વડોદરાનો કોઇ ધારાસભ્ય, સાંસદ, મેયર,ચેરમેન,મ્યુ. કમિશનર,સિટી એન્જિનિયર પૂર નહીં જ આવે તે બાબતે છાતી ઠોકીને કહી શકે તેમ જ નથી...
વિશ્વામિત્રી પ્રોજેક્ટથી પૂર આવશે કે કેમ તે વિશે ભાજપના ધારાસભ્ય ચૈતન્ય દેસાઇને જ શંકા..

વડોદરાવાસીઓને પૂરથી બચાવવા માટે ભાજપના શાસકો, ધારાસભ્યો અને કોર્પોરેશન દ્વારા 1200 કરોડના ખર્ચે મોટા ઉપાડે વિશ્વામિત્રી પ્રોજેક્ટ શરુ કરાયો છે. આમ છતાં ભાજપનો કોઇ નેતા કે કોર્પોરેશનનો કોઇ અધિકારી છાતી ઠોકીને કહી શકે તેમ નથી કે આ વખતે વડોદરામાં પૂર આવશે જ નહીં, જો પૂર આવવાનું જ છે તો પછી કરોડોનો ખર્ચો કેમ કરો છો તેવો સવાલ શહેરીજનોને થઇ રહ્યો છે. આ વાત એટલા માટે થઇ રહી છે કે અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઇએ જ એક જાહેર કાર્યક્રમમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટની સફળતા પર સવાલો ઉભા કરતાં કહ્યું છે કે પૂર નહીં જ આવે તેની ખાતરી આપી શકાય તેમ નથી. ચૈતન્ય દેસાઇ તો વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં 75 ટકા કામ થયું હોવાનું જણાવી રહ્યા છે. જ્યારે કમિશનર 90 થી 100 ટકા કામ થયું હોવાનો દાવો કરી રહ્યા છે. સાચું કોણ? વડોદરા શહેરમાં ગત ચોમાસા દરમિયાન વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂર બાદ નદીને ઊંડી અને પહોળી કરવાનું કામ શરુ થયું છે. પરંતુ, આગામી ચોમાસા અગાઉ આ કામગીરી પૂરી થવાની શક્યતા જણાતી નથી. આથી આ ચોમાસામાં પણ શહેરમાં પૂર આવવાની કે પછી ભારે વરસાદમાં શહેરીજનો હેરાન થવાની શક્યતા છે. ખુદ અકોટાના ધારાસભ્યએ આ વાતની કબૂલાત કરી છે કે વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી પૂર્ણ થઈ નથી, તેથી આગામી ચોમાસાના સમયમાં શહેરમાં પૂર નહીં જ આવે તેવી ખાતરી ના આપી શકાય. ધારાસભ્ય ચૈતન્ય દેસાઇના જ શબ્દોમાં કહીએ તો જે પ્રકારે કામ થઇ રહી છે, વિશ્વામિત્રીને સાફ કરવાની અને પહોળી કરવાની..એથી લાગી રહ્યું છે કે આવતા સમયમાં પૂર કદાચ નહીવત આવશે પણ આપણાથી કહી ના શકાય કે પૂર આવશે જ નહી.. જેમ કુદરત છે..કહેર કેટલો આવે તે કહી ના શકાય પણ ઓછુ પાણી આવે તેટલી ખાતરી આપી શકાય પણ પૂર નહી આવે તેની ખાતરી ના આપી શકાય. આ શબ્દો ખુદ ધારાસભ્ય ચૈતન્ય દેસાઇએ જ ઉચ્ચાર્યા છે. 1200 કરોડના ખર્ચે વડોદરાની જનતાને ઉલ્લુ બનાવવા માટે વિશ્વામિત્રી પ્રોજેક્ટ નામનો રુપાળો પ્રોજેક્ટ શરુ કરી દેવાયો છે. પણ કામગીરી જે 100 દિવસમાં પૂર્ણ કરવાની છે તે હજુ પણ થઇ શકી નથી. વિશ્વામિત્રી પ્રોજેક્ટથી પૂર નહીં જ આવે તેમ ખુદ મેયર, ચેરમેન કે 5 ધારાસભ્યો અને સાંસદ પણ છાતી ઠોકીને કહી શકે તેમ જ નથી અને એટલે જ આ વખતે જો પૂર આવે તો પ્રજા તેમની પર વધુ રોષે ભરાશે તેમ લાગતા આ નેતાઓ હવે પાણી પહેલા પાળ બાંધી રહ્યા છે. કરોડોનો ખર્ચો ક્યાં કર્યો તે સવાલનો જવાબ પણ આ જ નેતાઓએ આપવો પડશે કારણ કે આખરે પ્રજાના પૈસાનો જ ઉપયોગ કરાયો છે.
પીએમના કાર્યક્રમમાં વ્યસ્ત...
વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં લગભગ 90 ટકા કામ થયું છે. હું હાલ પીએમ સાહેબના કાર્યક્રમની તૈયારીઓમાં વ્યસ્ત છું એટલે હમણાં ધ્યાન આપી શક્યો નથી
ડો.શીતલ મિસ્ત્રી, ચેરમેન

