News Portal...

Breaking News :

હોટલ સયાજીનું પ્રદૂશિત કરતૂત, પવિત્ર વિશ્વામિત્રીમાં ગંદુ પાણી છોડીને અભડાવાનો પ્રયાસ

2025-02-06 10:35:41
હોટલ સયાજીનું પ્રદૂશિત કરતૂત, પવિત્ર વિશ્વામિત્રીમાં ગંદુ પાણી છોડીને અભડાવાનો પ્રયાસ


વિશ્વામિત્રી દુષિત અને ગટરગંગા કેમ બની ગઇ છે તેનો વધુ એક પુરાવો આજે જોવા મળ્યો છે. શહેરના પારસી અગિયારીની સામે આવેલી હોટલ સયાજીમાંથી બિન્દાસ્ત બેરોકટોક રીતે દુષિત પાણી પાઇપ લાઇન મારફતે વિશ્વામિત્રીમાં ઠલલાઇ રહ્યું છે અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 


એક તરફ વિશ્વામિત્રી નદીનું ડિસિલ્ટીંગ કરી તેને સાફ, ઉંડી અને પહોળી કરવાનું કાર્ય કરોડો રૂપિયાના ખર્ચે હાથ પર લેવામાં આવ્યું છે. અને બીજી તરફ વિશ્વામિત્રી કિનારે બનેલી વૈભવી હોટલો દ્વારા દુષિત પાણીનો નિકાલ નદીમાં કરવામાં આવી રહ્યો છે. પાલિકાની પણ ઘોર બેદરકારી આ બનાવમાં બહાર આવી છે અને હોટલ સયાજીની આ કરતૂત સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. વિશ્વામિત્રીએ હવે ગંદકી અને ખાબોચીયાનું સ્વરુપ લઇ લીધું છે કારણ કે નદી કિનારે આવેલી આવી હોટલો જ્વારા તેમની હોટલનું દુષિત પાણી વિશ્વામિત્રીમાં જ છોડવામાં આવી રહ્યું છે. ગંદકીના થર વિશ્વામિત્રીમાં જામી ગયા છે અને જ્યારે ચોમાસામાં પૂર આવે છે ત્યારે નદીનું પાણી શહેરભરમાં ફરી વળે છે. ગત વર્ષે આવેલા પૂર સમયે ખુદ તંત્ર એવો હૂંકાર કર્યો હતો કે નદીની આસપાસ જે પણ ગેરકાયદેસરના દબાણો છે તેને તોડી દેવાશે પણ તેમાં આખું વડોદરા જાણે છે કે સયાજી હોટલનો અને દર્શનમનો સમાવેશ કરાયો ન હતો. ગત વર્ષે નદીમાં પૂર આવવાના કારણે નદીને પહોળી, સાફ, અને ઉંડી કરવાનું કામ હાથ પર લેવામાં આવ્યું છે. વિશ્વામિત્રી નદીમાં પૂર નિવારણ માટેના પગલાં ભરવા તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ટેન્ડરીંગ પ્રક્રિયા કરવામાં આવી રહી છે. દરમિયાન આજે અત્યંત ચોંકાવનારી માહિતી સામે આવી