જનપ્રતિનિધિઓ દ્વારા ઉપસ્થિત પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ કરવા કલેક્ટર ડો. અનિલ ધામેલિયા દ્વારા સૂચના અપાઇ

કલેક્ટર કચેરીમાં જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં જનપ્રતિનિધિઓ દ્વારા ઉપસ્થિત કરવામાં આવેલા પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ કરવા માટે કલેક્ટર ડો. અનિલ ધામેલિયા દ્વારા સૂચના આપવામાં આવી હતી. સામાન્ય રીતે પ્રતિ માસના ત્રીજા શનિવારે મળતી આ બેઠક આજે મળી હતી. ગત્ત શનિવારે જાહેરરજા હોવાથી મળી શકી નહોતી. ફરિયાદ અને સંકલનની બેઠકમાં ધારાસભ્ય સર્વ શૈલેષભાઇ મહેતા, મનિષાબેન વકીલ, અક્ષયભાઇ પટેલ, કેયુરભાઇ રોકડિયા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, ચૈતન્યસિંહ ઝાલા સહિતના જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં ઘરથાળના પ્લાટ, દબાણો, વીજળી, માર્ગ નિર્માણ, પાણી પુરવઠા, રેશનશોપ સહિતના વિષયો ઉપર જનપ્રતિનિધિઓ દ્વારા ઉપસ્થિત થયેલા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને તેના જવાબ, નિરાકરણ સંબંધિત કચેરીના અધિકારીઓ દ્વારા પાઠવવામાં આવ્યા હતા. આ બેઠક દરમિયાન સોલાર રૂફ ટોપ યોજના અંગે એમજીવીસીએલ દ્વારા એક પ્રેઝેન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં સોલાર રૂફ ટોપ યોજનાના ગ્રામીણ કક્ષાએ અમલીકરણ અંગે ફાયદાઓની સમજૂતી આપવામાં આવી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ, નિવાસી અધિક કલેક્ટર બી. એસ. પટેલ સહિતના અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.





Reporter: admin