એક તરફ 100 ટકા કામ બીજી તરફ 85 ટકા...
વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં જમણી બાજુ 100 ટકા કામ અને ડાબી બાજુ 85 ટકા કામ થઇ ગયું છે. બાકીનું પણ ઝડપથી પૂરુ કરાશે અને ત્યારબાદ ઘાસ લગાવવા સહિતની કામગીરી કરાશે
અરુણ મહેશ બાબુ, કમિશનર
જમણી બાજુ 100 ટકા કામ...
જમણી બાજુ 100 ટકા થઇ ગયું છે જ્યારે ડાબી બાજુમાં 5 કિમી સરેરાશ કામ બાકી છે અને અંદાજે 85થી 90 ટકા કામ થઇ ગયું છે
ધાર્મિક દવે, અધિકારી
રાબેતા મુજબ જ મેયરનો ફોન અનરિચેબલ...
જેઓ પોતાના ઘમંડી મિજાજ માટે જાણીતા છે, છાશવારે રીસાઇ જવા બાબતે જાણીતા છે અને જેઓ વડાપ્રધાનના કાર્યક્રમમાં પણ રવિવાર , સોમવારની ભુલો કરે છે તેવા શહેરના મેયર પિંકી સોનીનો ફોન નંબર જ અનરિચેબલ બતાવતો હતો. મેયરનો ફોન જ જો ના લાગતો હોય તો વડોદરાની ભોળી પ્રજા બિચારી કોની પાસે જઇને પોતાનું દુખ પ્રગટ કરશે.
લકડી પુલ પાસેની વરસાદી કાંસની તો સફાઇ કરો...
લકડી પુલ પાસે આવેલ વરસાદી કાંસ ની સફાઈ માટે વારંવાર રજૂઆત કરવા છતાં કાંસની સફાઈ યોગ્ય રીતે કરવામાં આવતી નથી તેમ કોંગ્રેસના વોર્ડ નંબર 13ના નગરસેવક બાળુ સુર્વેએ આક્ષેપ કર્યો છે. વડોદરા શહેર દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ લકડી પુલ ખાતે ગાયકવાડ જમાનાની વરસાદી કાંસ ને સાફ સફાઈ માટે રજૂઆત કરવા છતાં યોગ્ય રીતે સફાઈ કરવામાં આવતી નથી. જયારે સુરસાગર તળાવ વરસાદની ઋતુમાં ઓવરફ્લો થાય છે ત્યારે સુરસાગર નું પાણી કાંસના માધ્યમથી વિશ્વામિત્રી નદીમાં વહેતું હોય છે પરંતુ પાલિકાના અધિકારીઓ દ્વારા આ કાંસમાં ગટરની લાઈનનું જોડાણ કરી દેવામાં આવ્યું જેને લઈને આ કાંસમાં ગંદકી નુ સામ્રાજ્ય જોવા મળી રહ્યું હતું સાથે મચ્છરોનો ઉપદ્વવ ના કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે સાથે કેટલાક ઘરો ના સભ્યો બીમારીમાં સપડાયા છે. વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના નગરસેવક બાળુ સુર્વે દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પાલિકાના અધિકારીઓ આંખ આડા કાન કરે છે. આ કાંસની સફાઈ માટે કર્મચારીઓ માત્ર દેખાવો કરતા હોય તેવું લાગી રહ્યું છે જો આ વરસાદી કાંસની સફાઈ યોગ્ય રીતે કરવામાં નહીં આવે તો મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવશે તેમ વોર્ડ નંબર 13 ના કોંગ્રેસ નગર સેવક બાળુ સુર્વે દ્વારા જણાવાયું હતું.પાલિકાની વડી કચેરીની સૌથી નજીકની કાંસમાં જ જો લાલીયાવાડી હોય તો અન્ય કાંસનો નંબર ક્યારે લાગશે ?
શહેરમાં વરસાદી કાંસો અને ડ્રેનેજની હજુ સફાઇ જ થઇ નથી...
શહેરમાં ચાર મુખ્ય કાંસો તથા વિવિધ વિસ્તારોમાં આવેલી કાંસો તથા વરસાદી કાંસો અને ગટરની હજુ સુધી સફાઇ જ કરવામાં આવી નથી. કોર્પોરેશન પ્રી મોન્સૂન પ્લાનિંગની વાતો કરે છે પણ કોર્પોરેશને ક્યા વિસ્તારમાં કઇ ડ્રેનેજ અને કાંસની સફાઇ કરી દેવાઇ છે તેનો રિપોર્ટ પ્રજા સમક્ષ રજૂ કરવો જોઇએ તો પ્રજાને ખબર પડશે કે આ વખતે તેમના વિસ્તારમાં પાણીનો નિકાલ થશે કે નહી પણ આ રિપોર્ટ જાહેર નહી કરાય કારણ કે એવી કોઇ જ નક્કર કામગીરી થઇ નથી. કોંગ્રેસના કોર્પોરેટરે તો માત્ર એક જ કાંસની વાત કરી છે પણ આવી દશા શહેરની તમામ કાંસો અને ડ્રેનેજની છે. હજુ પણ કોર્પોરેશન પાસે પંદર દિવસનો સમય છે અને રાત દિવસ કામગીરી કરીને કાંસો અને ડ્રેનેજની સફાઇ કરશે તો જ દર વખતની જેમ આ વખતે વડોદરા શહેર જળબંબાકાર નહી બને.


Reporter: admin







