અમદાવાદ : 1982થી 1999ના ગાળામાં ખરીદેલા મકાન અત્યારે વેચીને સામેથી તેની સ્ટેમ્પ ડ્યૂટી ભરવા જાય તો તેમની પાસેથી ગુજરાત સ્ટેમ્પ ડ્યૂટી અધિનિયમ 1958ની કલમ 40 પ્રમાણે સ્ટેમ્પ ડ્યૂટી વસૂલી લેવાને બદલે નાયબ સ્ટેમ્પ ડ્યૂટી કલેક્ટર એક્ટની કલમ 33 લગાડીને તેમની પાસેથી સ્ટેમ્પ ડ્યૂટી અને તેના પર 300 ટકાનો દંડ પણ વસૂલી રહ્યા છે.
જેના પરિણામે જૂના મકાન વેચનારાઓ પર સ્ટેમ્પ ડ્યૂટીનો અકલ્પનિય બોજો આવી રહ્યો છે. છતાં સરકાર આ વસૂલી અટકાવવા તૈયાર ન હોવાથી કાયદાના કેટલાક જાણકારો આ નિર્ણયને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવાનો વિચાર કરી રહ્યા છે. કારણ કે ગુજરાત સરકારનું આ વલણ સદંતર ખોટું જ છે. ગુજરાત સ્ટેમ્પ ડ્યૂટી અધિનિયમ 2025ની કલમ 39(1) અને કલમ 39(2)માં કરવામાં આવેલા સુધારા પ્રમાણે પાછલી મુદતથી સ્ટેમ્પ ડ્યૂટી વસૂલી શકાતી નથી. છતાં દંડની વસૂલી કરે છે.
કાયદા નિષ્ણાંતોનું કહેવું છે કે, સ્ટેમ્પ ડ્યૂટી જે તે વર્ષના દર પ્રમાણે વસૂલ કરવામાં આવે છે તો પેનલ્ટી અત્યારના સુધારા પ્રમાણે વસૂલી શકાય જ નહીં. 1982માં બજાર કિંમત નક્કી કરવાનો કાયદો પણ નહોતો. 1984માં બજાર કિંમત નક્કી કરવાનો કાયદો આવ્યો હતો. તેમ જ જંત્રી 1999થી અમલમાં આવી છે. આ સંજોગમાં 1984થી 1999ના ગાળાના મિલકતના ભાવ કઈ રીતે નક્કી કરવામાં આવી રહ્યા છે તે પણ એક સવાલ જ છે.
Reporter: admin







