શહેરના પશ્ચિમ ઝોનના ટ્રાફિક એસીપી ડી.એમ.વ્યાસને સયાજીગંજ ડેરી ડેન સર્કલ પાસે ઉદ્યોગપતિ જયેશ ઠક્કરની મર્સીડિઝ કાર ટ્રાફિકને નડતરરુપ હોવાનું દેખાઇ ગયા પછી એસીપી સાહેબે તો પોતાના કોન્સ્ટેબલને મોકલીને ગાડી ટ્રાફિક એસીપી કચેરીમાં લઇ આવવાનું ફરમાન કરીને પેનલ્ટી વસુલવાની વાત કરી દીધી પણ ટ્રાફિક એસીપી પોતે જ ભુલી ગયા કે એ જ્યાં બેસે છે અને આરામ ફરમાવે છે તે જ ટ્રાફિક એસીપી (પશ્ચિમ)ની કચેરીની આસપાસ જ ટ્રાફિક પોલીસે દબાણ કરી લીધું છે. અને ખુદ તેમની આખી ઓફિસ જ ગેરકાયદેસર પાર્કિંગવાળી- બાંધકામવાળી-હેતુફેરની છે.

ટ્રાફિકની સમસ્યાને હલ કરવાની મોટી મોટી વાતો કરતા એસીપી વ્યાસ ભુલી ગયા કે તેમની ટ્રાફ્રિક પોલીસે જ એટલું બધુ દબાણ કરી લીધું છે કે સર્કલ અને એમ.એસ.યુનિ.ની આખી ભવ્યતા જ નષ્ટ થઇ ગઇ છે. કોર્પોરેશન પણ પોલીસને સાથે રાખીને પથારાવાળા અને લારી ગલ્લાવાળા કે જે રોજનું કમાઇને ખાય છે તેમના દબાણો હટાવી લે છે પણ પાલિકાના કમિશનરની હિંમત નથી કે સયાજીગંજ ટ્રાફિક એસીપી કચેરી અને એમએસયુની બહાર ખુદ ટ્રાફિક પોલીસે કરેલું દબાણ હટાવી લે..પાલિકાના શૂરા અધિકારીઓ ટ્રાફિક પોલીસની આ દબાણ કરવાની દાદાગીરી સામે ઝુકી ગયા છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા નિકળેલી ટ્રાફિક પોલીસ અને તેમના એસીપી જુના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં બેસે છે. તમે એક વાર આંટો મારજો તો ખબર પડી જશે કે ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવાની ગુલબાંગો પોકારતી ટ્રાફિક પોલીસની કચેરી આખી ગેરકાયદેસર છે અને શહેર પોલીસે જાહેર રસ્તા ઉપરની જગ્યા પચાવી પાડી છે. એસીપી ટ્રાફિક (પશ્ચિમ)ની કચેરીની આસપાસ બેરિકેડ મુકીને અડધો રસ્તો ટ્રાફિક પોલીસે દબાવી દીધો છે. વાહન ચાલકને ફરીને જવું હોય તો તે બિચારો મુંઝાઇ જાય છે. ટ્રાફિક કચેરીની આસપાસ તમે જોશો તો નાની દિવાલ કરી બેરિકેડ મુકીને જાણે કે ટ્રાફિક પોલીસની અંદર ગુંડા તત્વો ઘુસી જવાના હોય તેમ બેરિકેડથી કિલ્લાબંધી કરી દેવાઇ છે. પોણા ભાગનો રોડ ટ્રાફિક પોલીસે પચાવી લીધો છે.પાલિકાના અધિકારીઓને ટ્રાફિક પોલીસના આ દબાણ દેખાતા નથી પણ તેમને તો ચાર દરવાજા વિસ્તારના નાના પાથરણાવાળા અને લારી ગલ્લાવાળા જ દેખાય છે. ટ્રાફિક પોલીસ આખા શહેરમાં ફરી ફરીને આડેધડ રીતે નો પાર્કીંગમાં પાર્ક કરાયેલા વાહનો ઉંચકી લે છે અને તેને એમ એસ યુનિ.ની દિવાલને લગોલગ જુનાં ગેટની આજુબાજુ પાર્ક કરી દે છે. આ આખી જગ્યા પણ ટ્રાફિક પોલીસે જાણે કે પચાવી લીધી હોય તેમ લાગે છે.ડીટેઈન કરેલા ભારી વાહનો, બસો, ટ્રક,ડમ્પરને આડેધડ પાર્ક કરાય છે.ડેરીડેન સર્કલ સામેનો આર્ટસ ફેકલ્ટીનો- યુનિ.નો ભવ્ય ગાયકવાડી દરવાજો કાયમને માટે બંધ કરાયો છે.તે સમયે આ દરવાજો નવો બનાવાશે તેવી ખુદ ચાન્સેલરે જાહેરાત કરી હતી પણ અગમ્ય કારણોસર નવો દરવાજો બની શક્યો નથી.

