વડોદરા મનપા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રી સાહેબની સલાહ ને જાણે કે શુભેચ્છા મળી કે ફળી છે.શહેરની શુભેચ્છા હોસ્પિટલે પૂરના સમયે થયેલા કડવા અનુભવને કામે લગાડી જો ફરીથી પુર ના પાણી દવાખાનાની ચારે કોર ફરી વળે તો દાખલ દર્દીઓની સુરક્ષા અને સલામત સ્થળાંતર માટે સ્વખર્ચે બોટ વસાવી છે.
આમ,આ દવાખાના એ અપના હાથ જગન્નાથની કહેવત અનુસરી છે.સાથે સાથે તાજેતરમાં સ્થાયી અધ્યક્ષે દરેક વ્યક્તિ પોતાના ઘરમાં પુર સામે સલામતી માટે ટાયર ટ્યુબ,દોરડા, દંડા વસાવે અને સોસાયટીઓ સંસ્થાઓ તરાપા કે બોટ વસાવે એવી જે સલાહ આપી એને જાણે કે મૌન અનુમોદન આપ્યું છે.બોલકા લોકો ભલે વિરોધ કરી રહ્યા,મિસ્ત્રી સાહેબને વગોવી અને એમના નિવેદનને વખોડી રહ્યા હોય,તબીબી આલમે એમની સાથે આ રીતે ભાતૃભાવ વ્યક્ત કર્યો છે,એમની સલાહને જાણે કે પીઠબળ આપ્યું છે.તાજેતરના અભૂતપૂર્વ અને ભારે વિનાશક પૂરને લીધે અકોટા - શ્રીનગર સોસાયટીમાં આવેલી ઉપરોક્ત હોસ્પિટલની ચારે બાજુ પાણી ભરાઈ જતાં અવર જવર બંધ થઈ ગઈ હતી.તે સમયે બાર દર્દીઓ સારવાર હેઠળ હતા.તેમના માટે અને સ્ટાફ માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરવી તથા સારવાર ચાલુ રાખવી મુશ્કેલ બની ગયું હતું.હોસ્પિટલ દ્વારા મનપા અને ફાયર બ્રિગેડ ને એસ. ઓ.એસ.મોકલવામાં આવ્યા પરંતુ વિકટ સ્થિતિ હોવાથી કોઈ પ્રતિભાવ ન મળ્યો.ત્યારે ઉપલબ્ધ સાધનોની મદદથી તરાપો બનાવીને ભોજન પાણીની સગવડ કરી હતી.તેની સાથે ટ્રેકટર - જે.સી.બી.માં બેસાડી ને,જોખમ લઇને દર્દીઓને સલામત જગ્યાએ ખસેડ્યા હતા.
જો કે હોસ્પિટલ આ બોધપાઠ ભૂલી નહિ અને સ્થિતિ થાળે પડતાં તુરત જ હોસ્પિટલની આસપાસ ફરીથી એવી સ્થિતિ ઊભી થાય તો સ્ટાફ - દર્દીઓ ની સલામતી માટે બોટ વસાવી લીધી છે.જોગાનુજોગ આ સમયે જ મનપા સ્થાયી સમિતિના અધ્યક્ષ એ વડોદરાના લોકોને વરસાદી આફત સમયે પોતાના સ્વબચાવ ની આત્મ નિર્ભરતા માટે ટ્યુબ,દોરડા જેવા હાથવગા સાધનો રાખવાની સલાહ આપી.ઈરાદો શુભ હતો પણ શુભેચ્છા હોસ્પિટલ સિવાય કોઈ એ શુભ ઈરાદો સમજી ના શક્યું.એક વાત તો નક્કી છે કે ડોક્ટરોમાં મારા તમારા જેવા સામાન્ય માણસો કરતાં બુદ્ધિ અને વિચારવાની ક્ષમતા વધારે જ હોય.અને સંકટ સમયે મદદ મળે ત્યાં સુધી ટકી રહેવા માટે થોડીક પોતાની સજ્જતા તો હોવી જ જોઈએ.જો કે આ સજ્જતા કેળવવામાં થોડો વિવેક રાખવો પડે.બાકી તાજેતરમાં સુરતના વારિયાવી બજારની ઘટનામાં થી બોધપાઠ લઈને પોતાના ઘરની છત પર ઈંટો અને પથરા ભેગા કરો તો ક્યારેક પોલીસ પકડી જાય.એટલે તરાપો બનાવો,બોટ વસાવો કે લાઇફ જેકેટ વસાવો તો તેની જાહેરાત અવશ્ય કરજો,ઈલેક્ટ્રોનિક મીડિયા બોલાવી ઇન્ટરવ્યુ આપજો,ફોટો પડાવી છાપાઓ માં છાપાવજો..પણ પથરા અને ઈંટો અગાસીમાં ભેગી કરો તો પ્રચાર ના કરતા.. એ ભલે આત્મ રક્ષણ માટે હોય,પોલીસ નો ભાર ઘટાડવા માટે હોય,પણ એમાં તેરી બી ચૂપ..મેરી બી ચૂપ ઉત્તમ ગણાય...
Reporter: