News Portal...

Breaking News :

ગાંધી જયંતિએ સ્વચ્છતા ઝુંબેશ – પરંતુ પાલિકાની વડી કચેરી પાછળ જ ગંદકીની ભરમાર

2025-10-03 10:24:48
ગાંધી જયંતિએ સ્વચ્છતા ઝુંબેશ – પરંતુ પાલિકાની વડી કચેરી પાછળ જ ગંદકીની ભરમાર


તમે સ્વચ્છ રાખશો... તો શહેર આપોઆપ સ્વચ્છ થઇ જશે : ગાંધીજી
દીવા તળે અંધારું : વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી પાછળ ગંદકીના ઢગલા
વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે સ્વચ્છતા પખવાડિયું ઉજવવામાં આવે છે. મેયર-કમિશનર ઝાડુ હાથમાં લઈ ફોટો સેશન કરે છે, પરંતુ હકીકતમાં ખંડેરાવ માર્કેટની પાછળ કચરાના ઢગલા, દુર્ગંધ અને જીવાતોનો ત્રાસ નાગરિકોને પરેશાન કરી રહ્યો છે.



વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે સ્વચ્છતા પખવાડિયું મનાવવામાં આવે છે. મેયર, ચેરમેન, કમિશનર સહિતના પદાધિકારીઓ ઝાડુ હાથમાં લઈને ફોટો સેશન કરે છે અને સ્વચ્છતા માટે અભરખા રાખે છે. ખાસ કરીને ગાંધી જયંતિના દિવસે મહાત્મા ગાંધીના સ્વચ્છ ભારતના સપનાને સાકાર કરવા શહેરી સ્તરે ઝુંબેશ ચલાવવામાં આવે છે. પરંતુ હકીકત એ છે કે "દીવા તળે અંધારું" કહેવત વડોદરામાં સાબિત થઈ રહી છે. કારણ કે પાલિકાની વડી કચેરી એટલે કે ખંડેરાવ માર્કેટની પાછળ જ ગંદકી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે.કમિશનર,મેયર,ચેરમેન,ડે.મેયર વિ.ની ઓફિસ પાસે જ જ્યાંથી સમગ્ર વડોદરા શહેરનું સંચાલન થાય છે, ત્યાં જ જો ગંદકી અને કચરાના ઢગલા જોવા મળે તો શહેરના બાકી વિસ્તારોમાં સ્વચ્છતાની સ્થિતિ કેવી હશે એ સરળતાથી સમજાય છે. મેયર પિન્કી સોની, ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રી અને કમિશનર અરુણ મહેશ બાબુ વડોદરાને સ્વચ્છ બનાવવા વારંવાર દાવા કરે છે, પરંતુ પોતાની કચેરીની પાછળની જ ગંદકી દૂર કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. પાલિકા છેલ્લા કેટલાક વર્ષોથી સ્વચ્છતા અભિયાનને શહેરમાં મોટા પ્રમાણમાં પ્રચાર કરી રહી છે. “સ્વચ્છ વડોદરા, સુંદર વડોદરા”ના નારા હેઠળ અનેક ઝુંબેશો યોજવામાં આવ્યા છે. શહેરનાં ચારે ઝોનમાં દરરોજ ડોર-ટુ-ડોર કચરા કલેક્શન, ઘનકચરાના ઉપાડ માટે નવા વાહનો, નાગરિકોને દંડની નોટિસો, તથા વિવિધ પ્રચારાત્મક કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે નાગરિકો આજે પણ ગંદકીની સમસ્યાથી અકળાઈ રહ્યા છે.ખાસ કરીને પાલિકાની વડી કચેરી એટલે કે ખંડેરાવ માર્કેટ વિસ્તારની પાછળ ગંદકીના ઢગલા ખુલ્લેઆમ જોવા મળે છે. અહીં જ શહેરની સૌથી મોટી શાકભાજી માર્કેટ આવેલી હોવાથી દરરોજ હજારો ટન કચરો એકઠો થાય છે. પાલિકાએ માર્કેટ પાસે સ્પોટ બનાવી કચરાને ઠરાવવા માટે જગ્યા નક્કી કરી છે, પરંતુ અહીં કોઈ વ્યવસ્થિત ઉપાડ થતો નથી. જેના કારણે ગંદકીમાં ગાયોનો ત્રાસ, કૂતરાઓની અવરજવર અને જીવાતો-માખીઓની ભરમાર જોવા મળે છે. આ માખીઓ સીધા જ શાકભાજી અને ફળ ઉપર બેસી રહી છે, જેના કારણે ખાદ્ય પદાર્થો પ્રદૂષિત થઈ નાગરિકોના આરોગ્ય પર ગંભીર ખતરો ઊભો થયો છે.



