વડોદરા: શહેરના ખિસકોલી સર્કલ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલી વરસાદી કાંસની કામગીરીના કારણે છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ ભારે ટ્રાફિકજામ સર્જાઈ રહ્યો છે.
રસ્તો સાંકડો થવાને કારણે વાહનચાલકો, વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગને રોજિંદા મુસાફરીમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.વોર્ડ નંબર 12માં આવેલા ખિસકોલી સર્કલ પાસે અટલાદરાથી વિશ્વામિત્રી નદી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા વરસાદી કાંસની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં વરસાદી કાંસ રસ્તા પર ક્રોસ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે રસ્તો નોંધપાત્ર રીતે સાંકડો બની ગયો છે. આ કામગીરી ત્રણ મહિનાથી પણ વધુ સમયથી ચાલી રહી છે.ખિસકોલી સર્કલએ શહેરના દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારોને જોડતો એક મહત્વનો માર્ગ છે.
આ માર્ગ પર 24 કલાક વાહનોની સતત અવરજવર રહે છે. રસ્તાની પહોળાઈ ઘટવાને કારણે અહીં દરરોજ લાંબા વાહનોની લાઈન લાગી રહી છે, જેમાં વાહનચાલકોએ કલાકો સુધી રાહ જોવી પડે છે.ટ્રાફિકજામને કારણે રોજિંદી અવરજવર કરતા વિદ્યાર્થી વર્ગ, નોકરીયાત અને ધંધાદારી વર્ગને સૌથી વધુ પરેશાની થઈ રહી છે. ટ્રાફિકજામમાં ફસાવાને કારણે તેઓ પોતાના ગંતવ્ય સ્થળે સમયસર પહોંચી શકતા નથી. ઈંધણનો વધારાનો ખર્ચ અને કિંમતી સમયનો વેડફાટ થવાની ફરિયાદ નાગરિકો કરી રહ્યા છે.
Reporter: admin







