વડોદરા માટે ન્યાય અને અન્યાયના માપદંડો છેક સુરસાગર હોડી હોનારતના સમયથી જુદાં છે..એકાદ બે જણને પકડીને સજા કરાવી દો, એટલે બધું ભયોભયો.વડોદરામાં સુરસાગરમાં થયેલી હોડી હોનારતથી આ પરંપરા અટલ રીતે સ્થાપિત છે,લેક ઝોનની હોડી હોનારત સુધી આ પરંપરાને ઉની આંચ આવી નથી. કોઈએ તોડી નથી. વડોદરાના આજવામાં આજથી વર્ષો પહેલા એક મનોરંજન મેળો એટલે કે ફન પાર્ક હતો.કદાચ ગુજરાતમાં આ મનોરંજન સુવિધાની શરૂઆતનો એ સમય ગાળો હતો.એ સમયે આજવાની આ સુવિધા હેઠળની એક રાઇડ તૂટી પડતાં એક યુવા સિવિલ ઇજનેર અને બિલ્ડરનું અવસાન થયું હતું અને કેટલાક લોકો ઘાયલ થયા હતા.
કદાચ આ પ્રકારની સુવિધાઓ માં જીવલેણ અકસ્માતની આ પહેલી ઘટના હતી.જો તે સમયે આ ઘટનાની ગંભીરતા નોંધીને યોગ્ય નિયમો ઘડાયા હોત તો લેક ઝોન અને ગેમ ઝોન ની કરુણતા ના સર્જાઈ હોત પણ સત્તામાં કોઈપણ પક્ષ હોય, વિવિધ કારણોસર એ શિથિલતા દાખવે છે.એને વ્યવહારુ વલણ ગણીને માન્યતા આપવામાં આવી છે એટલે શોષવાનું આમ જનતાએ જ છે.રાજકોટમાં સરકારે દોષિતો સામે શરૂથી જ કડકાઈ દાખવી છે એ આવકાર્ય છે.દોષિતોની શ્રેણી હોય છે.સીધા કે પહેલી હરોળના દોષિતો,બીજી હરોળના દોષિતો કે જે પહેલી હરોળ વાળાની મનમાની સામે આંખ મીંચામણાં કરે છે અને ત્રીજી હરોળના દોષિતો જે બીજી હરોળ વાળા બધું ઉચિત જ કરશે એવો અંધ વિશ્વાસ,મોટેભાગે ઇરાદાપૂર્વક રાખે છે.રાજકોટ ઘટનામાં પહેલીવાર ત્રણેય હરોળને હાલ પૂરતી સકંજા માં લેવામાં આવી છે.બીજી કે ત્રીજી હરોળ ને કેટલી સજા ભોગવવી પડશે કે થોડી હાલાકી ભોગવી એ લોકો છૂટી જશે એ હાલમાં કશું કહી શકાય.રાજકોટમાં ગેમઝોનાં અગ્નિકાંડની તપાસમાં શરૂથી જ કડકાઈ દેખાઈ રહી છે જ્યારે વડોદરાના હરણીનાં લેક ઝોનમાં ઘટના સ્થળેથી જ આરોપીઓ ભાગી ગયા,તમામ અધિકારીઓને બચાવતા રહ્યા. એના કેટલાક કારણો છે.એક તો સૌરાષ્ટ્રના લોકો વધુ વાચાળ છે,નિર્ભય બનીને મેદાનમાં ઉતરી શકે છે.બીજું કે આ દુર્ઘટનામાં ભોગ બનેલા બળીને ભસ્મ થઈ ગયા એટલે કરપીણ કરુણતા ઉમેરાઈ છે.આજે લગભગ ત્રણ દિવસ થવા આવ્યા છતાં બધા મૃતદેહો પરિવારોને મળ્યા નથી.એમની વેદનાનો પાર નથી. એટલે સરકારે કડક બન્યા વગર છૂટકો નથી.સમગ્ર ગુજરાતમાં આક્રોશ છે.વડોદરામાં બધું ૧૫ કે ૨૦ કલાકમાં પૂરું થયું. અહીં અરેરાટી વ્યક્ત કરનારા હતા પણ લડવૈયા ન હતા.એટલે વડોદરામાં સીધા દોષિતો જ ઝડપાયા.રાજકોટ ગેમ ઝોનની એક ચોંકાવનારી તસવીર છપાઈ છે.જેમાં તત્કાલીન મ્યુ.કમિશનર,એસ.પી.,કલેકટર જેવા ઉચ્ચ અધિકારીઓ આ મહાભારતના લાક્ષાગૃહ જેવા ગેમ ઝોનમાં સન્માન સ્વીકારતા અને આનંદ પામતા જોઈ શકાય છે.આ બધા ખૂબ અનુભવી અધિકારીઓ હતા એક નજરમાં ભયાનક જોખમનો અહેસાસ તેમને આવી જ જાય.આ જગ્યા કાયદેસર છે કે ગેરકાયદેસર એવી શંકા આ મોટા અમલદારોને જાણ હતી. છતાં આંખ આડા કાન થયાં એટલે ગેમ ઝોન સુધી વાત વધી.એટલે આ અમલદારોને ભીંસમાં લીધા વગર છૂટકો નથી.
