રાજસ્થાનથી દારૂનો જથ્થો ભરીને ખેડા જિલ્લાના ગળતેશ્વર ખાતે આવેલી કારનું પાઇલોટિંગ કરતા ખેડા જિલ્લાના ભાજપ યુવા મોરચાના મંત્રી સહિત ચાર શખ્સોને ડેસર પોલીસે ઝડપી પાડયા હતાં.
ડેસર તાલુકાના વરસડા ગામમાં આવેલા ખેડા જિલ્લાના ભાજપ યુવા મોરચાના મંત્રી સહિત ચાર શખ્સોને ડેસર પોલીસે ઝડપી પાડયા હતાં. પોલીસે બીયરનો મોટો જથ્થો અને કાર મળી કુલ રૂપિયા 4.64 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.આ અંગેની વિગત એવી છે કે ડેસર પોલીસને બાતમી મળી હતી કે દારૂની પેટીઓ ભરેલી એક ગાડી ગળતેશ્વર બ્રિજથી પસાર થઇ વરસડા ગામની સીમમાં મહી નદીના કોતરોમાં જઇ તેમાંથી દારૂ ખાલી થાય છે. જેથી ગઇરાત્રે પોલીસે વરસડા ક્વોરી આવાસ નજીક મહી નદીના કોતરોમાં જઇને તપાસ કરતાં એક ગ્રે કલરની ખેડા પાસિંગની બલેનો કાર જણાઇ હતી.
આ કારમાં ત્રણ શખ્સો જણાતા તેઓની હાજરી અંગે પૂછપરછ કરતાં ત્રણેએ જણાવ્યું હતું કે સફેદ રંગની દારૂ ભરેલી કારનું પાઇલોટિંગ કરીને આવ્યા છે અને મહી નદીના કોતરમાં દારૂ ઉતાર્યો છે તેમજ અમે રૂપિયા લેવા માટે ઊભા છે.પોલીસે ત્રણેને સાથે રાખી કોતરોમાં તપાસ કરતાં 1.42 લાખ કિમતના 1143 બીયરના ટીન મળ્યા હતાં. ત્રણેના નામ પૂછતાં ઇશ્વર મોહનભાઇ પરમાર (રહે.મોર્ડન હાઇસ્કૂલ બાજુમાં, સેવાલીયા, તા.ગળતેશ્વર, જિલ્લો ખેડા), અલ્પેશ રમણભાઇ સોલંકી (રહે.ચોરાવાળું ફળિયું, અગાડી, તા.ગળતેશ્વર) અને મહેશ ઉર્ફે અજય જેણાભાઇ પરમાર (રહે.ઇન્દિરાનગરી, સેવાલીયા) જાણવા મળ્યું હતું. પોલીસ પૂછપરછમાં રાજસ્થાનના છાપરીયાથી દિપુરાજ નામનો શખ્સ કારમાં દારૂ લઇને ગળતેશ્વર આવ્યો હતો અને અમારો સંપર્ક કરી દારૂ ભરેલી કારનું પાઇલોટિંગ કરીને દારૂનો જથ્થો વરસડા ગામના નવઘણ ભરવાડને આપવા આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
Reporter: admin