News Portal...

Breaking News :

લાતો કે ભૂત બાતો સે નહી માનતે..કોર્પોરેટરે ઉધડો લઇ લેતા આખરે મહા નાળાની સફાઇ શરુ

2025-03-26 11:08:14
લાતો કે ભૂત બાતો સે નહી માનતે..કોર્પોરેટરે ઉધડો લઇ લેતા આખરે મહા નાળાની સફાઇ શરુ


છેલ્લા 30 વર્ષથી સફાઇ થઇ ન હતી તે મહાનગર નાળાની સફાઇ શરૂ કરવામાં આવી..
વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં પોતાના વિસ્તારમાં આવેલા મહા નાળાની સફાઇ કરવા બાબતે કોર્પોરેટર આશિષ જોશીએ કમિશનરનો ઉધડો લઇ લીધો હતો. આ બેઠકમાં મહાનગર નાળા બાબતે કોર્પોરેટર આશિષ જોશી અને કમિશનર વચ્ચે ઉગ્ર દલીલો થયા બાદ મંગળવારે તેના તીવ્ર પ્રત્યાઘાત પડ્યા હતા અને કોર્પોરેશન દ્વારા મહાનગર નાળાની સફાઇ શરુ કરાઇ હતી. સભા બાદ મેયર અને ડેપ્યુટી મેયરે મહાનગર કાંસ સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું હતું. દરમિયાન આજથી નાળાની સફાઇ શરૂ કરવામાં આવી હતી. આ અંગે કાઉન્સિલરે જણાવ્યું હતું કે, ઉગ્ર રજૂઆત બાદ છેલ્લા 30 વર્ષથી સફાઇ થઇ ન હતી તે મહાનગર નાળાની સફાઇ શરૂ કરવામાં આવી છે.



સોમવારે મળેલી પાલિકાની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ પોતાના વિસ્તારમાં આવેલ મહાનગર કાંસમાં વહેતા પાણીનો નિકાલ થતો ન હોવાની રજૂઆત કરી હતી. આ રજૂઆત દરમિયાન કાઉન્સિલર અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે તડાફડી થઇ ગઇ હતી. કાઉન્સિલર આશિષ જોષીની ઉગ્ર રજૂઆતને પગલે સભા મુલતવી કરી દેવામાં આવી હતી. સભા પૂરી થયા બાદ મેયર પિન્કી સોની અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ મહાનગર કાંસ સ્થળે દોડી ગયા હતા અને સ્થળ સ્થિતિની જાણકારી મેળવી હતી. માહિતી મેળવ્યા બાદ પાલિકાના સંબંધિત વિભાગોને મહાનગર કાંસની સફાઇની કામગીરી શરૂ કરવા સૂચના આપી હતી. દરમિયાન આજે મંગળવારે જેસીબી દ્વારા મહાનગર કાંસમાથી કચરો કાઢવાની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવી હતી. કોર્પોરેશનના મશીનો દ્વારા ટ્રકો ભરાય તેટલો કચરો આ કાંસમાંથી બહાર કઢાયો હતો. સોમવારે સવારથી શરુ થયેલી કામગિરી સાંજ સુધી ચાલુ રહી હતી અને ગટર બની ગયેલા નાળામાંથી નીકળેલા કચરાનો ડુંગર સ્થળ પર જોવા મળ્યો હતો. છેલ્લા 30 વર્ષથી જ્યારે આ નાળાની સફાઇ જ ના કરાઇ હોય તો પછી આ વિસ્તારમાં ચોમાસામાં ખરાબ હાલત થાય તે સ્વાભાવિક છે. આ નાળામાં ભરેયેલા કચરાના કારણે આ વિસ્તારમાં ડ્રેનેજના પાણી પણ બેક મારી રહ્યા છે. સ્થાનિક લોકોને પડતી અગવડો માટે કોર્પોરેટર આશિષ જોશીએ આખરે પોતાનો પરચો બતાવતા કોર્પોરેશને સીધી લાઇનમાં આવીને કામગિરી શરુ કરી દીધી હતી.



રજૂઆતો વગર પાલિકામાં કામ થતા નથી...
એક નાળુ સાફ કરવાવવા માટે 3 મહિના કોર્પોરેશનમાં વિનંતી કરવી પડે તે શરમજનક છે. સ્માર્ટ સિટીના નામે સુએઝ પંપનું પાણી વરસાદી કાંસમાં છોડે તે કેટલું વ્યાજબી છે. આખા વિસ્તારનું પાણી આ નાળામાં જાય છે અને તેના કારણે ડ્રેનેજ પણ બેક મારે છે, 30 વર્ષથી આ નાળુ સાફ કરાયું જ ન હતું, રાત્રે જ મેયર અને ડે.મેયર આવ્યા હતા અને આજથી મહાનગર નાળું સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા 30 વર્ષથી આ નાળું સાફ કરવામાં આવ્યું ન હતું. કોના ઇશારે આ કામગીરી કરવામાં આવતી ન હતી તે તપાસનો વિષય છે, પરંતુ એક વાત નક્કી છે કે, રજૂઆત વગર પાલિકા દ્વારા કામ કરવામાં આવતું નથી તે આજથી મહાનગર નાળું સાફ કરવાની શરૂ કરવામાં આવેલી કામગીરીથી સાબિત થાય છે. નાળાની સફાઇ સાથે પમ્પ પણ મૂકવામાં આવ્યો છે. જે અંગે છેલ્લા ત્રણ માસથી રજૂઆત કરતો હતો.

આશિષ જોશી, કોર્પોરેટર

આજે માત્ર સફાઇનું કામ શરુ કર્યું છે પણ એન્જિનીયરીંગને લગતું કામ 15 દિવસ પછી શરુ થશે...
ગઇ કાલે મે વાત કરી હતી કે મહા નાળુ આગળ રુપારેલને મળે છે રુપારેલ કાંસ જાંબુઆ નદીમાં મળે છે. મહા નાળાને સફાઇ કરવા પુશીંગ કરી પાઇપ મુકવાની જરુર છે. તેનું ટેન્ડર પ્રોસેસમાં છે. ટેન્ડર ફાઇનલ થયા બાદ 15 દિવસ બાદ કામ શરુ થશે. એપ્રીલ એન્ડ કે મેના પહેલા સપ્તાહમાં આ કામ પુરુ થશે. મહા નાળુ પહોળુ કરવાની કામગિરી કરવાની સાથે હાઇવે સમાંતર એક કાંસ પણ બનાવાશે જેથી મહાનાળાનું લેવલ નીચે આવશે. વોર્ડ નંબર 16થી પણ રજૂઆત હતી કે કવર્ડ ચેનલ તોડવાની છે અને તેના ટેન્ડર પણ આવી ગયા છે. દોઢ માસમાં તે કામગિરી પણ શરુ થશે. બધી જ કામગિરી કરાશે. મહાનાળામાં આજે અમે કામ ચાલુ કર્યું નથી. ખાલી સફાઇની રુટીન કામગિરી હાલ કરાઇ રહી છે પણ એન્જિનીયરીંગની કામગીરી 15 દિવસ પછી શરુ થશે. 
દિલીપ રાણા, કમિશનર

Reporter: admin

Related Post