વોશિંગ્ટન: મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે હાલ યુદ્ધવિરામ ચાલી રહ્યું છે, જે આગામી સપ્તાહે પૂરું થઈ રહ્યું છે.
જોકે, આ પહેલાં જ અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એક વખત ઈસ્લામાબાદમાં સોમવારે બીજા તબક્કાની ચર્ચા થવાની સંભાવના છે તેમ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું. આ સાથે તેમણે ચેતવણી પણ આપી છે કે ઈરાન હવે ડીલ નહીં કરે તો તેના બધા જ પુલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ખાત્મો બોલાવી દઈશું. બીજીબાજુ ઈસ્લામાબાદમાં સોમવારે શાંતિ મંત્રણા અંગે ઈરાને કોઈ સ્પષ્ટતા કરી નથી. વધુમાં પ્રમુખ મસૂદ પેઝેશકિયાને ટ્રમ્પને જવાબ આપ્યો છે કે ઈરાન પરમાણુ અધિકારો અંગે કોઈ પ્રકારની સમજૂતી નહીં કરે.
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી શાંતિ મંત્રણાની સંભાવનાઓના પગલે સોમવારે વૈશ્વિક સ્ટોક માર્કેટ અને ક્રૂડ બજાર પર મોટી ઉથલ-પાથલ થવાની શક્યતા છે.અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને શાંતિ મંત્રણા માટે તેમની શરતો માનવા માટે બુધવારની ડેડલાઈન આપી હતી. હવે તેમણે જણાવ્યું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે સોમવારે ઈસ્લામાબાદમાં બીજા તબક્કાની ચર્ચા થશે. જોકે, આ શાંતિ મંત્રણા માટે કોણ જશે અને કોણ નહીં તે અંગે ટ્રમ્પ અથવા વ્હાઈટ હાઉસે કોઈ માહિતી આપી નથી.
Reporter: admin







