વડોદરા: શહેરના વોર્ડ નંબર 16 માં થોડાક જ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતા સોસાયટીમાં પાણી ભરાવાના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે રહીશોએ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ની આગેવાનીમાં પાલિકામાં અધિકારીઓ જોડે ચર્ચા કરી પોતાની રજૂઆત કરી હતી.

ડભોઇ રોડ પર આવેલ ઋષિ પાર્ક સોસાયટી અને ગણેશ નગર ની સોસાયટીઓમાં છેલ્લા કેટલાક વર્ષોથી થોડાક જ વરસાદમાં પાણી ભરાઈ જાય છે જેથી લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય છે વારંવાર પાલિકામાં અને ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર ને રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ કોઈ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. સોસાયટીના રહીશ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા રહી ચૂકેલ એવા રશ્મિકાબેન પટેલે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને અને ધારાસભ્યને રજૂઆત વારંવાર કરવામાં આવી છે આવીને લોકો સમસ્યા જોઈને જતા રહે છે પરંતુ કોઈ નિકાલ આવતો નથી

ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોવા છતાં જો અમારું કોઈ ન સાંભળતા હોય અને અમારી સમસ્યાનો નિરાકરણ ન આવતું હોય તો એ ખૂબ જ દુઃખની બાબત છે એટલે ના છૂટકે અમારે હવે કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ પાસે આવી અને અમારી વેદના ઠાલવી છે.ચંદ્રકાંત શ્રીવાસ્તવે ત્વરિત અધિકારીઓને બોલાવી તેઓની સાથે ચર્ચા કરી હતી અને તાત્કાલિક અસરથી પગલાં લેવા જણાવ્યું હતું.



Reporter: admin