વડોદરાના અમલદારો-નેતાઓ- પોલીસ અધિકારીઓ લેક ઝોનમાં મોજ માણતા અને સન્માન સ્વીકારતી તસવીરો છે.વડોદરાના અમલદારો-નેતાઓ- પોલીસ અધિકારીઓ લેક ઝોનમાં મોજ માણતા અને સન્માન સ્વીકારતી તસવીરો છે. છતાં, તપાસ એમની ટીમને જ સોંપવામાં આવી.એમની નિષ્ઠા ઉપર શંકા થાય તે સ્વભાવીક છે.તપાસ સ્વીકારવાનો એ અધિકારીઓએ જાતે જ ઇનકાર કર્યો હોત તો વધુ ઉત્તમ ગણાત. રાજકોટને લીધે મામલો ગુંચવાયો.એટલે હવે વડોદરામાં પણ બીજી અને ત્રીજી હરોળ ને સકંજામાં લેવામાં આવી રહી છે,બલ્કે એમ કહેવું પડે કે એવું કર્યા વગર છૂટકો જ નથી.પણ અદાલતની કડકાઈ આગળ ઝૂકવું પડ્યું છે.લેક ઝોનનો આખો સોદો એને શિષ્ટ ભાષામાં કરાર કહેવાય એ પહેલી નજરે જ ગોબાચારીવાળો હતો.તો પણ ઘી ના ઠામમાં ઘી પડ્યું.એ જે પણ હોય હાલમાં તો લગભગ બીજી અને ત્રીજી હરોળના વહીવટી અને પોલીસ સહિતના અધિકારીઓએ થોડું તો થોડું પણ કષ્ટ વેઠવું તો પડશે. આગે આગે દેખો હોતા હૈ ક્યા..હાલનાં મ્યુનિસિપલ કમિશનર,તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર, તત્કાલીન પોલીસ કમિશનર, હાલનાં ડીસીપી, પણ હોડીકાંડનાં મુખ્ય આરોપીનાં દરબારમાં હાજરી ભરાવી ચુક્યા છે.સત્યને સૌએ સ્વીકારવું જ પડે ભાજપના નેતાઓનો તો મુખ્ય આરોપીને ત્યાં મેળો થતો. લેક ઝોનમાં તથા અન્ય જગ્યા ઉપર અનેક વખત મુખ્ય આરોપીએ ભાજપના નેતાઓને અનેક વાર બોલાવ્યા છે.સંગઠનનાં હોદ્દેદારો,ધારાસભ્યો,સાંસદ વિ.સાથે મુખ્ય આરોપીનો ઘરોબો હતો.આરોપીઓનું લાયસન્સ પાવરફૂલ હતું.તપાસ થાય તો ચોંકાવનારી હકીકત બહાર આવે તેમ છે. રાજ્યકક્ષાએથી નવી એસઆઇટી જો મુકાય તો તપાસ નાં મૂળમાં જઈ અનેક રહી ગયેલા આરોપીઓની ધરપકડ થાય તેમ છે. ભોગ બનેલા પૈકીના એકે એન્ટીકરપ્શન બ્યુરોને તથા વડોદરા પોલીસ કમિશનરને અલગથી ભ્રષ્ટાચાર બાબતની પણ ફરિયાદ આપી છે.વડોદરા પાલિકાનાં બાંધકામ પરવાનગી શાખાનાં અધિકારીઓ સેટિંગ માટે વખણાય છે.ફક્ત નોટીસો આપીને પ્રજાને બેવકૂફ બનાવાય છે.જ્યારે અમદાવાદ સુરત રાજકોટમાં મિલકતોને સીધી સીલ કરાય છે. CGDCRનાં નિયમો દરેક શહેરમાં લાગુ પડાય છે. ઈન્સપેક્શન બાદ જો બેદરકારી કે ગેરકાયદેસર બાંધકામ જણાય તો તે મિલકત ઉપર સીલ મારવામાં આવે છે વડોદરામાં ફક્ત નોટિસ આપીને સેટીંગ કરીને તગડી રકમ પડાવાય છે.ફાયર એનઓસી માટે પણ વચેટીયાને ચોક્કસ રકમ આપવી પડે છે. જો તગડી રકમ તમે આપો તો ઘરે બેઠા ફાયર એનઓસી તમને મળી જાય છે ક્યાંય તમને ધરમ-ધક્કા થતા નથી. આજે જે જે કોમર્શિયલ મિલકતોને નોટિસો અપાઈ તેમાં,ફાયરનાં નિયમોનું પાલન કર્યું ન હતું.તો પછી માત્ર સીલ કેમ નહી ? નોટીસ આપીને ભ્રષ્ટાચારનાં દરવાજા ખોલવામાં આવી રહ્યા છે.
Reporter: News Plus