વડોદરા: શહેરમાં તમામ ઉત્સવોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે. જેમાં ગણેશ ઉત્સવ વડોદરાની આગવી ઓળખ ગણાય છે.
આજે ભાદરવા સુદ ચોથથી ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે વડોદરાની આન બાન શાન કહેવાતા લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં બિરાજમાન થતા વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણેશજી વર્ષોની પરંપરા મુજબ દાંડિયાબજારથી પાલખીમાં બિરાજમાન થઇ રાજમહેલ ખાતે પહોંચ્યા અને વિધિવત દરબાર હોલમાં ગણેશજીની મૂર્તિને હીરા મોતી જડિત આભૂષણ પહેરાવી રાજ ગુરુ આચાર્ય પ્રેમદત્ત વ્યાસ દ્વારા પૂજા અર્ચના કરી સ્થાપના કરવામાં આવી હતી.વડોદરા રાજવી પરિવાર દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસમાં દર વર્ષે દરબાર હોલમાં ગણેશ ઉત્સવ દરમિયાન ગણેશજીની નયનરમ્ય પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે.
આ પ્રતિમા વર્ષોથી વડોદરાના કલાકાર એવા ચૌહાણ પરિવાર દ્વારા બનાવવામાં આવે છે. જેની પાછળ પણ એક રોચક ઇતિહાસ છે આ વર્ષે પણ ચૌહાણબંધુઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી શ્રીજીની સુંદર પ્રતિમાનું સ્થાપન રાજ દરબાર હોલમાં કરવામાં આવ્યું છે.રાજમહેલમાં બિરાજમાન રાજવી પરિવારના ગણેશજીની મૂર્તિની વિશેષતા એ છે કે, ગણેશજી શંકર ભગવાનના પુત્ર હોવાથી આ મૂર્તિમાં બીલીપત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે. શ્રીજીની મૂર્તિ બનાવવા માટેની માટી પણ ભાવનગરથી મંગાવવામાં આવે છે. આ મૂર્તિ માટે પહેલેથી જ ઊંચાઈ અને વજન નક્કી કરવામાં આવ્યું છે. જે મુજબ ગણેશજીની પ્રતિમાની ઊંચાઈ 36 ઇંચની અને વજન 90 કિલો વર્ષોથી રાખવામાં આવે છે.
Reporter: admin