ભાજપની સ્થાનિક નેતાગીરીમા પોતાના અલગ જૂથવાદ, ટાંટિયાખેંચ ને કારણે મોવડી મંડળ વડોદરાના સ્થાનિક નેતાઓને સાઇડલાઇન કરવા મજબૂર
આજે ત્રણ ઓક્ટોબરના રોજ ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પ્રદેશ પ્રમુખની પસંદગી પ્રક્રિયા માટે ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરાયા છે. તેઓ જ નવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરશે. આ સાથે જ ગુજરાત ભાજપને પ્રમુખ મળશે. જો કે પ્રદેશ અધ્યક્ષ તરીકે વડોદરા શહેર - જિલ્લા ના કોઇ નેતાનું નામ આવે તેવું કોઇ સંજોગોમાં દેખાતું નથી. ભુતકાળમાં પ્રદેશ મંત્રી કે મહામંત્રી તરીકે ફરજ બજાવનારા કે પછી પૂર્વ સાંસદો કે ધારાસભ્યો કે પૂર્વ શહેર અધ્યક્ષોનો પનો પ્રદેશ પ્રમુખ તરીકે ટૂંકો પડશે તે વાત ચોક્કસ છે. મુળ વાત એ છે કે વડોદરાનો કોઇ જ નેતા પ્રદેશ પ્રમુખ તરીકે લાયક જ નથી. વડોદરાનો કોઇ ધારાસભ્ય જેમ મંત્રી પદ માટે લાયક નથી તેમ પ્રદેશ અધ્યક્ષ માટે પણ લાયક નથી. અંદરો અંદર જુથબંધી એ સૌથી મોટી વડોદરાના નેતાઓની નબળાઇ રહી છે અને તે આખું ગુજરાત ભાજપ અને હાઇકમાન્ડ પણ જાણે છે અને વડોદરાનો કોઇ એવો સક્ષમ, કે કદાવર નેતા નથી કે જે સૌરાષ્ટ્ર લોબીને હંફાવી શકે. પ્રદેશ પ્રમુખ તરીકે સર્વ સ્વીકાર્ય હોય અને રાજ્યના રાજકારણને સારી રીતે સમજતો હોય તેવો જ નેતા ચાલી શકે તેમ છે પણ વડોદરાના કોઇ નેતાઓમાં આ લાયકાત નથી. શહેરનાં ધારાસભ્યો જ એકબીજાને પાડવામાં વ્યસ્ત રહે છે. વડોદરાના નેતાઓ માત્રને માત્ર નિવેદનબાજી અને સોશિયલ મીડિયા દ્વારા સ્વ પ્રસિધ્ધી મેળવવામાં જ રચ્યા પચ્યાં રહે છે અને પોતાના જ પક્ષના અન્ય નેતાઓને કઇ રીતે નીચા પાડવા તેવી હલકી પ્રવૃત્તીઓમાં જ પરોવાયેલા રહ્યા છે. જેથી તેઓ પ્રદેશ પ્રમુખ તરીકે ચાલી શકે તેમ જ નથી. સંગઠનને મજબૂત બનાવવું તે તેમની લાયકાત જ નથી. કારણકે વડોદરામાં આંતરિક જૂથબંધી વર્ષોથી ચાલી આવે છે. સી. આર. પાટીલ જેવા નેતા જ પ્રદેશના રાજકારણમાં ભાજપનું નેતૃત્વ કરી શકે છે અને સી આર પાટીલ જેવા નેતૃત્વના ગુણ વડોદરાના કોઇ જ નેતા પાસે નથી. તે વડોદરા ભાજપના તમામ કાર્યકરો જાણે છે અને તેથી પ્રદેશ પ્રમુખ તરીકે કોઇ વડોદરાનો નેતા આવે તો ભુલી જ જવાનું છે.પ્રદેશ કક્ષાએ,વડોદરાથી મહામંત્રી તરીકે ભાર્ગવ ભટ્ટને મુકાયા હતા. પરંતુ એમની કેટલીક વિવાદીત હરકતોને કારણે સંગઠને ચાલુ પદે, એમને ઘર ભેગા કરવાની ફરજ પડી હતી. આશરે બે વર્ષ થવા જાય છે. પરંતુ એમને કોઈ મહત્વની જવાબદારી આપી નથી. વડોદરાના સ્થાનિક કાર્યક્રમોમાં પણ એમને આમંત્રણ અપાતું નથી. તાજેતરમાં નમોત્સવ કાર્યક્રમ વખતે પણ એમનાં નામનો હોબાળો મચતા એમને આ કાર્યક્રમના સંચાલનમાંથી દૂર રાખવામાં આવ્યા હતા. વડોદરામાંથી કોઈપણ પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્ય,પૂર્વ મંત્રી, પૂર્વ શહેર પ્રમુખ, પૂર્વ મહામંત્રી,પૂર્વ મેયર,પૂર્વ ચેરમેન વિ. કોઈ પણ રીતે પ્રદેશ અધ્યક્ષ પદે સફળ થઈ શકે નહીં. વડોદરાનો કોઈ પણ નેતા પ્રદેશ કક્ષાએ કામ કરી શકે તેવો સક્ષમ નથી.