છે. શહેરના ભીમનાથ બ્રિજ પાસે આવેલી સયાજી હોટલમાંથી પાઇપ મુકીને દુષિત પાણીનો નિકાલ વિશ્વામિત્રી નદીમાં કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાના વીડિયોમાં બે પાઇપો મુકીને દુષિત પાણી વિશ્વામિત્રી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે.એક તરફ નદીનું પ્રદુષણ જળચર જીવો માટે જીવનું જોખમ ઉભુ કરી રહ્યું છે. તો બીજી તરફ વિશ્વામિત્રી કાંઠે આવેલા મોટી હોટલ દ્વારા સીધો જ વિશ્વામિત્રી નદીમાં દુષિત પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. આ પાણી જ્યાંથી નદીમાં ઠલવાઇ રહ્યું છે, ત્યાં પાસે જ પાણીમાં ફીણ જોવા મળી રહ્યું છે. જે પાણી દુષિત હોવા તરફનો સંકેત આપે છે. આજથી બે દિવસ માટે વિશ્વામિત્રી નદીમાં મગરની ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. તે દરમિયાન આ ઘટના સપાટી પર આવવા પામી છે. આ જોઇને પ્રાણીપ્રેમીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. હવે આ મામલે પાલિકા તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. બે પાઇપ દ્વારા હોટલનું પાણી ઠલવાઇ રહ્યું છે..આમ તો કોઇની નજરમાં ના આવે તે રીતે હોટલ સયાજી દ્વારા 2 પાઇપો મૂકીને હોટલનું દૂષિત પાણી વિશ્વામિત્રીમાં છોડવાની કરતૂતો કરેલી હતી. જો કે આજે જ્યારે મગરની ગણતરી કરવા માટેની ખાસ ટીમ સયાજી હોટલની પાછળની તરફ ગઇ હતી ત્યારે મીડિયા પણ તેમની સાથે હતું અને મીડિયાના ધ્યાનમાં આવ્યું કે હોટલ સયાજી દ્વારા દૂષિત પાણી છોડાઇ રહ્યું છે. જો મગરની ગણતરીની પ્રક્રિયા ના થઇ રહી હોત તો કદાચ હોટલ સયાજીનું આ કરતૂત ક્યારેય બહાર ના આવત. જો પાલિકાને જાણ થઇ પણ ગઇ હોત તો શું એક્શન લેવાત એ પણ બધાને ખબર છે. પાર્કીંગના મામલે અગાઉ પણ હોટલ સયાજી વિવાદમાં આવેલી છે ત્યારે દૂષિત પાણી ઠાલવવા બદલ સયાજી હોટલને મોટો દંડફટકારીને સીલ મારવામાં આવશે કે કેમ તેની શહેરભરમાં ચર્ચા ચાલી રહી છે. હોટલ સયાજીની દિવાલ પણ ગેરકાયદેસર છે..


