દાહોદના કસ્બા વિસ્તારમાં આજે બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણે સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે. જૂની અદાવતને કારણે સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો મામલો જોતજોતામાં ઉગ્ર બની ગયો હતો અને જાહેરમાં ફાયરિંગ થતા ભયનો માહોલ સર્જાયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, કસ્બા વિસ્તારમાં બે જૂથો આમને-સામને આવી ગયા હતા. મામલો એટલો બીચક્યો હતો કે લગભગ 5 રાઉન્ડ જેટલું ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગની ઘટનામાં બે વ્યક્તિઓને ગોળી વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાની સાથે જ ડીવાયએસપી (DySP), લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB), સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને ડિવિઝન પોલીસ સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
વિસ્તાર કોર્ડન કરાયો કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે તાત્કાલિક અસરથી સમગ્ર કસ્બા વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી, ફાયરિંગ કરનારા શખ્સોને ઝડપી પાડવા અને જૂથ અથડામણના મૂળ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Reporter: admin