એમએસયુનિની બહાર જ ગેરકાયદેસર વાહનોનું દબાણ કરીને ટ્રાફિક પોલીસે જ યુનિ.ની ભવ્યતા નષ્ટ કરી નાખી છે. પહેલા લોકો આ રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે યુનિ. અને એક્સપરીમેન્ટલ સ્કૂલને જોઇ શકતા હતા પણ ટ્રાફિક પોલીસે આ સ્થળે વાહનોનું ગેરકાયદેસર પાર્કીંગ કરી દેતા હવે યુનિ અને સ્કૂલની ઇમારત પણ દેખાતી બંધ થઇ ગઇ છે. તમે એક તરફ એમ કહો છો કે લોકો રસ્તા પર આડેધડ પાર્ક કરીને દબાણ કરે છે અને રસ્તો સાંકડો કરીને ટ્રાફિકને અવરોધે છે તો ટ્રાફિક એસીપી વ્યાસ સાહેબ તમે પોતે પણ આખે આખી કચેરી ગેરકાયદેસર ઉભી કરી દીધી છે અને તેની આસપાસ બેરીકેડ લગાવી દબાણ કર્યું છે. મ્યનિ.કમિશનરમાં તાકાત હોય તો આ દબાણ હટાવી લે. ટ્રાફિક કચેરી જુનાં સયાજીગંજ પોલીસ સ્ટેશનની પાછળ ગાયકવાડી ટાવર છે. તમે કહો છો કે રોડ પર દબાણ કરો છો. મ્યુનિ તાકાત હોય તો હટાવો.ટાવરની આસપાસ રીત સર કબજો કરી લીધો છે. મ્યુનિ કમિશન અને પોલીસ કમિ સંકલન કરે તે જરુરી છે. ફૂટપાથ પર ગાડીઓ મુકી દેવાઇ છે. જુનો ગેટ બંધ કરી દીધો છે. તે સમયે યુનિ.નાં આગેવાનોએ કહ્યું કે દરવાજો તોડી નાખ્યો છે તે ફરી બનાવીશું પણ તેઓ ભૂલી ગયા. એમએસયુનિ અને સ્કૂલ બહારથી જોવા મળતી હતી તેની ભવ્યતા ભુસી નાખી છે. કાયદાની વાતો કરે છે પણ તે પોતે જ દબાણ કરે છે. પોણા ભાગનો રોડ કબજે કરી બેરીકેડ લગાવી દીધો છે. સમગ્ર મામલે પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર બહાર આવે અને સંકલન કરે તે જરુરી છે. પોલીસ કમિશનર પણ પોતાના એસીપી દ્વારા કરાયેલા ગેરકાદેસરના દબાણો હટાવવા સૂચના આપે તે જરુરી છે. એસીપી ટ્રાફિકની કચેરી પાસે બેરિકેડની કિલ્લાબંધી એસીપી ટ્રાફિકે પ્રજાને મળતી સુવિધા આંચકી લીધી છે. ટ્રાફિક પોલીસે અલંકાર અને ડેરી ડેનનો રસ્તો બ્લોક કરી દીધો અને યુનિ.ની બહાર જે પેટ્રોલ પંપ હતો તે બંધ કરાવી દીધો. ટ્રાફિક એસીપી લોકોને ટ્રાફિકના નિયમો શીખવાડીને કાયદાનું ભાન કરાવે છે પણ ખુદ જ ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહ્યા છે અને ગેરકાયદેસર દબાણ કરી રહ્યા છે. ટ્રાફિક એસીપીએ પહેલા કાયદાનો અમલ કરવો જોઇએ અને પછી લોકોને સલાહ આપવા નિકળું જોઇએ. તમે તમારી કચેરીની બહાર ઉભી રહીને જોજો તો ખબર પડશે કે કચેરીની આસપાસને કેવી રીતે બેરિકેડ મુકીને ઢાંકી દેવાઇ છે. આવી અભેદ્ય કિલ્લેબંધી તો ખુદ પોલીસ કમિશનર કચેરીમાં પણ નથી. એટલે ટ્રાફિક એસીપી વ્યાસ પોતાને પોલીસ કમિશનર કરતા ઉંચા સમજે છે. મ્યુનિ.