ગુજરાત હાઇકોર્ટનો નશ્યત આપતો હુકમ
વકીલ મયંક પટેલ અને તેની માતા સામે હિંગલોટ ગામની સીમમાં આવેલ જમીન માટે 65 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ થઇ હતી. આ મામલે એડવોકેટ મયંક પટેલે કરેલી રીટ પિટીશન ગુજરાત હાઇકોર્ટે ડીસમીસ કરી દીધી છે. મયંક પટેલની રીટ પિટીશનની સુનાવણી કરતા ગુજરાત હાઇકોર્ટે પાંચ લાખની પેનલ્ટી આપી નીચેની કોર્ટનો હુકમ કાયમ રાખ્યો હતો અને આ અપીલ ડિસમિસ કરી હતી. કોર્ટે નોંધ્યુ હતું કે નીચલી કોર્ટે જે ઓર્ડર પાસ કર્યો છે તેમાં અમને ક્યાંય ભૂલ થયેલી જણાતી નથી. જેથી આ અપીલ ડીસમીસ કરવામાં આવે છે અને 5 લાખની પેનલ્ટીની રકમ હાઇકોર્ટ લીગલ સર્વિસ કમિટીમાં ચાર સપ્તાહમાં જમા કરાવામાં આવે.
કોર્ટે ઝાટકણી કાઢી હતી કે આ અપીલ કરીને કાયદાનો દુરપયોગ કરાયો છે અને અદાલતનો કિંમતી સમય વેડફવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે વડોદરા તાલુકાના હિંગલોટ ગામે ગણોત ધારા હેઠળની જમીન આવેલી છે. આ જમીન સેવાસી ગામના વકીલ મયંક રમેશભાઈ પટેલ અને તેની માતા વિજયાબેન બિનખેતીની જમીન છે કહી તરસાલી વિસ્તારમાં રહેતા વેપારીને વેચાણે આપી હતી. તે માટે રૂપિયા 65 લાખ પડાવી લીધા હતા. પરંતુ જમીન બિન ખેતીની નહીં હોવાથી વેપારી છેતરાયા હોવાથી તાલુકા પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાવી હતી.
Reporter: admin