વડોદરા : ચિતપાવન બ્રાહ્મણ સંઘ - ચિતપાવન બ્રાહ્મણ મહિલા મંડળ - વડોદરા દ્વારા આજે પ્રતાપ રુદ્ર હનુમાન મંદિર, જુમ્મા દાદા વ્યાયામ મંદિર ખાતે સૌભાગ્યવતી મહિલાઓ માટે મકર સંક્રાંતિ નિમિત્તે હળદી- કુમકુમનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે બોલતા સૌ. પલ્લવીબેન કુંટે એ જણાવ્યું હતું કે હળદી - કુમકુમ એ મહારાષ્ટ્રિયન સમાજની મહિલાઓ માટે ખૂબ જ અગત્યનો અને મહત્વનો ઉત્સવ છે. આ ઉત્સવ મકરસંક્રાંતિ પછી રથસપ્તમી સુધી ઉજવવામાં આવતો હોય છે અને આ કાર્યક્રમમાં સૌભાગ્યવતી મહિલાઓ એકબીજાના ઘરે જઈ હળદી કુમકુમનું આદાન પ્રદાન તેમજ નાની મોટી ભેટ વસ્તુઓનું આદાન-પ્રદાન અને તીળ ગુળનો આસ્વાદ માણે છે. આ ખૂબ જ પ્રાચીન પરંપરા છે અને આ દ્વારા સમાજની મહિલાઓનું એકત્રીકરણ થતું હોય છે..

આજના આધુનિક યુગમાં મહિલાઓ પણ કાર્યરત હોવાને કારણે પોતાના ઘરે આ પ્રસંગ ઉજવી શકતી ન હોવાથી સામૂહિક રીતે આ કાર્યક્રમનું આયોજન પ્રતિ વર્ષે સંસ્થા દ્વારા કરવામાં આવતું હોય છે. આ પ્રસંગે સંસ્થાના કાર્યવાહ - મંત્રી પરાગ મનોહરએ જણાવ્યું હતું કે ચિત પાવન બ્રાહ્મણ સંઘ છેલ્લા ૪૯ વર્ષથી વડોદરામાં કાર્યરત છે અને મહારાષ્ટ્રિયન ચીત પાવન બ્રાહ્મણ સમાજના લોકો માટે સતત વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન કરતું હોય છે. આ કાર્યક્રમમાં ધાર્મિક, બૌદ્ધિક અને સમાજ ઉપયોગી એવા મહત્વના વિવિધ કાર્યક્રમ વર્ષ દરમિયાન યોજાતા હોય છે. આવતા વર્ષે સંસ્થા પચાસમાં વર્ષમાં પ્રવેશ કરશે એ પ્રસંગે તેમણે ચિત પાવન બ્રાહ્મણ સમાજના બધા જ લોકોને આ પ્રસંગોની ઉજવણીમાં ભાગ લેવા તેમજ વિવિધ કાર્યક્રમોનો આસ્વાદ માણવા માટે ભાવભીનું આમંત્રણ આપ્યું હતું.


Reporter: admin