News Portal...

Breaking News :

દુબઈથી ફરાર ઠગાઈના આરોપીને અમદાવાદ એરપોર્ટ ખાતે ઝડપાયો

2025-07-05 09:54:59
દુબઈથી ફરાર ઠગાઈના આરોપીને અમદાવાદ એરપોર્ટ ખાતે ઝડપાયો


વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે નોકરીની લાલચ આપી લાખો રૂપિયાની ઠગાઈ કરી ફરાર થયેલા આરોપી આકાશ કમલેશભાઈ રાજપૂત (ઉં.વ. 28, રહે. સ્વાદ ક્વાર્ટર્સ, સંગમ સોસાયટી, હરણી રોડ, વડોદરા)ને અમદાવાદ એરપોર્ટ ખાતે ઝડપી પાડ્યો છે. 


આરોપી દુબઈથી હવાઈ માર્ગે અમદાવાદ આવતો હતો ત્યારે લુકઆઉટ સર્ક્યુલર (L.O.C.)ના આધારે ઇમિગ્રેશન અધિકારીઓએ તેને ઓળખી કાઢ્યો હતો.વર્ષ 2023માં સમા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છેતરપિંડીના આરોપીએ સમા-સાવલી રોડ ખાતે વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ ખોલી હતી. તેણે ફરિયાદીના પુત્ર અને અન્ય નોકરી ઈચ્છુક ઉમેદવારોને દુબઈમાં નોકરી અપાવવાની લાલચ આપી રોકડ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ. 27.75 લાખ વસૂલ્યા હતા. આરોપીએ નોકરી આપવાને બદલે ઓફિસ બંધ કરી દીધી અને રૂપિયા પરત ન કરતાં ફરાર થઈ ગયો હતો. 


આ ગુનામાં તેની સંડોવણી સાબિત થતાં તે પોલીસ ધરપકડથી બચવા લગભગ દોઢ વર્ષથી નાસતો ફરતો હતો ક્રાઇમ બ્રાન્ચે આરોપીની L.O.C. ભારતના તમામ એરપોર્ટ પર મોકલવામાં આવી હતી. બાતમીના આધારે જાણવા મળ્યું કે, આરોપી દુબઈમાં છે અને તે અમદાવાદ આવી રહ્યો છે. અમદાવાદ એરપોર્ટના ઇમિગ્રેશન વિભાગે આરોપીની ઓળખ કરી અને વડોદરા ક્રાઈમ બ્રાન્ચને જાણ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક અમદાવાદ એરપોર્ટ પહોંચી આરોપીને કસ્ટડીમાં લઈ વડોદરા ખસેડ્યો હતો. આરોપીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં તપાસ માટે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. હાલ ક્રાઈમ બ્રાન્ચे આરોપીની પૂછપરછ અને ગુનાની વધુ તપાસ કરી રહી છે.આકાશ રાજપૂત સામે અગાઉ હરણી પોલીસ સ્ટેશનમાં મારામારી અને વારસિયા પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગના કુલ બે ગુના નોંધાયેલા છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચની આ કાર્યવાહીથી શહેરમાં ગુનાખોરી સામે કડક કાર્યવાહીનો સંદેશો આપવામાં આવ્યો છે.

Reporter: admin

Related Post