવા માટે ગઢવામાં આવ્યો છે.નીટનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હવે તેનું આયોજન કરનારી નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ દ્વારા વધુ એક પરીક્ષા સીએસઆઇઆર -યુજીસી નેટને રદ કરવામાં આવી છે. દરમિયાન સુપ્રીમે નીટ કાઉન્સેલિંગ એટલે કે એડમિશન પ્રક્રિયાને રદ કરવાની માગ ફગાવી દીધી છે.
આગામી ૨૫થી ૨૭ તારીખે સીએસઆઇઆર-યુજીસી-નેટ યોજાવાની હતી, જોકે નીટના વિવાદ વચ્ચે નેટની વધુ એક પરીક્ષાને રદ કરવામાં આવી છે. આ પરીક્ષા રદ કરવાની માહિતી એનટીએ દ્વારા આપવામાં આવી હતી, સાથે કહ્યું હતું કે સંસાધનોની અછતને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ પહેલા યુજીસી નેટની પરીક્ષા પણ રદ કરી દેવામાં આવી હતી, જોકે હાલ મેડિકલ ક્ષેત્ર માટે લેવાયેલી નેશનલ એલિજિબિલિટી-એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે નીટને રદ કરવાનો કોઇ નિર્ણય નથી લેવાયો. નીટને લઇને સુપ્રીમમાં અનેક અરજીઓ થઇ છે. જેમાંની એક અરજીમાં માગ કરાઇ છે કે આ પરીક્ષામાં મોટા છબરડા થયા છે, માટે હવે આગળની એડમિશન પ્રક્રિયા એટલે કે કાઉન્સેલિંગ ૬ જૂલાઇના રોજ યોજાવાની છે જેને અટકાવવામાં આવે. જોકે સુપ્રીમ કોર્ટે આ માગણીને ફગાવી દીધી હતી.
Reporter: News Plus