પાદરા : અમેરિકાથી ડિપોર્ટ કરાયેલી ખુશ્બુ જયંતિભાઇ પટેલ આજે સવારે પોતાના વતન પાદરા તાલુકાના લુણા ગામે પોતાના ઘરે આવી પહોંચી ત્યારે તેનો પરિવારના આંખમાં આંસુ જોવા મળ્યા હતા.
મોઢા ઉપર માસ્ક અને હુડી જેકેટ પહેરીને આવેલી ખુશ્બૂએ મીડિયા સાથે વાત કરવાનો ઇન્કાર કરી દીધો હતો અને ઘરમાં જતી રહી હતી. ખુશ્બૂના ભાઈ વરુણ પટેલ સાથે વાત કરતા તેણે કહ્યું હતું કે 'ખુશ્બૂ તો તેના ફ્રેન્ડ્સ સાથે યુરોપ ફરવા ગઇ હતી. ત્યાંથી તે મેક્સિકો ગઇ હતી અને અમેરિકાની બોર્ડર પાસે આવેલા મેક્સિકોના સિટી તિજુઆના આ સિટી અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યની સરહદ પાસે આવેલુ છે. અહી બોર્ડર પર અમેરિકન બોર્ડર પોલીસે ૧૪ દિવસ પહેલા ખુશ્બૂની ધરપકડ કરી હતી અને તેને સરહદ પાસે આવેલા સાન ડિએગો સિટીના ડિટેન્સન કેમ્પ (જેલ)માં રાખવામાં આવી હતી. જેલમાં બધાને હાથ-પગમાં બેડીઓ બાંધીને રાખવામાં આવ્યા હતા.
દિવસમાં એક વખત અડધો કલાક બેડીઓ ખોલવામાં આવતી હતી. ડિટેન્સન સેન્ટરમાંથી ચાર દિવસ પહેલા તમામ ભારતીયોને સેંટ ઓન્ટોનિયો એરપોર્ટ ઉપર લાવવામાં આવ્યા હતા અને બેડી બાંધેલી હાલતમાં જ અમેરિકન સૈન્યના કાર્ગો વિમાનમાં ગુલામોની જેમ ભરી દેવામાં આવ્યા હતા. ૪૦ કલાક દરમિયાન ખાવાનું પણ નહીવત અપાયુ હતું. વોશરૃમનો ઉપયોગ કરવાની પણ મનાઇ હતી. અમૃતસર ઉતર્યા બાદ બેડીઓ ખોલવામાં આવી હતી. અમૃતસર પોલીસે ખુબ સપોર્ટ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે અમેરિકાથી ખાસ વિમાન દ્વારા લવાયેલા ભારતીયોને પંજાબના અમૃતસર ખાતે ઉતારવામાં આવ્યા હતા. જ્યાં એક દિવસની ઇન્ક્વાયરી બાત તમામને પોતાના વતન રવાના કરાયા હતા. ગુજરાતીઓ આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા અને ત્યાંથી પાદરા પોલીસ ખુશ્બુ પટેલને સુરક્ષા હેઠળ પાદરા લાવી હતી.
Reporter: admin