દુબઈ : ટી-૨૦માં વર્લ્ડ ચેમ્પિયન અને વર્લ્ડ નંબર વન તરીકેના બેવડો તાજ ધરાવતું ભારત આજે રવિવારે એશિયા કપ ટી-૨૦ના હાઈવોલ્ટેજ ફાઈનલ જંગમાં પાકિસ્તાન સામે વધુ એક વખત એકતરફી જીત હાંસલ કરવાના ઈરાદા સાથે ઉતરશે.
સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળ ભારતે ટુર્નામેન્ટની અગાઉની બે લીગ મેચમાં પાકિસ્તાનને પરાસ્ત કર્યું હતુ. ભારત હવે જીતની હેટ્રિક સર્જવાની સાથે એશિયા કપમાં ચેમ્પિયન બનવા માટે પ્રબળ દાવેદાર મનાય છે. જ્યારે ભારત સામેની સતત બે હારથી હતાશ પાકિસ્તાનની ટીમની સામે વધુ નાલેશીને અટકાવવાનો મોટો પડકાર સર્જાયો છે. એશિયા કપ-૨૦૨૫માં ગૂ્રપ સ્ટેજ અને સુપર ફોરમાં કુલ મળીને છ મુકાબલા જીતી ચૂકેલી ભારતીય ટીમ હવે વધુ એક વિજયની સાથે ટ્રોફી પર પોતાનું નામ અંકિત કરાવવા માટે થનગની રહી છે. યુવા અને અનુભવી ખેલાડીઓનું જબરજસ્ત કોમ્બિનેશન ધરાવતી ટીમ ઈન્ડિયાના વિજયરથને અટકાવવો પાકિસ્તાન માટે અત્યંત દુષ્કર બની રહેશે. શ્રીલંકા સામેની સુપર ફોરની આખરી મેચને બાદ કરતાં ભારત માટે બાકીના મુકાબલા જીતવા ખુબ જ આસાન રહ્યા હતા. એક તરફ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ સાતત્યભર્યા દેખાવ સાથેે ટી-૨૦માં સુપરપાવર તરીકેનો દબદબો પ્રસ્થાપિત કર્યો છે. જ્યારે બીજી તરફ પાકિસ્તાનનું ઘોર પતન થયું છેે. આઇસીસીના વર્લ્ડ રેન્કિંગમાં ભારત ટોચ પર છે, જ્યારે પાકિસ્તાન છેક સાતમા ક્રમે છે. આ જ કારણે ફાઈનલ મુકાબલો પણ એક તરફી જ રહેશે તેવું ચાહકો માની રહ્યા છે. ભારતની ધરખમ બેટિંગ લાઈનઅપમાં સામેલ અભિષેક શર્માની સાથે ગિલ તેમજ તિલક વર્મા તેમજ હાર્દિક અને અક્ષર પટેલે નિર્ણાયક દેખાવ સાથે ફોર્મ દેખાડયું છે.
જ્યારે બોલિંગમાં સુપરસ્ટાર ફાસ્ટર બુમરાહની સાથે સાથે સ્પિનર કુલદીપ યાદવ અને વરૂણ ચક્રવર્થીની સામે ટકી રહેવા માટે બેટ્સમેનો સંઘર્ષ કરતાં જોવા મળ્યા છે. તેમાંય દુબઈની પીચ પર સ્પિનરોનો દેખાવ અત્યંત પ્રભાવશાળી રહ્યો છે. ત્યારે ભારતીય ટીમને એશિયા કપની ફાઈનલમાં ખાસ સ્પર્ધાનો સામનો કરવો નહીં પડે તેમ નિષ્ણાતો પણ માની રહ્યા છે. સલમાન આગાના નેતૃત્વ હેઠળની પાકિસ્તાનની ટીમનો સુપર ફોરમાં ભારત સામે પરાજય થયો હતો. જોકે ત્યાર બાદ તેમણે શ્રીલંકા અને બાંગ્લાદેશ સામે વિજય મેળવ્યા હતા. આ સાથે તેઓ ફાઈનલમાં ક્વોલિફાય થઈ શક્યા હતા. હવે તેમને ભારત સામે ચમત્કારિક સફળતાની આશા છે. પાકિસ્તાનના ફાસ્ટર આફ્રિદી અને રઉફની સામે અગાઉના મુકાબલામાં અભિષેક સહિતના ભારતીય બેટસમેનોએ પ્રભાવશાળી દેખાવ સાથે ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા હતા. અબરારની બોલિંગ પણ સાવ સાધારણ સ્તરના ઘરઆંગણાના બોલર જેવી જોવા મળી છે, ત્યારે પાકિસ્તાનના બોલરો માટે રનગતિ પર અંકુશ લગાવવો મુશ્કેલ બનશે. બેટિંગમાં ફરહાને ભારત સામે અડધી સદી ફટકારી હતી, પણ ફખર ઝમાન સહિતના બેટ્સમેનોનો ખાસ પ્રભાવ જોવા મળ્યો નથી. સઈમ અયુબ, તલત તેમજ કેપ્ટન આગા જેવા બેટ્સમેનોમાં નિર્ણાયક અને બાજી પલ્ટી શકે તેવી ઈનિંગ રમવાનો આત્મવિશ્વાસ જોવા મળતો નથી. એશિયન ક્રિકેટ કાઉન્સીલના ઉપક્રમે યોજાઈ રહેલા એશિયા કપમાં ચેમ્પિયન બનનારી ટીમને આશરે ૨.૬૦ કરોડ રપિયા ઈનામમાં એનાયત કરવામાં આવશે. આ રકમ ડોલરમાં ત્રણ લાખ જેટલી છે. જ્યારે રનરઅપ ટીમને તેના કરતાં અડધી એટલે કે ૧.૫૦ લાખ ડોલર (આશરે રૂપિયા ૧.૩૦ કરોડ)નો ચેક એનાયત કરવામાં આવશે. એક અહેવાલ અનુસાર એશિયા કપની ઇનામી રકમમાં લગભગ ૫૦ ટકા જેટલો વધારો થઈ શકે છે.
Reporter: admin







