મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ઉદ્ઘાટન

હાઉસ ઓફ હ્યુમેનિટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દીકરીઓના સર્વાંગી વિકાસ માટે "પ્રોજેક્ટ સિતારે" નો આરંભ કરવામાં આવ્યો છે. રાજ્યની મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રોજેક્ટ અંતર્ગત 6 થી 18 વર્ષની વયની દીકરીઓને નિવાસી વ્યવસ્થા સાથે ગુણવત્તાપૂર્વકનું શિક્ષણ, સંતુલિત આહાર, આરોગ્યની સંભાળ, ભાવનાત્મક આધાર તેમજ લાઇફ સ્કિલ ટ્રેનિંગ આપવામાં આવશે. શરૂઆતમાં અહીં 25 દીકરીઓને દાખલ કરવામાં આવી રહી છે.પ્રોજેક્ટની વિશેષતા એ છે કે અહીં દીકરીઓને માત્ર ઘર પૂરતું નથી, પરંતુ તેમના લગ્ન કે આત્મનિર્ભરતા સુધી તાલીમ અને માર્ગદર્શન પણ આપવામાં આવશે. તેઓ પોતાના સપનાઓ મુજબ ડોક્ટર, વકીલ, શિક્ષક કે કલાકાર બની શકે એવી શક્તિ તેઓમાં નિર્માણ થશે.

આ પ્રોજેક્ટ ગુજરાત સરકારના સમાજ સુરક્ષા વિભાગ હેઠળ Children for Girls Shelter તરીકે રજીસ્ટર થયેલું છે અને રાજ્યના માર્ગદર્શન સિદ્ધાંતોને અનુસરીને સુરક્ષા, પુનર્વસન અને બાળ વિકાસના સર્વોચ્ચ ધોરણ મુજબ સંચાલિત થશે.હાઉસ ઓફ હ્યુમેનિટી ટ્રસ્ટના પ્રમુખ હર્ષ રાવેએ જણાવ્યું કે, “પ્રોજેક્ટ સિતારે માત્ર એક ઘર નથી, તે દરેક દીકરી માટે સ્વમાન અને આત્મવિશ્વાસથી ભરેલું ભવિષ્ય ઘડવાનો પ્રયાસ છે.”આ પ્રસંગે વિધાનસભાના દંડક બાલુભાઈ શુકલ, ધારાસભ્ય ચૈતનભાઈ દેસાઈ, મણીષાબેન વકીલ, કેયુરભાઈ રોકડિયા, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ શહેર ભાજપ પ્રમુખ તેમજ પ્રોજેક્ટના સલાહકારો તેજલ અમીન, રુચા શુક્લા, ડૉ. કાનન પારીખ અને શમન ગ્રેવાલ તેમજ શહેરના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.



Reporter:







