News Portal...

Breaking News :

હોળી પૂર્વે માદરે વતન જવા માટે એસટી ડેપો ખાતે આદિવાસીઓનો ભારે ઘસારો

2025-03-12 14:50:47
હોળી પૂર્વે માદરે વતન જવા માટે એસટી ડેપો ખાતે આદિવાસીઓનો ભારે ઘસારો


વડોદરા :આદિવાસી બાહુલ્ય ધરાવતા જિલ્લામાં હોળીનું આગવું મહત્ત્વ છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ હોળી તો ઘરની જ ઉક્તિ અનુસાર ઘર આંગણે રોજીના અભાવે માદરે વતન છોડી રોજી માટે રાજ્યમાં અન્યત્ર હિજરત કરીને ગયેલા આદિવાસીઓનું હોળીની ઉજવણી માટે માદરે વતનમાં પરત ફરવાનું શરૂ થયું છે. 


આદિવાસી બાહુલ્ય ધરાવતા જિલ્લામાં જતી ટ્રેન તથા એસટી બસો તેમજ ખાનગી વાહનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. હોળી પર્વે પૂર્વે માદરે વતન જવા માટે એસટી ડેપો ખાતે આદિવાસીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. ST વિભાગ દ્વારા ધસારાને ખાળવા આદિવાસી બાહુલ્ય ધરાવતા જિલ્લા તરફ વધારાની એસટી બસો દોડાવવામાં આવી રહી છે. હોળી પહેલાની અગિયારસ એટલે કે આમળી અગિયારસના દિવસે આદિવાસીઓમાં પૂર્વજના અસ્થિ વિસર્જનની પ્રક્રિયા પણ જ મહત્વ ધરાવે છે. 



જેથી આદિવાસીઓમાં હોળી પર્વનું મહત્વ ખૂબ જ વધી જાય છે. જેના કારણે આદિવાસી દેશના કોઈપણ ખૂણામાં હોય પરંતુ હોળી પર તો પોતાના માદરે વતન જરૂર આવે છે.ફાગણ સુદ પૂનમ એટલે હોળી પર્વના એક માસ અગાઉ પરંપરા મુજબ જ્યાં હોળી પ્રગટાવવાની હોય છે. તે જગ્યાએ હોળીનો ડંડો રોપવામાં આવે છે. આ દિવસને દંડા રોપણી પૂનમ કહેવામાં આવે છે. આ દિવસથી જ દાહોદ જિલ્લાના અંતરિયાળ ગામોમાં હોળીના ઢોલ ઢબૂકતા થઈ જાય છે. જિલ્લાના આદિવાસીઓમાં હોળી પર્વે ઢોલનું ખૂબ જ મહત્વ છે. જેના કારણે આ દિવસોમાં જિલ્લામાં ઢોલ મેળાનું પણ આયોજન કરવામાં આવે છે.

Reporter:

Related Post