ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે આરોગ્ય સવલતોનું નિરીક્ષણ કરવાની સાથે જિલ્લાની આરોગ્ય સેવાઓ અને આરોગ્યલક્ષી ભૌતિક સુવિધાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
આ સમીક્ષા બેઠકમાં આરોગ્ય મંત્રીએ સિવિલ હોસ્પિટલમાં અને જિલ્લામાં ઉપલબ્ધ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરતા દર્દીઓ માટે સગવડ, સેવા અને વ્યવસ્થા કેન્દ્રમાં રાખીને સતત આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. આરોગ્ય મંત્રીએ સિવિલ હોસ્પિટલમાં સેવારત તબીબો અને આરોગ્ય કર્મીઓની હાજરી સુનિશ્ચિત કરવાની સાથે હાજરીનું સતત મોનિટરિંગ આ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે તાકીદ કરી હતી. ઉપરાંત સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં GAP Analysis કરીને મહત્વના સ્થળોએ બે મહિનામાં સીસીટીવી કેમેરા લગાવવા સૂચના આપી હતી. આરોગ્ય મંત્રીએ સમિક્ષા બેઠકમાં પેશન્ટ એપ્રોપ્રિએટ બિહેવિયર, સમગ્ર કૅમ્પસમા એન્ટ્રી, એક્ઝીટ, ઇમરજન્સી એન્ટ્રીમાં સીસીટીવી કેમેરા અને સર્વેલન્સ વ્યવસ્થા ગોઠવવી, સિક્યુરિટી, PMJAY યોજના અને ક્લેઇમ, બ્લડ સ્ટોરેજ , આઉટસોર્સિંગ સહિત માળખાકીય સેવા-સુવિધાઓની વિગતવાર માહિતી મેળવીને જરૂરી સૂચનાઓ આપી હતી.એસએસજી હોસ્પિટલ કૅમ્પસમાં GAP Analysis સર્વે કરી મહત્વના સ્થળોએ સત્વરે CCTV કેમેરા લગાવવા મંત્રીએ સૂચના આપી હતી.હોસ્પિટલમાં આવતા દર્દીઓને બ્લડની જરૂરિયાત હોય તો સત્વરે મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા મંત્રીએ તાકીદ કરી હતી.
ઇમરજન્સી અને પ્રોગ્રેસિવ ટ્રિટમેન્ટ માટે હોસ્પિટલમાં ICU અને વેન્ટીલેટર વધારવા આરોગ્ય મંત્રીએ સુચના આપતા રોગી કલ્યાણ સમિતિના માળખાને વધુ સુદ્રઢ કરીને સમયાંતરે સમીક્ષા બેઠક થાય, હોસ્પિટલમાં કોઇપણ પ્રકારની દવાની અછત વર્તાય નહિ,વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓની બાયોમેટ્રિક પદ્ધતિથી હાજરી લેવાય તે માટે મંત્રીએ વિગતવાર પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરી જરૂરી તાકીદ કરી હતી.આરોગ્ય મંત્રીએ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં પણ આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે આરોગ્ય કેન્દ્રો ઉપરાંત ઉપલબ્ધ મેડિકલ સાધનો અને પરિવહન માટેના વાહનોની પણ આવશ્યકતા અંગે ચર્ચા કરવામાં આવી હતી.મંત્રીશ્રીએ સિવિલ હોસ્પિટલની બેડની સંખ્યા, ઓ.પી.ડી.ની સંખ્યા, દવાની સ્થિતિ, માતા મરણ - બાળ મરણ, ડાયાલિસીસ વોર્ડમાં દાખલ દર્દીની સંખ્યા, વિવિધ કામગીરીની વિગતો તેમજ શહેર તથા જિલ્લાના પી.એચ.સી. અને સી.એચ.સી. અંગેની માહિતી મેળવીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત ૧૦૦ દિવસ ટી. બી. નિર્મુલન ઝુંબેશ અંગે જરૂરી માહિતી મેળવી આ ઝુંબેશની અસરકારકતા ક્યાં પ્રકારની કામગીરીથી વધી શકે એ અંગે માહિતી આપી હતી. આ બેઠકમાં ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઇ તરફથી મળેલી રજૂઆતોના નિરાકરણ માટે પણ જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કમિશ્નર હર્ષદ પટેલ, જિલ્લા કલેકટર બી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઇ શાહ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રી, આરોગ્ય વિભાગના અધિકારીઓ, સિવિલ હોસ્પિટલના તબીબઓ સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Reporter: admin