વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં મંગળવારે રિવ્યૂ બેઠક યોજાઈ હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુએ શહેરને ટુરિઝમ પ્લેસ તરીકે વિકસીત કરવાના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પર કામ કરવા ઉપર ભાર મુક્યો હતો. શહેરને ટુરિઝમ પ્લેસ તરીકે વિકસીત કરવા પાછળ મ્યુનિસિપલ કમિશનર અરૂણ બાબુની લાગણી તો બરાબર છે.
અહીં સવાલ એ થાય કે, વડોદરામાં ટુરિસ્ટોને બતાવવું શું ? માંડવીનો જર્જરિત, ટેકા મારેલો દરવાજો બતાવવો કે, ન્યાય મંદિરની દિવાલો સુંઘાડવી ? લહેરીપુરા દરવાજાના ગાબડા બતાવવા કે, ખંડેરાવ માર્કેટની તિરાડો દેખાડવી ? શહેરનાં રાજમાર્ગોના ખાડા બતાવવા કે, વિશ્વામિત્રીના ધસી પડેલા પાળા દેખાડવા ? શહેરના ઉબડખાબડ રસ્તા બતાવવા કે, ઠેરઠેર ગંદકી દેખાડવી ? રસ્તે રખડતાં ઢોર બતાવવા કે, વાહનોની પાછળ દોડતા સ્ટ્રિટ ડોગ દેખાડવા ? વાસ્તવમાં વડોદરા જેવી સ્માર્ટ સિટીને ટુરિસ્ટ પ્લેસ તરીકે વિકસીત કરવી હોય તો અહીંના ઉબડખાબડ રસ્તા, પારાવાર ગંદકી, રખડતાં ઢોર અને ઉભરાતી ગટરોને પ્રમોટ કરવી પડે. મિત્રો, કદાચ આપણે સમજવામાં ભુલ કરીએ છીએ બાકી સ્માર્ટ સિટીની કલ્પના કદાચ આવી જ હશે.મેયર પિન્કીબેન સોની અને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શિતલ મિસ્ત્રીના અથાગ પરિશ્રમ બાદ વડોદરા આટલું સ્માર્ટ થયુ છે. અને શહેરની આવી સ્થિતિને જોતા એવું ચોક્કસ કહેવાય કે, સારા રસ્તાના નામે અગડવતા, ચોખ્ખા પાણીના નામે વલખાં અને ગટરના નામે મુશ્કેલી એટલે સ્માર્ટ સિટી વડોદરા..! વાસ્તવમાં આપણા વડોદરાના સત્તાધીશો અને અધિકારીઓ પાસેથી આખાય દેશની ૧૪૦ કરોડ પ્રજાએ મોટિવેશન મેળવવાની જરૂર છે. કારણ કે, આપણા શહેરમાં સ્માર્ટ જેવું કંકોડા'ય કશું નથી. છતાંય નેતાઓ વડોદરાને સ્માર્ટ સિટી તરીકે સંબોધે છે. આપણાં શહેરમાં દેખાડવા જેવા કાંદા'ય બચ્યાં નથી. છતાંય અધિકારીઓ વડોદરાને ટુરિસ્ટ પ્લેસ તરીકે ઓળખ અપાવવવા પ્રયત્નો કરી રહ્યા છે. આટલો ગજબનો કોન્ફિડન્સ ભાગ્યે જ કોઈનામાં હોઈ શકે. એમની આ જ ખાસિયત આખાય દેશ માટે પ્રેરણાદાયી બની શકે છે. ખેર, આજે ગણેશ ચતુર્થી છે અને શહેરમાં ગણેશજીની નાની-મોટી લગભગ ૧૫,૦૦૦થી વધારે પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આપણા શહેરના તમામ નાગરિકોએ ભગવાન ગણેશને પ્રાર્થના કરવી જોઈએ કે, હે..! વિઘ્નહર્તા ગણેશજી અમારા શહેરના શાસકો અને કોર્પોરેશનના અધિકારીઓને સદબુધ્ધી આપો..!! વડોદરા શહેરને ટુરિસ્ટ પ્લેસ બનાવવાની કલ્પના વર્ષો પહેલા પણ કો'કના મનમાં આવી હતી. અને તે વખતે પણ મોટી-મોટી વાતો, જાતજાતની ગુલબાંગો અને મસમોટા ખર્ચા કરવામાં આવ્યા હતા. અલબત્ત, શહેરના સ્ટેશન વિસ્તારમાં તો લગભગ સવા કરોડ રૂપિયાના ખર્ચે ટુરિસ્ટ સેન્ટર બનાવવામાં આવ્યુ હતુ. અને એમાં એક કર્મચારીની નીમણૂક પણ કરવામાં આવી હતી. પરંતુ, થોડા દિવસ પછી ટુરિસ્ટ સેન્ટરની એ ઓફિસને તાળા વાગી ગયા હતા અને આખોય પ્રોજેક્ટ ખોરંભે પડી ગયો હતો. આમ, ટુરિસ્ટ પ્લેસના નામે ભૂતકાળમાં કરોડોનો બેફામ વેડફાટ થયો હતો. અને એનો હિસાબ કોઈ માંગવા તૈયાર નથી. હવે, નવેસરથી વડોદરાને ટુરિસ્ટ પ્લેસ બનાવવાની વિચારણા થઈ રહી છે. આ વખતે પણ નવા રંગરૂપ અને યોજના સાથે નવા ખર્ચા ઉભા થશે અને પાછળથી એમાં શું થશે એ
વડોદરાનો નાનો બાળક પણ સારી રીતે જાણે છે.