આ રીતે થશે ચૂંટણી
ગુજરાત ભાજપના પ્રદેશ પરિષદના 292 સભ્ય પ્રદેશ પ્રમુખ વોટિંગથી પસંદગી કરશે. આ જ 292 સભ્ય રાષ્ટ્રીય પરિષદના 29 સભ્યોની પણ પસંદગી કરશે. ઉલ્લેખનીય છે કે, તમામ રાજ્યના રાષ્ટ્રીય પરિષદના સભ્યો રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરતા હોય છે. સવારે 11:00 વાગ્યાથી 2:00 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા થશે. બપોરે 3:00 વાગ્યાથી 4:00 વાગ્યા સુધી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને સાંજે 5 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા કરવામાં આવશે. 4 ઓક્ટોબરના રોજ સવારે 10થી 11 વાગ્યા સુધીમાં મતદાન થશે. મતગણતરી અને પ્રદેશ પ્રમુખની જાહેરાત 12 વાગ્યાની આસપાસ કરવામાં આવશે. ભાજપ દર 3 વર્ષે સંગઠનાત્મક ચૂંટણી કરાવે છે – સૌથી પહેલાં બૂથ, મંડળ, જિલ્લા ત્યારબાદ રાજ્ય સ્તરે ચૂંટણી થાય છે. મોટાભાગનાં રાજ્યોમાં (લગભગ 50% જેટલા) આ ચૂંટણી પૂર્ણ થઈ જાય પછી જ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થાય છે. અત્યાર સુધીમાં 29 રાજ્યોમાં આ ચૂંટણી પ્રકિયા થઈ છે. ગુજરાત 30 માં નંબરે છે. આ ચૂંટણી પ્રકિયા સમગ્ર ભારતમાં પ્રથમ વખત યોજાઈ રહી છે.
શહેર ભાજપના નેતાઓની આપસી જૂથબંધીને કારણે શહેરને મંત્રી કે અન્ય પદની અવગણના
શહેરમાં છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પોતાની અલગ જૂથબંધી સામે આવતી રહી છે આ જૂથોને એકબીજાના ટાંટિયા ખેંચમાં વધારે રસ છે. પક્ષ કે શહેરના વિકાસની દિશામાં ધ્યાન આપવાને બદલે પોતાની નિવેદનબાજીઓ,પોતાને બીજાથી ચઢિયાતા અને બાહુબલી બતાવવાની હોડને કારણે, ભૂતકાળમાં પત્રિકાબાજી જેવી રમતોને કારણે મોવડી મંડળે પણ તમાચા માર્યા છે. અગાઉ શહેરમાં સૌરભ પટેલ, દીપિકા ચિખલીયા,જશપાલ સિંઘને શહેરની કમાન અથવા જવાબદારી સોંપવામાં આવી હતી વર્તમાનમાં પણ શહેરના સાંસદ અને શહેર ભાજપ પ્રમુખ જેઓ મૂળ વડોદરાના નથી અને શહેરમાં કોઇને અપેક્ષિત પણ ન હતા તેમ છતાં મોવડી મંડળે સ્થાનિક નેતાઓને સાઇડલાઇન કરી એક રીતે ફરી તમાચો માર્યો છે અને સુધરવાની તક આપી પરંતુ ગાલ લાલ રાખીને પણ સ્થાનિક નેતાગીરી સુધરવા માંગતી નથી તેમ જણાય છે. જેઓને મંત્રી પદ મળ્યું તેઓ પણ કોઇને કોઇ કારણોસર પોતાનું મંત્રીપદ ગુમાવી બેઠા અને જૂથવાદનો ભાગ બન્યા જેના કારણે હાલમાં ફરી એકવાર વડોદરાના રાજકીય નેતાઓને મોવડી મંડળ સાઇડલાઇન કરે તો નવાઇ નહિ.
Reporter: admin







