બોરસદના કેજીએન હોટલ પાસેથી મહિલાને રિક્શામાં બેસાડી 10 હજારની રોકડ ભરેલા પર્સની ચોરી કરી હતી
છેલ્લાં છ મહિનાથી આણંદ ઉપરાંત ખેડા સહિતના અન્ય જિલ્લામાં ચાર સભ્યોની ગેંગ સક્રિય બની હતી
બોરસદના કે. જી. એન. હોટલ પાસેથી મહિલા મુસાફરને બેસાડી રૂપિયા 10 હજાર રોકડની ચોરી કરવાના ગુનામાં બોરસદ શહેર પોલીસે ગુનામાં સંડોવાયેલા ચાર શખસોને ઝડપી પાડ્યા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બોરસદ સહિત કુલ છ ગુનાનો ભેદ ઉકેલાયો છે. ચારેય શખસ છેલ્લાં છ મહિનાથી સક્રિય હતા અને તેઓ વિશેષ મહિલાઓને ટાર્ગેટ કરતા હતા.
આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, બોરસદના કે.જી. એન. હોટલ પાસે મુસાફરને બેસાડીને તેમના પાકીટમાંથી રોકડા રૂપિયા 10 હજારની ચોરી કરનારી ગેંગ આણંદ પાસીંગની રીક્ષામાં સવાર થઈને વાસદ તરફથી આવવાના હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન, વર્ણનવાળી રીક્ષા આવી પહોંચતા જ પોલીસે તેને રોકી લીધી હતી. રીક્ષામાં ચાર ઈસમો બેઠેલા હતાં. તેઓની પુછપરછ કરતાં તેઓ કોઈ યોગ્ય જવાબ આપી શક્યા ન હતાં અને ગલ્લાંતલ્લાં કરવા લાગ્યાં હતાં. જેને લઈને પોલીસે તેમના નામ ઠામ પૂછતાં સલીમ ઉર્ફે અમદાવાદી યુનુસ વ્હોરા (રહે. સોજિત્રા), સલીમ ઉર્ફે સલ્લો મહંમદ શેખ, અબ્દુલવહાબ મહેબુબ શેખ તથા સલીમ ઇસ્માઇલ શેખ (ત્રણેય રહે. દાણીલીમડા, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું.
બાતમી મુજબ મુસાફરોને બેસાડીને તેમના પાકીટમાંથી રોકડ રકમ તેમજ દાગીના કાઢી લેતા હતા. જે અંગે સઘન પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા અને તેઓ દ્વારા જ છેલ્લાં છ મહિનાથી સતત મુસાફરના સ્વાંગમાં બેસી અન્ય મુસાફરના દાગીના, રોકડ સહિતની કિંમતી મતા ચોરી લેતા હોવાની કબુલાત કરી હતી. પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા 11 હજાર, મોબાઈલ સહિતનો કુલ રૂપિયા 62 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પૂછપરછ કરતાં બોરસદ સ્થિત આણંદ ચોકડી પાસેથી મુસાફરના રૂપિયા 10 હજારની ચોરી કરી હોવા ઉપરાંત ચારેય જણાંએ છ માસ અગાઉ નારોલ ચોકડી અમદાવાદથી મહીલા મુસાફરને બેસાડી રૂપિયા 30 હજારની ચોરીની કબુલાત કરી હતી.
આ સિવાય, લાંભા ભમરીયાથી મહિલા મુસાફરને બેસાડી મુસાફરના થેલામાથી રૂપિયા 7 હજારની ચોરી, ત્રણેક મહીના પહેલાં ખેડા ચોકડી ઉપરથી મહિલા મુસાફરને રિક્ષામાં બેસાડી થેલામાંથી રૂપિયા 9 હજાર, દોઢેક મહીના પહેલા માતર બસ્ટેન્ડ પાસેથી ઉંમર લાયક મહીલાને બેસાડી 17 હજાર તથા એક મહિના પહેલા નાર સોજિત્રા રોડ ઉપર મહિલા મુસાફરને બેસાડી થેલામાંથી પાંચ હજારની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી
Reporter: News Plus