ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અનેક સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા જેઠા ભરવાડે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે.
વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડના રાજીનામા પાછળના ચોક્કસ કારણો હજુ સુધી સામે આવ્યા નથી, પરંતુ આ ઘટના બાદ રાજકીય વર્તુળોમાં અનેક અટકળો તેજ થઈ છે. મળતી માહિતી મુજબ, જેઠાભાઈએ કામનું ભારણ વધુ હોવાના કારણે અન્ય હોદ્દા અને સામાજિક જવાબદારીની વ્યસ્તતાનું કારણ આપી રાજીનામું આપ્યું છે. આ રાજીનામું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકરની પ્રત્યક્ષ હાજરીમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને સોંપવામાં આવ્યું હતું.
જેનો વિધાનસભાના અધ્યક્ષે તત્કાલ સ્વીકાર કર્યો છે. રાજીનામા વિશે બોલતા જેઠા ભરવાડે કહ્યું કે ચર્ચા કરનારાઓ ચર્ચા કરતા રહેશે પણ મને કોઈ ફેર પડતો નથી. મેં સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. કામનો વધુ પડતો ભાર હતો એટલે મેં રાજીનામું આપી દીધું છે. અન્યોને પણ મોકો મળવો જોઈએ અને મારા રાજીનામાનો આ જ ઉદ્દેશ્ય છે.
Reporter: admin