આ ગંદકીમાંથી મચ્છરોનું પ્રમાણ અતિશય વધી રહ્યું છે, જેના કારણે ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગો ફાટી નીકળવાનો ભય તબીબી નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. એક તરફ પાલિકા નાગરિકોને દંડ કરીને ગંદકી ન ફેંકવાની અપીલ કરે છે, શહેરભરમાં સીસીટીવી લગાવી દંડ વસૂલ કરે છે, પરંતુ પોતાની વડી કચેરીની પાછળ જ ફેલાતી ગંદકી સામે આંખ આડા કાન કરી રહી છે.ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પર નાગરિકો, વેપારીઓ અને મુસાફરો રોજ પસાર થાય છે. અહીંથી જતા લોકોને સૌથી પહેલાં નજરે પડે છે તો ગંદકીના ઢગલા, દુર્ગંધ અને પાણી ભરાયેલા કચરાના ખાડા. વેપારીઓએ અનેકવાર ફરિયાદ કરી છે કે કચરો સમયસર ઉપાડવામાં આવતો નથી, જેના કારણે વેપાર પ્રભાવિત થઈ રહ્યો છે. નાગરિકોમાં પણ અસંતોષ વધતો જાય છે.

મેયર, ચેરમેન અને કમિશનર દિલ્હી જઈને સ્વચ્છતા એવોર્ડ મેળવવા માટે તૈયાર,  શહેરમાં વાસ્તવિક સ્વચ્છતા લાવવા માટે કોઈ કાર્યરત નથી.
આ પરિસ્થિતિ વચ્ચે ખાસ ચર્ચાનો વિષય એ છે કે પાલિકાના મેયર, ચેરમેન અને કમિશનર દિલ્હી જઈને સ્વચ્છતા એવોર્ડ મેળવવા માટે તૈયાર રહે છે, પરંતુ શહેરમાં વાસ્તવિક સ્વચ્છતા લાવવા માટે કોઈ કાર્યરત નથી. જો પાલિકા પોતાની કચેરીની આસપાસની ગંદકી દૂર કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહી હોય તો શહેરના અન્ય વિસ્તારોની પરિસ્થિતિ કેટલી નાજુક હશે એનો અંદાજ લગાવવો મુશ્કેલ નથી.શહેરના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ તમામ ઝોનમાં નાગરિકો કચરાના ઢગલાઓને કારણે પરેશાન છે. ગંદકીના કારણે મચ્છરો, દુર્ગંધ અને આરોગ્ય સંબંધિત જોખમ વધી રહ્યું છે. અનેક વિસ્તારમાં લોકો કચરાના ઢગલાની આજુબાજુ રહેવા મજબૂર છે. બીજી તરફ પાલિકા ફક્ત સફાઈ ઝુંબેશના નામે ઝાડુ હાથમાં લઈને ફોટો સેશન પૂરતું કામ કરી રહી છે.

પાલિકાની વડી કચેરીની પાછળ જ સ્વચ્છતાનો અભાવ છે, ત્યારે “સ્વચ્છ વડોદરા”ના દાવા કેટલા સાચા છે?
જ્યારે વડોદરાની વડી કચેરીની પાછળ જ સ્વચ્છતાનો અભાવ છે, ત્યારે “સ્વચ્છ વડોદરા”ના દાવા કેટલા સાચા છે? નાગરિકો સ્વચ્છતા અભિયાનની વાતો કરતા વાસ્તવિક પરિસ્થિતિ જોઈને નિરાશ થઈ રહ્યા છે. આજે જો પાલિકા ખરેખર સ્વચ્છતા બાબતે ગંભીર બને તો સૌથી પહેલાં પોતાની કચેરીના આજુબાજુના વિસ્તારોને સ્વચ્છ બનાવવા પ્રયત્ન કરે. નહીં તો હાલના દાવા માત્ર કાગળ પર જ રહી જશે અને વડોદરા શહેર માટે સ્વચ્છતા અભિયાન એક નાટક પૂરતું સાબિત થશે.વડી કચેરીની સાથે મોટા ભાગની વોર્ડ કચેરીની પાછળના ભાગમાં પણ હંમેશા કચરાનાં ઢગલા હજી દેખાતા હોય છે.

Reporter: admin

Related Post