સાવલી તાલુકાની અલિન્દ્રા અને ભાટપુરાની શાળાને આ બન્ને મહાનુભાવો દ્વારા સર્વગ્રાહી કાળજી લેવાશે
શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે રૂ. ૩૪ લાખનું અનુદાન મળ્યું, શાળા છોડવાની શક્યતા ધરાવતા ૧૪ બાળકોનું સ્થાયીકરણ કરાયું

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ હવે સમાજોત્સવ બની ગયો હોય એ વાતની પ્રતીતિ કરાવતા પ્રસંગમાં સાંસદ ડો. હેમાંગ જોશી તથા ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા એક-એક શાળા દત્તક લેવામાં આવી છે. સાવલી તાલુકાની આ બે શાળાની શૈક્ષણિક અને ભૌતિક જરૂરિયાતની આ બન્ને જનપ્રતિનિધિઓ દ્વારા દરકાર રાખવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ બનાવવા માટે આહ્વાન કર્યું છે અને તેને પ્રતિસાદ આપતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશ પાંડેએ ઉક્ત બન્ને મહાનુભાવો સમક્ષ કન્યા કેળવણી યાત્રા દરમિયાન પ્રસ્તાવ મૂક્યો હતો. આ બન્ને મહાનુભાવોએ આ પ્રસ્તાવને સહર્ષ સ્વીકારી લીધો હતો. સાંસદ ડો. હેમાંગ જોશી દ્વારા અલિન્દ્રા તથા ધારાસભ્યશ્રી કેતન ઇનામદાર દ્વારા ભાટપુરા ગામની શાળાને દસ્તક સ્વીકારવામાં આવી છે. આ વ્યવસ્થા અંતર્ગત શાળાની સમયાંતરે મુલાકાત અને માર્ગદર્શન આપી સતત ગેરહાજર રહેતા બાળકોને શાળાએ લાવવા માટે પ્રયત્નો કરવામાં આવશે. તિથિ ભોજન, જરૂરી શૈક્ષણિક સામગ્રી તથા કિટની વ્યવસ્થા, પ્રવાસ પર્યટનનું આયોજન, વાલી સંમેલન,શાળા સમય પૂર્વે તથા પશ્ચાયત દીકરીની કાળજી, બે દિવસ બેગલેસ અંતર્ગત શૈક્ષણિક મુલાકાત, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર વિદ્યાર્થીઓને પાયાની સાક્ષરતા અને અંક વિજ્ઞાન વધે એ માટે વધારાના શિક્ષણની જરૂરિયાત પડે ત્યારે વ્યક્તિગત કાઉન્સેલિંગ સહિતની બાબતો ઉપર આ મહાનુભાવો દ્વારા લક્ષ્ય આપવામાં આવશે. શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે ૬૫૦ જેટલા રાજ્ય અને જિલ્લા કક્ષાના મહાનુભાવો દ્વારા ૧૪૯ રૂટ ઉપર નિયત કરાયેલા ૬૮૬ ગામોની ૪૫૫ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની મુલાકાત લેવામાં આવી હતી.

આ મહાનુભાવો દ્વારા પ્રાથમિક શાળાની શાળા વ્યવસ્થાપન સમિતિ અને માધ્યમિક શાળાની શાળા વ્યવસ્થાપન અને વિકાસ સમિતિના સભ્યો સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકોમાં ૪૧૦૧ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. દ્વિતીય દિવસે ધોરણ – ૧માં ૩૦૨૩ નવા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્યારે, ૩૨ બાળકોને શાળામાં પુનઃ પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રવેશ પામનારા બાળકોમાં ૪૦ દિવ્યાંગ બાળકોનો પણ સમાવેશ થાય છે. તદ્દઉપરાંત માધ્યમિક શાળામાં ૨૨૨૮ કુમાર અને ૧૯૩૭ કન્યા મળી કુલ ૪૧૬૫ અને ઉચ્ચત્તર માધ્યમિકમાં ૬૪૦ કુમાર તથા ૭૮૩ કન્યા મળી કુલ ૧૪૨૩ છાત્રોએ પ્રવેશ મેળવ્યો હતો. બાલવાટિકામાં ૩૯૮૯, આંગણવાડીમાં ૧૨૦૧ ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. ૫ કુમાર, ૯ કન્યા મળી કુલ ૧૪ બાળકો શાળા છોડે નહી તેની ખાતરી કરવામાં આવી હતી. શાળા પ્રવેશોત્સવ દરમિયાન ૮૬ શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધાશરૂ કરવામાં આવી હતી. ૨૬ કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોંડ આપવામાં આવ્યા હતા. આ દિવસે રૂ. ૨,૬૫,૩૫૪ રોકડ અને રૂ. ૩૨,૦૩,૦૦૧ની વસ્તુઓ મળી કુલ રૂ. ૩૪,૬૫,૩૫૫નું દાન મળ્યું હતું.

Reporter: admin