કમિશનર પણ એસી કેબિન છોડીને આ સ્થળે જાતે જોવા આવશે તો ખબર પડશે કે ટ્રાફિક પોલીસે કેવું અને કેટલુ દબાણ કર્યું છે . રેલવે સ્ટેશનના ગેટ પાસે આડેધડ ઉભી રહેતી રિક્ષાઓ ટ્રાફિક પોલીસને દેખાતી નથી.ટ્રાફિક એસીપીને ડેરીડેન સર્કલ સહિત સયાજીગંજમાં ઠેર ઠેર ગેરકાયદેસરના દબાણો અને ટ્રાફિકને લગતા દબાણો દેખાઇ જાય છે પણ તેમની નજર તેમની જ કચેરીની બિલકુલ સામે આવેલા રેલવે સ્ટેશનના મુખ્ય દરવાજા પાસે જતી નથી. ટ્રાફિક એસીપી સાહેબ પહેલા આ સ્થળે એક આંટો મારજો તો ખબર પડશે કે કેવા આડેધડ રીતે રિક્ષાવાળા પાર્ક કરે છે અને મુસાફરોને લલચાવવા ગમે ત્યાં રસ્તા પર રિક્ષાઓ ઉભી રાખી દે છે. રેલવે સ્ટેશનના ગેટની આસપાસ પણ અનેક દબાણો છે જે ટ્રાફિકને નડતરરુપ છે પણ કદાચ તમને તે નહીં દેખાય એસીપી ટાફિક સાહેબ..પણ ન્યાય કરવા બેસો તો યોગ્ય ન્યાય કરો. તમે જે દબાણો કર્યા છે તે હટાવો અને સાથે સાથે રેલવે સ્ટેશનની આસપાસના દબાણો પણ હટાવો જેથી ટ્રાફિક ખુલ્લો થાય. ટ્રાફિક પોલીસ..ડેરીડેન સર્કલ પાસે પણ નજર કરજો ડેરીડેન સર્કલ પાસે પણ દિવસમાં ગમે તેટલી વાર તમે જશો તો આડેધડ પાર્ક કરાયેલા વાહનોનો ખડકલો જોશો , જે રીતસર ટ્રાફિકને નડતરરુપ છે પણ ટ્રાફિક પોલીસને એ વાહનો દેખાતા નથી પણ કોઇ મોંઘી ગાડી જોશે એટલે તુરત જ તેને અટકાવીને કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપશે. મોંઘી ગાડીઓ વાળાને કેમ આવી ચીમકી આપવામાં આવે છે તે વડોદરાનો દરેક નાગરીક સારી રીતે જાણે છે કારણ કે તમારા ટ્રાફિક પોલીસના નમ્ર કર્મચારીઓનો ભેટો તેને પણ અવાર નવાર થયો છે. પાલિકાના અધિકારીઓને ખબર નથી કે આ જગ્યા કોની છે...જુનુ સયાજીગંજ પોલીસ સ્ટેશન કે જેમાં હાલ ટ્રાફિક એસીપી (પશ્ચિમ)ની ઓફિસ છે તે કોની માલિકીની છે તેની કોઇને ખબર જ નથી. વર્ષોથી પોલીસ વિભાગ આ બિલ્ડીંગને વાપરતા આવેલા છે. સાચી જાણકારી પાલિકા પાસે પણ નથી.પાલિકાના લેન્ડ એન્ડ એસ્ટેટ વિભાગના અધિકારી વિક્રમ વસાવા અને ઘનશ્યામ મોરધરાને આ બાબતે પૂછ્યું કે આ જગ્યા કોનામાં આવે છે તો તેમણે ગોળગોળ જવાબ આપ્યો હતો. જેથી આ જગ્યા કોની માલિકીની છે તેની ખુદ પાલિકાને પણ ખબર નથી.જોકે ગેરકાયદેસર બાંધકામ દુર કરવાની સત્તા માત્ર પાલિકા પાસે છે.નોટિસ આપીને જનહિતમાં કામ કરી શકે છે.



Reporter: admin