વોશિંગ્ટન :અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ગાઝામાં શાંતિ સ્થાપવા માટેના પીસ પ્લાન અંગે હમાસે સહમતિ આપી દેતાં ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અમે અમેરિકન પ્રમુખના શાંતિ પ્રસ્તાવના પ્રથમ તબક્કાને અમલમાં મૂકવા તૈયાર છીએ.
ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવ અનુસાર પ્રથમ તબક્કામાં હમાસે તમામ ઈઝરાયલી બંધકોને મુક્ત કરવા પડશે. તેના વિશે વધુમાં નેતન્યાહૂના કાર્યાલયે જણાવ્યું કે ઈઝરાયલ અને અમેરિકન પ્રમુખની ટીમ સાથે મળીને યુદ્ધનો અંત લાવવા માટે કામ કરતી રહેશે. જોકે ઈઝરાયલી વડાપ્રધાનના કાર્યાલયના નિવેદનમાં એવો કોઈ ઉલ્લેખ નથી કે આ દરમિયાન ગાઝા પર બોમ્બમારો અટકાવી દેવામાં આવે.સ્થાનિક મીડિયાના અહેવાલોમાં એવો દાવો કરાયો છે કે ઈઝરાયલના રાજકીય નેતૃત્વએ ઈઝરાયલી સૈન્યને ગાઝા શહેર પર કબજો કરવાના અભિયાનને રોકવાનો આદેશ આપી દીધો છે.
હવે આ પ્રકારના ઓપરેશનને અટકાવવા અને ફક્ત ડિફેન્સમાં કોઈ કાર્યવાહી કરવા માટેનો જ નિર્દેશ આપવામાં આવ્યો છે. આ નિર્ણય અમેરિકા અને ઈઝરાયલના અધિકારીઓ વચ્ચે રાતભર ચાલેલી વાતચીત બાદ લેવામાં આવ્યો હતો.આ દરમિયાન ટ્રમ્પે શુક્રવારે જાહેરાત કરી કે "હમાસ કાયમી શાંતિ માટે તૈયાર છે." તેમણે જાહેરમાં પહેલી વાર ઇઝરાયલને ગાઝા પરના હુમલા તાત્કાલિક બંધ કરવા હાકલ કરી. હમાસે તેમના પ્રસ્તાવનો જવાબ આપ્યાના થોડા સમય પછી ટ્રમ્પનો આ મેસેજ આવ્યો હતો.
Reporter: admin