વિશ્વામિત્રી નદીને દૂષિત કરવાનું ઘોર પાપ કરી રહેલી હોટલ સયાજીની દિવાલ પણ ગેરકાયદેસર છે અને આ મામલે કોર્પોરેટરે પાલિકાના કમિશનરને પત્ર પણ લખેલો છે પણ અગમ્ય કારણોસર આ મામલે કોઇ જ પગલાં લેવાયા નથી. ગેરકાયદેસર દિવાલ ચણીને હોટલ સયાજીના સંચાલકોએ પાલિકાને પડકાર ફેંક્યો છે કે જે થાય તે કરી લો અને પાલિકા પણ તેની સામે મિંદડી મ્યાઉં બનીને બેસી ગઇ છે. શહેરમાં સામાન્ય માણસોના ગેરકાયદેસર દબાણ હટાવવા બુલડોઝર લઇને પહોંચી જતા પાલિકાના અધિકારીઓ હોટલ સયાજીની દાદાગીરી સામે ઝૂકી ગયા છે અને તેથી જ તેમણે હિંમત કરીને દૂષિત પાણીઁ ઠાલવવાનું શરુ કર્યું છે કારણ કે તેમને ખબર છે કે તેમું કોઇ કશું ઉખાડી શકવાનું નથી. પાલિકા અને જીપીસીબી પણ હોટલ સયાજીની દાદાગીરી સામે લાચાર..હોટલ સયાજી દ્વારા એનજીટીના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે પણ પાલિકા અને જીપીસીબી દ્વારા હોટલ સયાજીને છાવરવામાં આવી રહી છે. હોટલ સયાજીના સંચાલકો પાલિકા અને જીપીસીબીને ઘોળીને પી ગયા છે અને કોઇને ગાંઠતા નથી તે વાત ચોક્કસ છે. પાલિકા દ્વારા વિશ્વામિત્રી શુદ્ધીકરણ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે અને વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત હવે નદીમાંથી સફાઇ કરીને નદીને પહોળી કરવાનું આયોજન કરાયું છે પણ હોટલ સયાજી જેવા તત્વો પાલિકાના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવી રહ્યા છે. મુખ્યમંત્રી જાતે વડોદરાના લોકોને પૂરની સ્થિતીમાંથી રાહત મળે તે માટે પ્રયાસો કરીને વિશ્વામિત્રી પ્રોજેક્ટનો અમલ કરાવી રહ્યા છે પણ હોટલ સયાજી દ્વારા આ પ્રકારે બિન્ધાસ્ત બનીને દૂષિત પાણી ઠાલવીને નદીને વધું ગંદી બનાવી રહ્યા છે ત્યારે પાલિકાએ હવે ઉંઘ ઉડાડવી પડશે. પાલિકાએ પણ વિશ્વામિત્રી દબાણ તોડવાનું નાટક કર્યું... વડોદરા શહેરમાં જ્યારે પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી ત્યારે વડોદરા શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી હતું. લોકોના ઘરોમાં પણ ચાર-પાંચ દિવસ સુધી પાણી ઉતર્યું ના હતું. ત્યારે શહેરીજનોએ તંત્ર પર માછલા ધોયા હતા. જોકે બધા જાણે જ છે કે આ પૂર કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત હતું. ત્યારે પાલિકા દ્વારા માત્ર દબાણ તોડવાનું નાટક કરવામાં આવ્યું હતું. જે પણ વિશ્વામિત્ર ની પટની આજુબાજુ ગેરકાયદેસર દબાણ હશે તે તોડવામાં આવશે. પાલિકાએ માત્ર 13 ને નોટીસ આપીને નાગરિકોના આંખોમાં ધૂળ નાખે તેવું કામ કર્યું હતું. ત્યારબાદ પાલિકા તંત્ર એ કોઈપણ પ્રકારની કામગીરી કરી ન હતી. હવે જોવાનું છે કે આ ચોમાસામાં પાલિકા કયા પ્રકારની કામગીરી કરે છે. ફરી શહેરમાં પૂરના આવે તેના માટે શું કામગીરી પાલિકા તંત્ર કરશે એ જોવાનું રહ્યું. આવા ગેરકાયદેસર દબાણોના કારણે જ શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે. નેતાઓ બિલ્ડરો અને માલે તુજારે  ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલા છે. જો મોટી મોટી બિલ્ડીંગ, સાઈટો, બંગલાઓને હોટલો આવેલી છે. પાલિકા હવે આ દબાણો ક્યારે તોડશે? હોટલ સયાજીનું ડ્રેનેજ કનેક્શન કાપી સીલ કરવા કોર્પોરેટરની માગ શહેરના ભીમનાથ બ્રિજ પાસે આવેલી હોટલ સયાજીના સંચાલકોએ વિશ્વામિત્રીમાં ડ્રેનેજનું પાણી ખુલ્લેઆમ છોડીને નદીમાં રહેતા જળચર પ્રાણીઓને નુકશાન કરવાની સાથે નદીને પ્રદૂષિત કરી હોવાથી હોટલ સયાજીનું ડ્રેનેજનું કનેક્શન તત્કાલીક કાપી નાખીને હોટલને સીલ કરવાની માગ સાથેનો પત્ર કોર્પોરેટર જાગૃતિબેન કાકા દ્વારા કરવામાં આવી છે, તેમણે આ મુદ્દે કમિશનરને પત્ર લખીને જાણ કરી છે. આ સાથે હોટલ પણ ગેરકાયદેસર હોવાથી તેને તોડવાની કાર્યવાહીની માગ કરી છે અને હોટલના સંચાલકો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે.

Reporter: admin

Related Post