વડોદરામાં ટુરિસ્ટોના આકર્ષણ માટે એક વખત વડોદરા દર્શન નામની એક ખાસ બસ તૈયાર કરવામાં આવી હતી. સુંદર, આકર્ષક અને અદભૂત કોન્સેપ્ટ સાથે વડોદરા દર્શન બસનાં પણ ખુબ વખાણ થયા હતા. મોટા-મોટા અહેવાલો પ્રકાશિત થયા હતા. અને એવુ ચિત્ર રજૂ કરવામાં આવ્યુ હતુ કે, હવે વડોદરા દર્શન બસમાં બેસવા માટે પર્યટકોની પડાપડી થશે અને એમાં એડવાન્સ બુકિંગ કરાવવુ પડશે. પણ થોડા જ દિવસમાં વડોદરા દર્શન બસના પૈડાં થંભી ગયા હતા અને ધીરેધીરે આખીય યોજનાની પણ હવા નીકળી ગઈ હતી. હાલમાં વડોદરા દર્શન બસ કાટમાળ બની ગઈ છે. અને સ્ટેશન વિસ્તારમાં ધૂળ ખાઈ રહી છે. વડોદરા દર્શન બસ પણ વડોદરાને ટુરિસ્ટ પ્લેસ બનાવવાનો એક પાર્ટ જ હતો. પણ એમાં શું થયુ એ આપણે સૌ જાણીએ છીએ. હવે, ફરી એકવાર વડોદરાને ટુરિસ્ટ પ્લેસ બનાવવાનો વિચાર થઈ રહ્યો છે પણ તેમાં વાસ્તવિકતામાં કોઈ નક્કર વાત જણાતી નથી.વડોદરાને ટુરિસ્ટ પ્લેસ બનાવવાની મથામણ કરવા કરતા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે વડોદરાને આપેલી ઐતિહાસીક ધરોહરની જાળવણી તરફ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે તો એની ખ્યાતિ આખાય વિશ્વમાં ફેલાય અને વડોદરાને ટુરિસ્ટ પ્લેસ બનાવવા માટે મહેનત ના કરવી પડે. આવી સુંદર અને ઐતિહાસીક ઈમારતોને જોવા અને એનો અભ્યાસ કરવા માટે દેશ-વિદેશથી મહેમાનો આવશે. હકીકતમાં વડોદરા પહેલેથી જ ટુરિસ્ટોના આકર્ષણનું કેન્દ્ર રહ્યુ છે. પણ અફસોસ આપણે એના ઐતિહાસીક વારસાને જાળવવામાં નિષ્ફળ રહ્યા છે અને તેને લીધે જ આપણે આપણી ખ્યાતિ અને પર્યટન ઉદ્યોગ બંને ગુમાવ્યા છે. વાસ્તવિકતામાં વડોદરાના શાસકો અને અધિકારીઓએ શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે ભેટમાં આપેલી ઈમારતો અને વ્યવસ્થાની જાળવણી કરવી જોઈએ. જેનાથી આપણે એની
સાચી ઓળખ પાછી મેળવી શકીએ.
વડોદરાને ટુરિસ્ટ પ્લેસ બનાવવાનો વિચાર હવે, વર્ચ્યુઅલ લાગે છે. આપણે જેવી રીતે કોઈ પ્રોજેક્ટનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન આપતા હોય તે રીતે વડોદરાને ટુરિસ્ટ પ્લેસ બનાવવાના પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તો ખુબ જ આકર્ષક હોય છે. જમીન પર એવું કશું હોતુ નથી. આવું આપણે વર્ષોથી જોતા આવીએ છીએ અને આવી કાલ્પનિક યોજનાઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચીને આખરે એને નિષ્ફળ થતા પણ જોઈ છે. હકીકતમાં વડોદરાને ટુરિસ્ટ પ્લેસ બનાવવા માટે એસી ઓફિસમાં બેસીને કશું વળવાનું નથી. એને માટે અધિકારીઓ અને સત્તાધીશોએ સૌથી પહેલા સ્વાર્થ, ઈર્ષા અને ભ્રષ્ટાચારને બાજુ પર મુકવો પડશે.
હવે વડોદરાને સ્માર્ટ સિટીનાં નવા સપનાં નહી બતાવો. મૂળ ગાયકવાડી વડોદરા પરત સ્થિતિમાં લઈ આવો તોય ઘણું છે.
ટીમ વડોદરા અને હેરિટેજ વડોદરાનાં બેનર નીચે રાજકારણ રમનારા નેતાઓ વડોદરાની જનતાને ગુમરાહ ન કરે
એક બસમાં શહેરના કોર્પોરેટરો, ધારાસભ્યો અને સાંસદને વડોદરા દર્શન કરાવવાની જરૂર છે. ગાયકવાડી મિલકતોની જર્જરીત પરિસ્થિતિ બતાવવાની જરૂર છે.બીજી બસમાં કમિશનર,ડે.મ્યુ.કમિશનર,આસિફ.મ્યુનિ.કમિશનર,વોર્ડ ઓફિસરો, ફ્યુચરિસ્ટિક ડિપાર્ટમેન્ટ, હેરિટેજ સેલ,સ્માર્ટ સિટીના ડાયરેક્ટરો,ટીડીઓ,તમામ વિભાગીય વડાઓને વડોદરા દર્શન કરાવવાની જરૂર છે. જેથી શહેરની સાચી પરિસ્થિતિનો તેમને ખ્યાલ આવેવડોદરા દર્શનની ખખડધજ બસનાં દર્શન કરવા હોય તો સ્ટેશન વિસ્તારમાં જઈને ખૂણા ખાંચરામાં આ બસને શોધી કાઢવી
Reporter: admin







